અત્યાર સુધીમાં ૩૪૯ વિશેષ ટ્રેન દ્વારા કુલ ૪ લાખ ૭૦ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતા પૂર્વક વ્યવસ્થા કરી છે.
સમગ્ર દેશમાંથી ૯ લાખ ૮૫ હજાર જેટલા શ્રમિકો પોતાના વતન રાજ્યમાં પહોંચ્યા છે તેમાં ૩ લાખ ૯૫ હજાર એટલે કે દેશના કુલ શ્રમિકોના ૪૦ ટકા ગુજરાતમાંથી જનારા શ્રમિકો છે. આજે વધુ ૪૭ સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી ૭૫,૨૦૦ જેટલા પરપ્રાંતિય શ્રમિકો અને મજૂરોને ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવ્યા છે.
ગઇકાલ બુધવાર રાત્રી સુધીમાં ગુજરાતમાંથી ૩૦૨ ટ્રેનો રવાના કરવામાં આવી છે. જે સાથે કુલ ૩.૯૫ લાખ પરપ્રાંતીયો શ્રમિકોને પોતાના વતન રાજ્યમાં કોઈ પણ અડચણ કે મુશ્કેલી વગર પહોંચાડવામાં આવ્યા છે.
જે ૩૦ર ટ્રેન ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં ગઇ છે તેમાં ઉત્તરપ્રદેશ માટે ર૦૪, બિહાર માટે ૩૪, ઓડિશા માટે ૩૦, મધ્યપ્રદેશ માટે ર૦, ઝારખંડ માટે ૮, છત્તીસગઢ માટે ૩ અને ઉત્તરાખંડ માટે ર શ્રમિક સ્પેશ્યલ ટ્રેનનો સમાવેશ થાય છે.
આજે ગુરુવારે અન્ય ૪૭ ટ્રેન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી રવાના થશે. જેમાં ઉત્તરપ્રદેશ માટે ૩૭, બિહાર માટે ૦૪ ટ્રેન, ઓરિસ્સા માટે ૦૨ ટ્રેન અને મધ્યપ્રદેશ-છત્તીસગઢ- ઝારખંડ – ઉત્તરાખંડ માટે ૧-૧ ટ્રેન દોડશે. અમદાવાદથી ૧૧ ટ્રેન, સુરતથી ૧૫ ટ્રેન, રાજકોટથી ૦૫ ટ્રેન, ભરૂચ – ગાંધીધામ – વાપીથી ૨-૨ ટ્રેન તથા અન્ય જિલ્લાઓમાંથી ૧-૧ મળીને આજે રાત સુધીમાં રવાના થનાર ૪૭ ટ્રેનમાં વધુ ૭૫,૨૦૦ પરપ્રાંતીયો – શ્રમિકોને પોતાના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવશે.
તા.૧૪ મે ની મધ્યરાત્રિ સુધીમાં કુલ આંક ૪ લાખ ૭૦ હજાર જેટલો થવા જાય છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનિકુમારે આ અંગેની વિગતો આપી હતી.