અમપાએ 30 દિવસમાં 20 હજાર ખાડા પૂરી દીધા, પણ કેમ પડ્યા તેની સામે કોઈ પગલાં નહીં – શું આ ખાડા કૌભાંડ છે ?

અમદાવાદ,

અમદાવાદ મહાનગર પાલિકા – અમપા – દ્વારા છેલ્લા કેટલાંક દિવસોથી ખાડા કૌભાંડ ચાલી રહ્યું છે. ચોમાસાની સીઝન દરમ્યાન પરંપરાગત રીતે રોડના ધોવાણ થયા બાદ નાગરીકોને થતી હાલાકી નિવારવા માટે 14 ઓગસ્ટ 14 સપ્ટેમ્બર ખાડા પુરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 20 હજાર ખાડા પૂરવામાં આવ્યા હતા.

સ્માર્ટસીટી અમદાવાદમાં મનપાની ચૂંટણી પહેલા ખાડા પૂરવા અને રીસરફેસીંગ કરીને “ખાડા મુક્ત અમદાવાદ”નું અભિયાન શરૂ કર્યું છે. જે હાલ પણ ચાલી રહ્યું છે. શહેરના ખાડા પૂરવા માટે કોલ્ડમીલ, વેટમીલ અને હોટમીલની સાથે સાથે જેટ પેવરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. મ્યુનિ. ઈજનેર વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ 14 ઓગસ્ટથી 09 સપ્ટેમ્બર સુધી કુલ 16,330 ખાડા પૂરવા માટે વેટમીલ, કોલ્ડમીલ અને હોટમીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

શહેરના ઉત્તર ઝોનમાં 2335, પૂર્વ ઝોનમાં 3175, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 1036, મધ્ય ઝોનમાં 1006, દક્ષિણ-ઝોનમાં 2472, પશ્ચિમ ઝોનમાં 1565 તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 1500 ખાડા પરંપરાગત મટીરીયલથી ભરવામાં આવ્યા છે. જ્યારે આધુનિક મશીનરી જેવી કે જેટ પેવર તથા ઈન્ફ્રા રેડ પેચર વડે 3241 ખાડા પૂરવામાં આવ્યા છે.

જે પૈકી ઉત્તર ઝોનમાં 784, પૂર્વ ઝોનમાં 538, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 130, મધ્ય ઝોનમાં 291, દક્ષિણ ઝોનમાં 333, પશ્ચિમ ઝોનમાં 513 તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 652 ખાડા પૂરવામાં આવ્યા છે. શહેરના ખાડા પૂરવા માટે 65 છોટા હાથી-ટ્રેક્ટર, 38 રોલર મશીન, 51 હજાર મશીન તથા 591 જેટલા મજૂરોની દૈનિક ધોરણે મદદ લેવામાં આવી છે.

પેચવર્કની કામગીરી માટે કોલ્ડ ઈમલ્યુન ઈન્જેક્શનના 10 તથા ઈન્ફ્રા રેડ રીસાયકલ પોટહોલ પેચીંગના 07 મશીન ઊપયોગમાં લેવામાં આવ્યા છે. મ્યુનિ.કોર્પાેરેશનના પ્લાન્ટ તેમજ બીજી પાંચ એજન્સીઓના હોટમીલ પ્લાનથી 15581.83 મે.ટન હોટ મીલનો ઉપયોગ પેચવર્ક માટે કરવામાં આવ્યો છે.

મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ચાલુ વર્ષે પાંચ નંગ ઈન્ફ્રારેડ મશીન ખરીદ કરવામાં આવ્યા છે. શહેરના રોડ-રસ્તાને ખાડામુક્ત કરવા માટે ચોમાસાની સીઝનમાં પણ પાંચ હોટમીલ પ્લાન્ટની એજન્સીઓના પ્લાન્ટ શરૂ કરાવ્યા છે. દૈનિક 6 હજાર મે.ટન હોટમીલની કામગીરી કરવામાં આવી રહી છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.