જાપાનની મિયાવાકી પદ્ધતિથી પાટણ શહેર વચ્ચે ઉછરી રહ્યું છે નાનકડું ‘જંગલ’

પાટણ શહેરના સૌથી વ્યસ્ત રોડ પૈકીના યુનિવર્સિટી રોડ પર ઉછરી રહ્યું છે એક નાનકડું ‘જંગલ’. માત્ર છ જ મહિના પહેલા રાજમહેલ એટલે કે વિશ્રામ ગૃહના પ્રાંગણમાં આવેલા બાગમાં ખુબ નાનકડી જગ્યામાં વાવવામાં આવેલા 300 જેટલા વૃક્ષો બાયોડાયવર્સિટીને નવો આયામ આપશે.

પાટણના પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જુના વિશ્રામ ગૃહના બાગમાં જાપાનની મિયાવાકી વૃક્ષારોપણ પદ્ધતિથી 3.75 X 20 મીટર તથા 3.75 X 25 મીટરના બે બ્લોકમાં ૩૫થી વધુ વિવિધ પ્રજાતિના 300 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ફૂલ છોડ, આયુર્વેદિક ગુણ ધરાવતા તુલસી જેવા છોડ, સિતાફળ, ગુંદા અને બદામ જેવા પક્ષીઓને અનુકુળ નાના વૃક્ષો, ઉપરાંત લીમડો, પીપળો, ગુલમહોર, સેવન અને મહાગુની જેવા વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવ્યું.

ગુજરાતની ઐતિહાસિક રાજધાની પાટણના નગરપતિ સમ્રાટ સિદ્ધરાજ જયસિંહને સમર્પિત આ મીની જંગલને ‘સિદ્ધવન’ નામ આપવામાં આવ્યું છે. સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી ઉછેરવામાં આવતા વૃક્ષો પ્રમાણમાં ખુબ ઓછા પાણીએ પણ ઝડપી વિકાસ પામે છે. વૃક્ષારોપણ પછી માત્ર છ મહિનાના સમયગાળામાં દોઢથી બે ગણા ગ્રોથ રેટ સાથે ઉછરી રહેલા વૃક્ષો પૈકી માત્ર ૧૦ ટકા વૃક્ષો જ નાશ પામ્યા છે.

શું છે મિયાવાકી પદ્ધતિ?

જાપાનના વનસ્પતિ શાસ્ત્રી અકીરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવેલી આ પદ્ધતિમાં જમીનના પ્રકાર મુજબ ૩ ફૂટ ઉંડો ખાડો કરી તેમાં વર્મિ કમ્પોસ્ટ અને કોકોપીટનું મિક્ષ્ચર નાંખવામાં આવે છે. પ્લાન્ટેશન કર્યા બાદ પ્લાન્ટની આસપાસની જમીનમાં સૂકુ ઘાંસ કે બાજરીનું ભુસૂ નાંખવામાં આવે છે. જમીનમાં નાંખવામાં આવેલા કોકોપીટ અને સપાટી પરના ભુસાના કારણે ભેજ જળવાઈ રહેવાથી ઓછા પાણીથી પણ વૃક્ષનો ઝડપી અને ઉત્તમ વિકાસ થાય છે.