રાજ્યમાં કોરોનાના કુલ 58 કેસ, 5 મોત, ગઈકાલ સાંજથી આજે સવાર સુધીમાં 3 કેસ

ગુજરાતમાં કોરોના કોવીડ19 ના કુલ 58 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈકાલ સાંજથી આજે સવાર સુધીમાં ત્રણ નવા કેસ નોંધાયા છે.
રાજ્યના ચારેય મહાનગરો સહિત જિલ્લા કક્ષાએ 5500 બેડની અલાયદી સુવિધા ઉભી કરાઈ
રાજ્યમાં સરકારી-ખાનગી હોસ્પિટલ સહિત 2761 વેન્ટીલેટર ઉપલબ્ધ
માસ્ક, દવાઓ, ઈક્વીપમેન્ટ તમામ રાજ્યોને જરૂરિયાત મુજબ પૂરા પાડવા ભારત સરકાર સુગ્રથિત રીતે આપશે : ગુજરાતે ઈન્ડેન્ટ મોકલી આપ્યુ જથ્થો આવવાનો શરૂ થઈ ગયો

અમદાવાદમાં 47 વર્ષના પુરુષનો નવો કેસ નોંધાયો હતો, દુર્ભાગ્યવશ આજે આ વ્યક્તિનું નિધન થયું છે. આ પુરુષમાં ડાયાબિટીસના લક્ષણો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં 67 વર્ષના એક મહિલા પણ પોઝિટિવ જણાયા છે જેને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હતો.

આ ઉપરાંત 34 વર્ષના અમદાવાદના એક પુરુષને પણ કોરોના પોઝિટિવ જણાયો છે. આ યુવાનમાં મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જણાઈ છે. આમ ગઇકાલ સાંજથી અત્યાર સુધીમાં નવા ત્રણ પોઝિટિવ કેસ જોવા મળ્યા છે.

ગુજરાતમાં આ સાથે પાંચ વ્યક્તિઓના મૃત્યુ નીપજયા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આજે સવારે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડોદરામાં ત્રણ વ્યક્તિઓ કે જેમને પોઝિટિવ કેસ હતા તેઓ સારવાર પછી હવે સારા થઈ ગયા છે. આમ છતાં તેમને પ્રોટોકોલ પ્રમાણે 14 દિવસના આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારે 19,661 વ્યક્તિઓ ક્વૉરેન્ટાઈન હેઠળ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ક્વૉરેન્ટાઈનનો ભંગ કરનાર 236 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

ડો. જયંતિ રવિએ ઉમેર્યું કે, રાજ્યમાં જે 58 કેસ પોઝીટીવ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 21, સુરતમાં 07, રાજકોટમાં 08, વડોદરામાં 09, ગાંધીનગરમાં 09, ભાવનગર, કચ્છ, મહેસાણા અને ગીર સોમનાથ સહિત પ્રત્યેક જિલ્લામાં એક-એક કેસ નોંધાયો છે.
તેમણે ઉમેર્યું કે, કોરોના વાયરસ સંદર્ભે સંભવિત સંક્રમણને અટકાવવા તથા પોઝીટીવ દર્દીઓને તત્વિરત સારવાર પૂરી પાડવા રાજ્યનું વહીવટી તંત્ર સૂંપૂર્ણ સજ્જ છે.