8 હજાર કોરોના દર્દીમાં શ્વાસ અને શરદીમાં આયુર્વેદિક દવાથી ફાયદો, સંપૂર્ણ સારવાર નહીં

ગાંધીનગર, 24 એપ્રિલ 2021

અમદાવાદ સિવિલમાં આયુષ મંત્રાલયની ગાઇડલાઇન પ્રમાણે અખંડાનંદ કોલેજની ટીમ આર્યુવેદિક સારવાર માટે છેલ્લા 1 વર્ષથી કામ કરે છે. અખંડાનંદ કોલેજના ચિકિત્સા વિભાગના હેડ સુરેન્દ્ર સોની કહે છે કે કોરોના વાયરસની બિમારીમાં આયુર્વેદિક ઉપચાર પધ્ધતિ સહાયકરૂપે અસરકારક નિવડી છે.

સિવિલની ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં એક વર્ષમાં અમે કોરોનાગ્રસ્ત દર્દીઓને આયુર્વેદિક દવાઓ સહાયક સારવાર પધ્ધતિ રૂપે આપી રહ્યા છે. જેના અમને સકારાત્મક પરિણામો મળ્યા છે.

આયુષ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવેલી આયુષ-64, સંશમનીવટી, યષ્ટીમધુ ઘનવટી આ ત્રિપુટી આયુર્વેદિક દવાઓથી ધણાય કોરોનાગ્રસ્ત દર્દીઓએ રાહત અનુભવી છે.

અત્યાર સુધીમાં 5214 જેટલા કોરોના યોદ્ધાઓને અને 8 હજારથી વધુ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓને આ દવાઓ દ્વારા સારવાર આપી છે. આયુર્વેદિક ઉકાળાથી લઇ વિવિધ દવાઓનો સમાવેશ થાય છે. કોરોના વોર્ડમાં તેમજ કોરોના યોદ્ધાઓમાં પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે હેતુથી ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. જેના અમને સકારાત્મક પરિણામ મળ્યા છે. ઘણાંય દર્દીઓ અને કોરોના યોદ્ધાઓમાં નવ ઉર્જાનું સંચય થતું હોય તેવા પ્રતિભાવ મળ્યા છે.

કોરોના વાયરસની મૂળ તકલીફ ફેફસા સાથે શરદી, ઉધરસ સાથે સંકળાયેલી છે. જેમાં ઉક્ત દવાઓ ઘણી ફાયદાકારક સાબિત થઇ છે. શરદી, ગમે તે પ્રકારની ઉધરસ, ગળામાં-પેટમાં બળતરા થવી, ભૂખ ન લાગવી, અપચો રહેવો, શ્વાસ રૂંધાવા જેવી અનેક તકલીફોમાં ઉક્ત ત્રણેય દવાઓએ અસરકારક પરિણામ આપ્યુ છે તેમ તેઓ ઉમેરે છે.