કલેકટર આયુષ ઓક સસ્પેન્ડ થયા તે સુરતનું જમીન કૌભાંડની તમામ વિગતો

All the information about the Surat land scam, Collector Ayush Oak suspended सुरत भूमि घोटाले के कारण कलेक्टर आयुष ओक को निलंबित कर दिया

દિલીપ પટેલ

અમદાવાદ, 28 મે 2024

2 લાખ 17 હજાર ચોરસ મીટરનો વિસ્તા એવો છે જે સુરતના કલેક્ટરે કોઈ નેતાના કહેવાથી વેંચી માર્યો છે. સુરત હવાઈ મથક પાછળ ડુમસમાં 21.7 હેક્ટર સોનાની લગડી જેવી જમીનના વિવાદો ચાલી રહ્યાં છે. અત્યારે કલેક્ટર તરીકે ર્ડા સૌરભ પારધી છે. તેમની પહેલાંના કલેક્ટર આયુષ ઓક – IAS હોદ્દાનો દૂર ઉપયોગ કરીને 90 વીઘા જમીનમાં કૌભાંડ કર્યું છે. વલસાડ કલેક્ટર તરીકે ફરજ બજાવતાં સુરતના પૂર્વ કલેકટર આયુષ ઓકને સરકારે 10 જૂન 2024માં સસ્પેન્ડ કરી દીધા હતા.

સરકારી પડતર જમીનમાં ખાનગી લોકોને ગણોતિયા બતાવીને તેમને જમીન માલિક બનાવી દેવામાં આવ્યા છે. કલેક્ટર અને સુરત ભાજપના વગદાર નંબરી નેતા પર શંકાની સોય તાકવામાં આવી રહી છે. અંદાજે 2 હજાર કરોડ રૂપિયાની જમીન છે. આ કૌભાંડ બહાર આવતા પ્રધાન પાસેથી ખાતુ લઈ લેવાની તૈયારી થઈ રહી છે. નવું પ્રધાન મંડળ બનશે તેમાં આ પ્રધાન અને તેમના મરાઠી ગુરૂની સત્તા પર કાપ આવી શકે છે.

10 વર્ષ પહેલાં શું થયું હતું.

જમીન કૌભાંડ 10 વર્ષથી ગરજી રહ્યું છે. 10 વર્ષ પહેલાં 2014માં આ જમીનની કિંમત માત્ર રૂ. 700 કરોડ હતી. હવે તે રૂ. 2 હજાર કરોડથી વધારે થવા જાય છે. ડુમસ વિસ્તારની 90 વીઘા જેટલી સરકારી પડતરની જમીન પચાવી પાડી હતી. વર્ષો જુનું કૌભાંડ કલેક્ટરે ઝડપી પાડીને જમીનના વેચાણ તેમજ ટ્રાન્સ્ફર પર મનાઇ હુકમ આપ્યો હતો.

1974માં પહેલું કૌભાંડ થયું હતું. રેકર્ડ સાથે ચેડા કરવામાં આવ્યા હતા. ડુમસમાં સર્વે નંબર 311/3/1ની 90 વિઘા જમીન સરકારી પડતર જમીન હતી. હિંમત બાબુભાઈની આ જમીનને બિન ખેતી કરવા માટે માંગણી આવતા ગામ રેકર્ડ મગાવીને તપાસ કરવામાં આવી હતી. જેમાં મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. તેથી જમીનને બિનખેતી કરાવવા માટે સુરત કલેકટરે કાર્યવાહી કરી હતી. પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરતાં સદર જમીન સરકારની હોય તેવું જાણવા મળ્યું હતું.

દસ્તાવેજોમાં ચેડાં

સરકારી રેકર્ડ સાથે ચેડાં કરીને ગણોતિયા તેમજ અન્ય કબજેદારોના નામ દાખલ કરવામાં આવ્યા હોવાનું જણાયું હતું.

જમીનના વેચાણ દસ્તાવેજ કર્યા હતા. તે સમયના કલેક્ટર ડો.રાજેન્દ્ર કુમારએ ગુજરાત જમીન મહેસુલ નિયમો હેઠળ સુઓમોટો રીવીઝનમાં લઇને સમગ્ર કેસની તપાસ પ્રાંત અધિકારીને સોંપી હતી. પ્રાંત અધિકારી એમ.એમ.પારગીએ તપાસ કરતા 1948-49માં સરકારી પડતર શબ્દ ચેકી નાખવામાં આવ્યા હતા. વી.સી.જાદવ અને ગણોતિયા તરીકે કૃષ્ણમુખલાલ ભગવાનદાસ તથા નવીનચંદ્ર કૃષ્ણલાલના નામો દાખલ કરવામાં આવ્યા હતા.

1948-49માં 7/12ની નકલમાં શીર પડતર એટલે કે સરકારી પડતર શબ્દ પર લીટી મારીને છેકી નાખવામાં આવ્યું હતું. ડેરી કંપનીના મેનેજર વી.સી.જાદવનું નામ ગેરકાયદેસર રીતે દાખલ કરવામાં આવ્યું હતું. ગણોતિયા તરીકે કૃષ્ણમુખલાલ ભગવાનદાસનું નામ દાખલ કરવામાં આવ્યું હતું. અધિકારીઓના ધ્યાનમાં વાત આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા હતા.

વેચાણ

તેમના વારસદારો તરીકે 14 વ્યક્તિઓના નામ દાખલ કરવામાં આવ્યા હતા. ગણોતિયાઓએ જમીન વેચી નાખી હતી. વેચાણ દસ્તાવેજ 2005,અને 2012, 2013 અને 2014માં કરવામાં આવ્યા હતા. છેલ્લે રાજેન્દ્ર સુગમચંદ શાહ,સુગમચંદ ચુનીલાલ શાહ,ધર્મેન્દ્ર સુગમચંદ શાહ તથા મિતુલ જગદીશભાઇ શાહ, નુતનબેન જગદીશભાઇ શાહે ગેરકાયદેસર રીતે સરકારી શિર પડતર જમીન વેચાણ રાખી હોવાનું બહાર આવ્યું હતું. તે સમયે કલેક્ટર ડો.રાજેન્દ્ર કુમારે મનાઈ હુકમ ફરમાવ્યો હતો.

શાહ બંધુ બિલ્ડર્સ સરકારી શીર પડતર જમીન ગેરકાયદે વેચાણ રાખી હોવાનું જણાતા જમીન વેચાણ અને તબદીલી સામે મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો.

ગણોતિયા તરીકે 1976માં કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફના નામે જમીન કરી દેવામાં આવી હતી. તેઓ જીવીત ન હતા. મૃત વ્યક્તિના નામે ગણોત કરી દેવામાં આવી હતી. પછી તે બિલ્ડરને વેચી હતી. 2005માં જમીનનું વેચાણ રાજેન્દ્ર શાહ, ધર્મેન્દ્ર શાહ, સુગમચંદ શાહને વેચી હતી. 22 માલિકો પૈકી ચાર લોકોના તો મોત પણ થઇ ચૂક્યા છે, બે વ્યક્તિ મુંબઇની છે જ્યારે બાકીના તમામ લોકો સુરતના રહેવાસી છે.

કલેક્ટર

તત્કાલીન કલેકટર આયુષ ઓક દ્વારા તેમની બદલીના 2 દિવસ પહેલા 20 જાન્યુઆરી 2024માં મહામૂલી અને કિંમતી સરકારી જમીનમાં ખોટી રીતે ગણોતિયાના નામ દાખલ કરી દેવામાં આવ્યા છે. મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવે છે.

જેમ છે તેમ રાખવા હુકમ

કેસ એસ. એસ. આર. ડી.માં લઈ જવાયો હતો. આ બાબત મહેસુલ વિભાગના ધ્યાને આવતાં 6 મે 2014થી હુમક કરીને સ્ટે આપ્યો હતો. સરકારી રેકર્ડ સાથે છેડછાડ ન કરવા માટે ચેતવણી આપવામાં આવી હતી. 28 જૂન 2024ના દિવસે ફરીથી સુનાવણી છે. કેસમાં સુરતના કલેકટર સૌરભ પારઘી હાજર હતા. ખોટી નોંધ પાડવામાં હાલના વલસાડ કલેકટર જવાબદાર હોવાનું માનવામાં આવે છે. સરકારે આ વિવાદમાં જાતે પગલાં લીધા હતા. જેમાં અમદાવાદમાં મહેસુલ પંચ સમક્ષ ગુનો લઈ ગયા હતા અને સ્ટે આપ્યો હતો. મહેસુલ વિભાગના સચિવ આર. બી. બારડ આદેશ કર્યો હતો.

આદેશ

પૂર્વ કલેકટર આયુષ ઓકનો નિર્ણય વિવાદી ઠરવી દીધો છે. 2.17 લાખ ચો.મીટર જમીન પર સ્ટે આપ્યો છે. 28 -6-2024 સુધી સ્ટે આપ્યો છે. 2015ની સ્થિતિ જાળવવા આદેશ આપ્યો છે. આ બાબતે એક રીટ પિટિશન પણ દાખલ કરવામાં આવી હતી. વર્ષ 2015માં સીટી પ્રાંત દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો. જેમાં જમીન સરકાર હોવાનું અને ગણોતિયાઓના નામ દાખલ કરવામાં આવ્યા હોવાનું જાહેર કર્યું હતું.

ગણોતીયા

ડુમસ ખાતે સર્વે નં. 311/3૩ વાળી 217216 ચોરસ મીટર જમીન છે. આ  જમીન સરકારી રેકર્ડ ઉપર વર્ષ 1948- 49 થી સરકારી પડતર જમીન તરીકે નોંધાયેલી હતી. ગુજરાત ગણોત ધારાની કલમ 4 હેઠળ જો કોઈ વ્યક્તિ કાયદેસર રીતે બીજા વ્યક્તિની જમીન ખેડતો હોય તો તેને ગણોતિયા તરીકે ગણવામાં આવે છે.

નોંધ નં. 582 થી ગણોતિયા તરીકે કૃષ્ણમુખલાલ ભગવાનદાસનું નામ દાખલ કરવામાં આવ્યું હતું. સરકારી પડતર જમીનમાં કોઈપણ વ્યક્તિનું નામ ગણોતિયા તરીકે ન આવી શકે. ગણોતનું નામ દાખલ કરવા મહેસુલ અધિકારીએ નોટિસ આપવામાં આવી નથી. આધાર પુરાવા વિના જ ગણોતિયાઓના નામ સરકારી જમીનમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા.

22 લોકોને

સુરતના ડુમસ, મજુરા, અઠવાલાઈન્સ, ભીમપોર, સુલતાનાબાદ વિસ્તારમાં 22 લોકોને રાતોરાત ગણોતીયા બનાવીને જમીન આપી દીધી હતી. 2015 અને તે પહેલાંથી આ જમીન સરકારી પડતર તરીકે હતી.

વિરોધ

પૂર્વ કલેકટર આયુષ ઓકે બદલીના છેલ્લા દિવસે વિવાદી હુકમ કર્યો હતો. જાગૃત લોકોએ આ મામલે તપાસની માંગણી કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી અને દર્શન નાયકએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તપાસ માંગી છે. કલેક્ટર સામે કાર્યવાહી કરવાની માંગણી છે. કલેક્ટરને પદ પરથી દૂર કરવાની માગણી થઈ છે.

ભાજપમાં વિવાદ

જમીન બાબતે ભાજપના ટોચના નેતાઓ વચ્ચે વિવાદ થયો છે. જેમાં મૂળ મહારાષ્ટ્રના અને ગુજરાતમાં કામ કરતા એક નેતા સામે કાળી આંગળી ચિંધાઈ રહી છે. દિલ્હીને જાણ કરી છતાં તેમાં કોઈ આકરાં પગલાં લેવામાં આવ્યા નથી. તેથી થોડા સમયમાં નવું પ્રધાન મંડળ બનવાનું છે જેમાં સુરતના એક પ્રધાનને હાંકી કાઢવામાં આવશે.

વાંધો

ભીમપોરના માટા બજારમાં રહેતા નયન ગોવિંદ પટેલ તથા સુલતાનાબાદના ભક્તિધામમાં રહેતા દીપક ધીરૂ ઇજારદારે વાંધો ઉઠાવ્યો હતો. પક્ષકારોના વકીલોમાં હિતેશ પટેલ, વિમલ પટેલ, કિરણ દવે, પ્રેમલ રાંચ, હિંમાંશુ વાંસિયા, ગીરીશ વાંસિયા છે. વિજિલન્સ કમિશન, ગાંધીનગરના મહેસૂલ વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગને ફરિયાદ થઈ હતી.

આટલા મુદ્દાની તપાસ કરો

આયુષ ઓક દ્વારા ગણોતિયાનું નામ દાખલ કેમ કર્યું.

ખાસ તપાસ દળ – સીટની રચના કરો.

સરકારને કેટલું નુકસાન કર્યું અને ભરપાઈ કરો.

કલેક્ટર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો.

કલેક્ટરને પદભ્રષ્ટ કરવામાં આવે.

રાજ નેતાઓના નામ જાહેર કરો.

કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે.

બીજું કૌભાંડ

સુરતના મજુરા, ચોર્યાસી, ઓલપાડ તાલુકામાં 4 હજાર હેક્ટર સરકારી જમીન પર ઝીંગા તળાવનું કૌભાંડ થયું હતું.

સુરતના ત્રણ તાલુકા ઓલપાડ, મજૂરા અને ચોર્યાસીમાં દરિયા કાંઠા વિસ્તારની 4 હજાર હેક્ટર ઉપર ગેરકાયદે જીંગા તળાવ સામે કાર્યવાહી કરવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નોટિસ જારી કરી હતી.

ફરિયાદ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા દર્શન નાયકે કરી છે.

સુરતના પૂર્વ કલેકટર આયુષ ઓક દ્વારા સરકારી જમીનની અને સરકારી મિલકતની જાળવણી અને સાચવણી કરવી જોઈએ તે તેમણે કરી ન હતી. મેજીસ્ટ્રેટ તરીકે પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યા વિના જ મનસ્વી રીતે હુકમ કર્યા હતાં.

ગેરકાયદેસર દબાણ અને પર્યાવરણ તેમજ કુદરતી ઈકો સિસ્ટમને નુકસાન કરી ઝીંગાના તળાવો બનાવવામાં આવ્યા છે. મજૂરા અને ચોર્યાસી તાલુકામાં ઝીંગા તળાવને મંજૂરી નથી, છતાં 3000 હેકટરમાં ઝીંગાના તળાવો ચાલવા દીધા હતા.

ગૌચરની જમીન

ઓલપાડ તાલુકાના બરબોધન ગામમાં રામા ન્યૂઝ પેપર મીલ સામે ફરિયાદ હતી. ગ્રામ પંચાયત બરબોધન અને નાગરિકો દ્વારા 1992માં ઓલપાડની 29 એકર સરકારી ગૌચર જમીન આપવામાં શરત ભંગ થઈ હતી.  છતાં તેમાં બે વર્ષ સુધી કોઈ પગલા લીધા ન હતા.

દસ્તાવેજો

2022માં બહાર આવ્યું હતું કે, સુરતના નાનપુરાની બહુમાળી બિલ્ડીંગમાં આવેલી અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં 60 વર્ષ અગાઉ ડુમસ, વેસુ, ખજોદ અને સિંગણપોરની જમીનના નોંધાયેલા દસ્તાવેજના વોલ્યુમમાંથી ઓરીઝનલ દસ્તાવેજ ગાયબ કરી અન્ય દસ્તાવેજ કરી દેવાયા હતા.

કૌભાંડ ગાંધીનગરની વડી કચેરીના કારણે પકડાયું હતું. 5 જમીનના દસ્તાવેજો સાથે ચેડા કર્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું.

સબ રજીસ્ટ્રાર કચેરીના રેકર્ડ રૂમમાંથી દસ્તાવેજોના પાના બદલી દેવામાં આવ્યા હતા.  સંજય લાખાણી નામના વ્યક્તિએ ગાંધીનગર સ્થિત સર નિરીક્ષક કચેરીને કરી હતી.

જુન 1961 ના રોજ નોંધાયેલા ડુમસ ગામની જમીન છે. 14 દસ્તાવેજમાં ચેડા કરી 38 એકરની 900 કરોડની જમીન પચાવી પાડવાનો કારસો ઉઘાડો પડ્યો હતો. ખરીદનાર ભગુ પરાગ પટેલના વારસદારોએ નાયબ ક્લેકટરમાં તકરારી કેસ પણ દાખલ કર્યો હતો.

દરિયાકાંઠે જમીન કૌભાંડો

સુરત – જિંગા

ખાનગી સંસ્થા દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પુણેમાં અરજી નંબર 16-2020 ફરિયાદ કરી હતી. 2022માં સુરત જિલ્લાના ઓલપાડ, ચોર્યાસી, મજુરા તાલુકામાં આવેલા 10,000 થી વધુ ગેરકાયદે ઝીંગાના તળાવો સરકારી જમીન પર બનાવી દેવાયા હતા. તેની સામે નેશનલ ગ્રીન ટીબ્યુનલમાં ફરિયાદ થઈ હતી. સુરતના ડુમસના કાંઠા પટ્ટીના ગામોમાં સરકારી જમીનમાં 20 વર્ષોથી સરકારી જમીન પર ગેરકાયદે ઝિંગા તળાવોમાં ખેતી કરવામાં આવતી હતી.

ચોર્યાસીના ઉંબેર ગામના સર્વે નં.197માં 184 તળાવોમાંથી 75 તળાવો તોડી પડાયા હતા.

ઓલપાડના મોર, લવાછા, ઓરમા, કાછોલ, હાથીસા, મંદ્વોઇ, તેના, નેશ, કપાસી કુદિયાણા, દેલાસા,દાંડી, ભગવા તેમજ મજુરા તાલુકાના ખજોદ, ડુમસ,ભીમપોર, આલીયા બેટ,  આભવા, તલગપોર સુરતના એરપોર્ટની આજુબાજુમાં મોટી સંખ્યામાં ગેરકાયદે ઝીંગાના તળાવો સરકારી જમીન પર બન્યા છે.

ઓલપાડ – સુરત

ઓલપાડના દરિયા કાંઠા પર 1 હજારથી વધારે જિંગા તળાવ સરકારી જમીન પર બની ગયા હતા. 16 ગામોમાં સરકારી જમીન પર ગેરકાયદે જીંગા તળાવ દૂર કરવાનો અને લેન્ડ ગ્રેબિંગ મુજબ ગુનો દાખલનો આદેશ 21 મે 2022માં આપવામાં આવ્યો હતો. વરસાદી પાણી તળાવોના કારણે નિકાલ ન થતાં ઓલપાડ તાલુકાના ગામોમાં ચોમાસામાં પૂર જેવી સ્થિતિ હતી.

16 મે 2022માં દાંડી, કૂદીયાણા, ક્પાસી, કુવાડ, સરસ, ઓરમા, મોર, દેલાસા, મંડરોઈ, નેશ, કાછોલ, હાથીસા,લવાછા, તેના, સોંડલાખારા, કોબા અને ઠોઠબ એમ 16 ગામ હતા. તલાટીએ સરવે કર્યો હતો. કાર્યવાહી કરવાનું નાટક થતું આવ્યું હતું.

કિમ નદી

કિમ નદીના પટ પર ગેરકાયદે ઝિંગા તળાવો હતા. ઓલપાડના 14 ગામોમાં ઝીંગા તળાવોની માપણી કરી હતી.

આલિયા બેટ – સુરત

સુરતના ડુમસ પાસે આલિયા બેટ પર 780 હેક્ટર સરકારી જમીન પર 150 ગેરકાયદે ઝિંગા તળાવો બનાવી દેવાયા હતા. રૂ. 25કરોડનો વેપાર તેમાંથી થયો હતો. ‘મહા’ વાવાઝોડા સમયે આ વાત બહાર આવી હતી. 10 વર્ષમાં અહીં રૂ.200 કરોડના જિંગા પેદા કરવામાં આવ્યા છે. જે જાપાન અને ચીન મોકલ્યા છે. નવાબ હૈદરે 1949માં બેટ ગૌચર જમીન તરીકે સરકારને આપી દીધો હતો. ત્યારથી ગામવાસી ઢોર ચરાવવા માટે બેટ પર લઇ જતા હતા. ખેતી શરૂ કરી હતી. ગામના લોકોએ 2013થી આલિયા બેટ પર ગેરકાયદેસર ઝીંગા તળાવ બનાવી દીધા હતા.

ડુમસ

2021માં ડુમસની સરકારી જમીનના 26 વર્ષ પહેલા બોગસ દસ્તાવેજો બનાવનાર પાંચ આરોપીને 4 થી 7 વર્ષની કેદ થઈ હતી.

મૂળ મહેસાણા વડનગરની મહિલા આરોપીને 7 વર્ષ અન્ય આરોપીઓે 4 વર્ષની સખ્ત કેદ, રૂ. 50 હજાર સુધી દંડ કરાયો હતો.

આવા પારાવાર જમીન કૌભાંડો કરીને ભાજપના રાજમાં અબજો રૂપિયા નેતાઓએ બનાવ્યા છે. જેમાં અધિકારીઓએ સાથ આપ્યો છે.