31 બાંધકામો સીલ કરનાર તંત્ર કહે છે હેરિટેજ મામલે અમને કોઈ સત્તા જ નથી

અમદાવાદ, તા. ૧૬

સ્ટેન્ડિંગ કમિટીની આજે મળેલી બેઠકના અંતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ બળવંતરાય ભટ્ટે ચોંકાવનારું નિવેદન કરતાં કહ્યું, હેરિટેજ મકાનોના મામલે કોઈ નિતી વિષયક નિર્ણય લેવાની અમને કોઈ સત્તા નથી. અમદાવાદ શહેરમાં હજુ પંદર દિવસ અગાઉ ૩૧ જેટલા હેરિટેજ મકાનોને તોડી પાડી કોમર્શિયલ બાંધકામ કરવાની પેરવી કરનારાઓની સાઈટો સીલ કરનારા મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના પણ વડા એવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નિવેદને સૌને ચોંકાવવાની સાથે આઘાતની સ્થિતિમાં મૂકી દીધા હતા.

અમદાવાદ શહેરને હેરિટેજ શહેર જાહેર કરાયા બાદ યૂનેસ્કો દ્વારા શહેરમાં આવેલા હેરિટેજ મકાનોની શું હાલત છે એ અંગે રિપોર્ટ માંગવામાં આવતા હેરિટેજ વિભાગ અને એસ્ટેટ વિભાગ બન્ને સફાળા જાગ્યા હતા. સાથે જ કુલ ૩૧ બાંધકામોની સાઈટો સીલ કરી દેવાઈ હતી. કારણ અપાયું હતું કે, હેરિટેજ મકાનો તોડી પાડીને કોમર્શિયલ બાંધકામ કરાઈ રહ્યું હતું. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ ચેરમેનને હેરિટેજ મકાનોનું સમારકામ કરવા માંગતાઓને તકલીફ પડી રહી હોવા બાબતે પત્રકારો દ્વારા પૂછવામાં આવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ બળવંતરાય ભટ્ટે ચોખ્ખું કહ્યું, હેરિટેજ મકાનો મામલે અમને કોઈ નિતી વિષયક નિર્ણય કરવાની સત્તા નથી. કોટ વિસ્તારમાં જૂના મકાનો રીપેર કરવા માંગતાઓ માટે અમે ટી-ગર્ડરથી રિપેરીંગ કરવાની જૂની નીતિ ફરી શરૂ કરી છે. આ સિવાય અન્ય કોઈ નિર્ણય કરવાની અમને સત્તા નથી. ચેરમેન જેવા જવાબદાર નેતાના આ પ્રકારના નિવેદનથી અનેક બીજા પ્રશ્નો ઊભા થયા છે. પહેલું તો સત્તા નથી તો થોડા સમય પહેલા એસ્ટેટ વિભાગ દ્વારા ૩૧ સાઈટોને સીલ કઈ સત્તાના આધારે કરાઈ? બીજું જે ટી-ગર્ડર પ્રથા શરૂ કરાઈ છે એ પહેલા અમલમાં હતી તે સમયે પણ આ ઓઠા હેઠળ જૂના મકાનો તોડીને કોમર્શિયલ બાંધકામો કરાતા હોવાની વ્યાપક ફરિયાદો બાદ આ પ્રથા બંધ કરાઈ હતી. હવે ફરી આ પ્રથા શરૂ થતા કોમર્શિયલ બાંધકામો અટકી જશે એમ તંત્ર ચોકકસ બાંહેધરી આપી શકશે કે કેમ.

સ્ટેન્ડિંગમાં લેવાયેલા નિર્ણયો

શહેરની એલ.જી. હોસ્પિટલના તબીબોએ સવારે નવથી પાંચને બદલે રીસેસનો સમય બાદ કરી નવથી ચાર ઓપીડીનો સમય રાખવા રજૂઆત કરી છે. શહેરમાં મુખ્ય બ્રિજ સહિત અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો ઘણા સમયથી બંધ હાલતમાં છે. ત્યારે લાઈટ ખાતાને જે મુખ્ય કોન્ટ્રાકટર હોય કે પેટા કોન્ટ્રાકટર તેની સામે કાર્યવાહી કરવા કહેવાયું છે. લિગલમાં ઘણા કેસો પેન્ડિંગ છે ત્યારે વકીલોને ઝડપથી કેસો ચલાવી જ્યાં પણ રોડ પરના દબાણો છે તેવા કેસોમાં ઝડપથી નિર્ણય કરવા તાકીદ કરાઈ છે. ખારીકટ કેનાલના નાળા સાંકડા હોવાથી વાહન ચાલકોને તકલીફ પડતી હોઈ સિંચાઈ વિભાગને આ નાળા પહોળા કરવા અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશનને સત્તા આપવા કહેવામાં આવશે.