અમદાવાદમાં દર 4 દિવસે કોરોનાના રોગીઓ બે ગણા થઈ રહ્યાં છે. આ દર ચાલુ રહેશે. તેમ થશે તો 15 મે 2020 સુધીમાં 50 હજાર દર્દીઓ અને 20-24 મે સુધીમાં એક લાખ દર્દીઓ હોઈ શકે છે.
રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસનો સૌથી વધુ રાફડો અમદાવાદમાં ફાટ્યો છે, 1652 જેટલા કેસ સાથે શહેરમાં વધુ કેસ ઉમેરાઇ રહ્યાં છે, અને 69 લોકોનાં મોત થઇ ગયા છે. અમદાવાદના દાણીલીમડા, જમાલપુર, કાલુપુર, આસ્ટોડિયા, દિલ્હી દરવાજા, શાહ આલમ, ચાંદલોડિયા, નરોડા, બાપુનગર, ચાંદખેડા, દુધેશ્વર, વટવા અને મણિનગર જેવા વિસ્તારોમાં કોરોનાએ આતંક મચાવી દીધો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ લોકોને અપીલ કરી છે કે તમે ઘરોમાં રહીને કોરોનાની લડાઇમાં ભાગીદારી કરો, સાથે જ તેમને ચેતવણી આપતા કહ્યું છે કે જો આ રીતે જ કેસ વધતા રહેશે તો સ્થિતી ગંભીર બનશે.
3 મેના રોજ લોકડાઉન પુરૂ થાય ત્યાં સુધીમાં કેસ ડબલિંગ રેટ 7થી 8 દિવસ લઇ જવાનો ટાર્ગેટ છે, જેનાથી 15 મે સુધીમાં કોરોનાના કેસ 10 હજાર જેટલા સીમિત કરવાનું લક્ષ્ય છે. જ્યારે અત્યારે ડબલિંગ રેટ 4 દિવસનો છે, એટલે કે 4 દિવસમાં કેસ ડબલ થઇ રહ્યાં છે, જે જોખમકારક છે, 17 એપ્રિલે શહેરમાં 600 કેસ હતા, તે આંકડો 20 એપ્રિલે ડબલ થયો છે.
વિજય નેહરાએ જણાવ્યું છે કે જો અત્યારની સ્થિતી પ્રમાણે 4 દિવસમાં કેસ ડબલ થવાનું ચાલુ રહે તો 15 મે સુધીમાં અમદાવાદમાં 50,000 કેસ થઇ શકે છે અને 30 મે સુધીમાં આ આંકડો 8 લાખ થઇ શકે છે.
વિજય નેહરાએ લોકડાઉન પછી વૃદ્ધોને ઘરોમાં જ રહેવા અપીલ કરી છે, કારણ કે તેમના માટે આ વાઇરસ ખતરનાક સાબિત થઇ રહ્યો છે.