તુવેરની ઓર્ગેનિક ખેતી માટે કૃષિ વિજ્ઞાનીઓએ વૈજ્ઞાનીક પદ્ધતિ વિકસાવી, 165 ટકા નફો મળે છે

ગાંધીનગર, 6 સપ્ટેમ્બર 2020

જંતુનાશક પેસ્ટીસાઈડ્સ, કેમિકલ્સ અને રાસાયણીક ખાતરો વાપરવાના બદલે હવે ગુજરાતનું કૃષિ વિભાગ કુદરતી ખેતી માટે વધું ધ્યાન આપી રહ્યું છે. તેથી તે અંગે સંશોધનો થઈ રહ્યાં છે. જ્યાં તુવેરનું ઉત્પાદન સૌથી વધું થાય છે તે દક્ષિણ ગુજરાતમાં સેન્દ્રીય ખેતી (ઓર્ગ્રેનિક) માટે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ પ્રયોગો કર્યા હતા. કુદરતી ખેતી કરવા માટે 2019માં આખરી વિજ્ઞાનીક ભલામણો તૈયાર કરી છે. જૈવિક ખેતીથી 165 ટકા નફો મળે છે, આવું કૃષિ વિજ્ઞાનીઓએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે.

દક્ષિણ ગુજરાતના વધું વરસાદવાળા આબોહવા ધરાવતાં વિસ્તારોમાં સેન્દ્રિય ખેતીથી તુવેરનું વધું ઉત્પાદન અને ચોખ્ખો નફો વધું  મળી શકે છે. તે અંગે ખેતરોમાં પ્રયોગો કરીને એકઠા થયેલા ડેટાના આધારે આ ભલામણો તૈયાર કરી છે.

નાડેપ

જેમાં 100 ટકા નાઈટ્રોજન હેક્ટરે 25 કિલો વર્મીસમ્પોસ્ટ અથવા નાડેપ કંપોસ્ટ અથવા છાણિયું ખાતર આપવા ભલામણ છે. તુવેર માટે માવજતોની પદ્ધતિ વિકસાવી છે. જેમાં તુવેરને 60 સેમી હારનું અંતર રાખવું. 20 સેમી બે છોડ વચ્ચે અંતર રાખવું. 120 સેમી જોડ વચ્ચે અંતર રાખવું. વાવણી સમયે અને વાવણીના એક મહિના બાદ હેક્ટરે 1.6 ટન વર્મીસમ્પોસ્ટ અથવા 3 ટન નાડેપ કંપોસ્ટ અથવા 5.6 ટન છાણીયું ખાતર આપવું. બે રસખા હપ્તા કરીને આપવું.

ટ્રાઈકોડર્મા

ટ્રાઈકોડર્મા અને સ્યુડોમોનાસ દરેક 2 કિલો અથવા લીટર પ્રતિ હેક્ટર વાવણી વખતે જમીનમાં આપવું. જમીનની માવજત માટે ટ્રાયકોડર્મા પાવડર પૂંકીને આપવાની પધ્ધતિ 10 કિ.ગ્રા. છાણીયા ખાતરમાં 500 ગ્રામ ટાલ્ક આધારીત ટા્રઈકોડર્મા 1 એકરે આપવામાં આવે છે.  પછી જમીનમાં સિંચાઈ કરવી. 2 થી 5 કિલો ટાલ્ક આધારીત ટ્રાઈકોડર્મા પાવડર 200 થી 500 કિલો છાણીયા ખાતર સાથે મિશ્ર કરી ચાસમાં ઓરીને વાવણી સમયે આપવાથી જમીનજન્ય ફુગથી થતા રોગોનું નિયંત્રણ થાય છે.

સ્યુડોમોનાસ

સ્યુડોમોનાસ ફ્લોરોસન્સ એ એક જૈવિક ફૂગનાશક અથવા બેક્ટેરિયાના આધારે બેક્ટેરિયાના રોગ નાશક તરીકે અસરકારક સાબિત થયેલ છે. 0.5 ટકા ડબ્લ્યુપી, 1 ટકા ડબલ્યુપી, 1.5 ટકા ડબ્લ્યુપી અને 1.75 ટકા ડબ્લ્યુપીના ફોર્મ્યુલેશનમાં મળે છે. તે વાપર્યા પછી જંતુનાશક દવા વાપરવી નહીં. એક કિલોગ્રામ સ્યુડોમોનાસ 100 કિલો ગોબર સાથે ભેળવી શકાય છે. તુવેરના બી વાવો તે પહેલાં 5 દિવસ જમીનમાં રાખી શકાય છે. પછી નકામા થઈ જાય છે.

રાઈઝોબીયમ જીવાણું

વાવણી વખતે સુક્ષ્મ જીવાણુંઓનું જૈવિક ખાતર રાઈઝોબીયમ જીવાણું 10 મિલિ એક કિલો બીજ પર પટ આપવો. બીજને પટ આપવાથી બીજનું સ્ફુરણ થાય એટલે તે જીવો તુવેરના મૂળ સાથે રહીને ખોરાક મેળવી પોતાનું જીવનચક્ર ચાલુ કરે છે. હવામાં રહેલ નાઈટ્રોજન જૈવ રાસાયણિક પ્રક્રિયા ધ્વારા ખાતર આપે છે. આ જીવાણુંઓ કઠોળ પાક સાથે સહજીવી રીતે રહે છે.

શેઢે ગલગોટાનું વાવેતર

ખેતરના ફરતે ગલગોટાનો પિંજર પાકની હાર કરવી. પીળા ગલગોટાનું વાવેતર કરવાથી હેલીકોવર્પા લીલી ઈયળની માદા ફૂદા તેના પર ઇંડા મૂકે છે. આખા ખેતરમાં જતા અટકે છે. જરૂર જણાય઼ ત્યારે આવા પિંજરપાક પર નાના વિસ્તારમાં જૈવિક દવા છાંટવી.

ફેરોમેન ટ્રેપ

12 ફેરોમેન ટ્રેપ હેલીકોપવર્પાનાં નિયંત્રણ માટે લગાવવા. ફેરોમેન ટ્રેપ કુદરતમાં માદા કીટક પોતાના શરીરમાંથી અમૂક ખાસ પ્રકારનું જાતીય અંતઃસ્ત્રાવ હવામાં છોડે છે. ફેરોમેન ટ્રેપમાં માદા કીટકના શરીરમાંથી નીળકતી કુદરતી ગંધ જેવી જ ગંધ હોય છે. નર કીટક ફેરોમેન ટ્રેપ તરફ ગંધના કારણે સમાગમ માટે આવે છે. આસપાસ ઘૂમ્યા બાદ થાકીને ટ્રેપમાં સપડાય જાય છે. અલગ અલગ જાતિની જીવાતો માટે હોય છે. લીલી ઈયળ, કાબરી ઈયળ, ગુલાબી ઈયળ, પાન ખાનારી ઈયળ, ગાભમારાની ઈયળ, હીરાકુંદા, ફળ કોરી ખાનાર ઈયળો માટેના ફેરોમોન ટ્રેપ છે. પોલીથીન સ્લીવ ટ્રેપ ખેડૂતોમાં ખૂબ જ પ્રચલિત છે. એકરે 2-૩ ટ્રેપ દરેક 50 મીટરે મૂકવી. હેલિકોવર્પા ઈયળ નુકસાન કરે છે.

લીંબોળી અર્ક

ફૂલ અવસ્થાએ 15 દિવસના અંતરે વારાફરતી 4 ટકા લીંબોળી અર્ક, 0.20 ટકા લીંબોળી તેલ, 2 ટકા ગૌ મૂત્રનો છંટકાવ કરવો. એક હેક્ટરે 50 નંગ પક્ષી બેસવા માટેની ટી આકારની લાગડીઓ મૂકવી.

એક હેક્ટરે રૂ.44 હજારનો ખર્ચ, રૂ.1.16 લાખનું વેચાણ 

જો આટલું કરશો તો સેન્દ્રીય ખેતી સફળ થશે. જેમાં તુવેર (વૈશાલી)નું ઉત્પાદન 17.2 ક્વિન્ટર એક હેક્ટરે આવેલું છે. જેમાં ગોતર એક હેક્ટરે 50 કવિન્ટલ મળે છે. કુદરતી ખેતી માટે એક હેક્ટરે રૂ.44 હજારનો ખર્ચ થાય છે. જ્યારે તેનું વેચાણ 2019માં રૂ.1.16 લાખ થયું હતું.

હાલના ઉત્પાદન કરતાં 32 ટકા વધું ઉત્પાદન

ગુજરાતના કૃષિ વિભાગના અહેવાલ મુજબ ગયા 3 વર્ષનું તુવેરનું સરેરાશ વાવેતર 2.47 લાખ હેક્ટર હતું. 2020માં તે 2.25 લાખ હેક્ટર વાવેતર થયું છે. જેમાં સૌથી વધું વાવેતર 1.33 લાખ હેક્ટર દક્ષિણ ગુજરાતમાં થાય છે. જેમાં ભરૂચમાં 80 હજાર હેક્ટરમાં વાવેતર થાય છે. તે સમગ્ર ગુજરાતમાં સૌથી વધું છે. 2020-21માં 2.27 લાખ હેક્ટરમાં 2.65 લાખ ટન તુવેર પાકશે. જેની સરેરાશ એક હેક્ટરે ઉત્પાદન 1167.55 કિલો આવશે.

કૃષિ વિજ્ઞાનીઓની ગણતરી પ્રમાણે ઓર્ગેનિક ખેતીથી તેનું ઉત્પાદન 1720 કિલો થયું છે. આમ 553 કિલો વધું ઉત્પાદન મળ્યું છે. આમ 32 ટકા વધું ઉત્પાદન કૃષિ વિજ્ઞાનીઓને મળ્યું છે. આ મોટી બાબત છે. જો આખા ગુજરાતમાં વૈશાલી તુવેર જાતની ઓર્ગેનિક ખેતી કરવામા આવે તો 2.65 લાખ ટન તુવેરનું ઉત્પાદન વધીને સીધું 90 હજાર ટન વધારાનું ઉત્પાદન મળી શકે. એક હેક્ટરે ખેડૂતને 1.60 લાખનું વેચાણ થાય છે. જેમાં સીધું રૂ.53 હજારનું ઉત્પાદન વધી જતાં એટલો નફો એક હેક્ટરે મળી શકે છે.