50 હજાર કરોડની સબમરીન પ્રોજેક્ટમાંથી અદાણીની બાદબાકી

આખરે મોદી મિત્ર અદાણી રૂ.50 હજાર કરોડના સબમરીન બનાવવાના પ્રોજેક્ટમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં અદાણીને સામેલ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની વિપક્ષો સતત આકરી ટીકા કરતા રહ્યા હતા અને અદાણીના ચેરમેન ગૌતમ અદાણી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દોસ્ત હોવાથી આ પ્રોજેક્ટ એમને અપાયો હોવાના આક્ષેપ પણ થયા હતા. વિપક્ષે એવો પણ આરોપ મૂક્યો હતો કે અદાણીને આ પ્રકારના કામનો કોઇ પૂર્વાનુભવ નથી.

ભારતીય નૌકાદળ માટે જે છ સબમરીન બનાવવાની છે એ માટે નક્કી થયેલી કંપનીઓમાંથી અદાણી ડિફેન્સ બહાર નિકળી ગઈ છે. ડિપાર્ટમેન્ટ આૅફ એટોમિક એનર્જીએ મઝગાંવ ડોક્યાર્ડ લિમિટેડ અને લાર્સન એન્ડ ટુબ્રોને આ કામ આપવામાં આવ્યું છે. રૂ.૫૦,૦૦૦ કરોડના પી-૭૫ આઇ પ્રોજેક્ટમાંથી અદાણી ડિફેન્સ, હિન્દુસ્તાન શીપયાર્ડ અને એરોસ્પેશના દાવાને હાઇ પાવર કમિટિએ ટેક્નિકલ કારણોસર ફગાવી દીધા હતા.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ચીફ આૅફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ભારતીય ભૂમિદળના વડા તરીકે નિવૃત્ત થયા બાદ બિપિન રાવત દેશના પહેલા સીડીએસ બન્યા હતા.

હાઇ પાવર કમિટિએ એવો પણ નિર્ણય કર્યો હતો કે મેક ઇન ઇન્ડિયા નીતિને અનુરૂપ ઇલેક્ટ્રોનિક વારફેર સહિત ૫,૧૦૦ કરોડના સ્વદેશી સાધનોની ખરીદી કરવી. જનરલ રાવત સીડીએસ બન્યા બાદ હાઇ પાવર કમિટિની આ પહેલી બેઠક હતી. સંરક્ષણ ખાતાના એક પ્રવક્તાએ કહ્યું હતું કે પી-૭૫ આઇ પ્રોજેક્ટ માટે ઓરિજિનલ ઇક્વીપમેન્ટ મેન્યુફેક્ચરર (ઓઇએમ)ને આગળ વધવાની હરી ઝંડી દેખાડી દેવામાં આવી હતી.