ગાંધીનગર, તા.૧૨
ગુજરાત સરકાર વૃક્ષો વાવવાની અપીલ કરે છે પરંતુ મહેસાણા જિલ્લામાં આવેલું એક ગામ એવું છે કે, આ ગામમાં જેટલી વસતી છે તેનાથી વધારે વૃક્ષો વાવવામાં આવેલા છે. લીલોતરીથી આચ્છાદિત ગામ જોવું હોય તો મહેસાણાના આ ગામમાં જવું પડે. ગામડાના યુવાનોને ફરજીયાત વૃક્ષો વાવવાનો આદેશ ગામના વડીલો દ્વારા આપવામાં આવ્યો છે.
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા તરભ ગામની વસતી 6000ની છે. જેની સામે વૃક્ષોની વસતી 8000 કરતાં વધારે છે. વ્યક્તિદીઠ કરતાં વૃક્ષોની સંખ્યા આ ગામમાં વધારે જોવા મળે છે. લોકો બાળકના ઉછેરની જેમ વૃક્ષની માવજત કરી રહ્યાં છે. ગામમાં 1500 મકાનો આવેલા છે. મકાનોની સંખ્યા કરતાં પાંચ થી છ ગણાં વૃક્ષો વાવવામાં આવેલા છે.
આ ગામનું આશ્ચર્ય એ છે કે ક્યાંય પણ ખુલ્લી જમીન જોવા મળતી નથી. જ્યાં જમીન છે ત્યાં વૃક્ષો વાવવામાં આવેલા છે. ગરમીનો પારો અહીં નીચો જોવા મળે છે અને વરસાદની માત્રા વધારે દેખાય છે. વિકાસના કામ માટે જો એક વૃક્ષ કાપવામાં આવે તો જે તે વ્યક્તિ કે સંસ્થાને એક વૃક્ષની સામે ચાર વૃક્ષ વાવવાની સજા ફટકારવામાં આવે છે.
ગુજરાત સરકાર ચોમાસુ આવે એટલે વૃક્ષારોપણના કાર્યક્રમો આપે છે પરંતુ તરભ ગામમાં બારે મહિના વૃક્ષારોપણ હોય છે. ગામના 200 મીટરના પ્રવેશ માર્ગ પર એક પણ વૃક્ષ ન હતું, તેમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ગામના વડીલો યુવાનોને વારસામાં વૃક્ષારોપણનો મહિમા આપે છે. પાણીની ખાલી બોટલોનો ઉપયોગ કરીને પાણીનું સિંચન કરવામાં આવે છે.
આ ગામની ભૌગોલિક સ્થિતિ અલગ છે. જમીનમાં ઉપરના સ્તરમાં ભેજનું પ્રમાણ ઝડપથી ઘટી જાય છે તેથી વૃક્ષોને ઉછેરવામાં મુશ્કેલી પડે છે પરંતુ સ્વામી ચરણગીરી વિદ્યાલયના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ પીવાના પાણીની ખાલી બોટલો એકત્ર કરી તેમાં નીચેના ભાગે નાનું કાણું પાડીને વૃક્ષને પાણી આપવાની ટેકનિક લોકોને શિખવી છે, જેથી વૃક્ષોને ઉછેર માટે જરૂરી એવું પાણી મળી રહે છે.
પાણીની ખાલી બોટલમાં પાણી ભરીને વૃક્ષના થડ સાથે બાંધી દેતાં વૃક્ષોને પાણી મળી રહે છે. આ પાણીના કારણે જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ રહે છે અને વૃક્ષો ગ્રોથ કરે છે. સ્કૂલના બાળકો અને ગામલોકો પાણીની ફેંકી દેવામાં આવેલી ખાલી બોટલો એકત્ર કરીને આ ટેકનિકથી વૃક્ષોને પાણી આપે છે.