રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે,
લૉકડાઉન દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા વિરોધ કરીને નાગરિકોને ગેરમાર્ગે દોરી ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આવી ઘટનાઓમાં સામેલ તત્વોને શોધી-શોધીને ધરપકડ કરી શક્ય એટલી વધુમાં વધુ કડક કાર્યવાહી કરાશે.
ગઇકાલે પોલીસ પરના હુમલાના બે બનાવો પૈકી અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન અને રાજકોટ જિલ્લાના પડધરીમાં એક-એક ગુનો નોંધીને કાર્યવાહી કરાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૮ ગુનામાં ૬૪ આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને જેલના હવાલે કરી દેવાયા છે.
વતન જવા માંગતા પરપ્રાંતીય શ્રમિકોએ પણ ધીરજ રાખીને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલ રહેલી કામગીરીમાં સહયોગ આપવો જોઈએ. આ અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અંગત દેખરેખ રાખી રહ્યા છે ત્યારે શ્રમિકોએ તંત્ર પર ભરોસો રાખીને ખોટી અફવાઓ સંદર્ભે ગેરમાર્ગે દોરાવવું જોઈએ નહીં. ખોટી અફવા ફેલાવનાર સામે પણ પગલાં લેવાશે. ગઈકાલે અમદાવાદના ગોતા અને સૂરત જિલ્લાના ઇચ્છાપોર ખાતે શ્રમિકજનો એકત્ર થતા અવ્યવસ્થા સર્જાઈ હતી. પોલીસને નાછૂટકે કાર્યવાહી કરવી પડી હતી. વતન જવા માંગતા શ્રમિકો નિશ્ચિંત રહે જ્યાં છો ત્યાં જ રહો તંત્ર દ્વારા સામેથી જાણ કરવામાં આવશે. આંતરરાજ્ય પ્રવેશમાં પણ બંને રાજ્યના સહયોગ-સંકલનથી જ પ્રવેશ મળશે તેમ તેમણે જણાવ્યું હતું.
સોશીયલ મીડીયાના માધ્યમ દ્વારા કોમ-કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય, કોમી લાગણી ભડકે, શ્રમિકો ગેરમાર્ગે દોરાય તેવી ભડકાઉ પોસ્ટ કે અફવા ન ફેલાવવા ભારપૂર્વક અનુરોધ કરતા કહ્યું કે, આવું બનશે તો તેમની સામે પણ શક્ય એટલા કડક પગલાં લેવાશે. મહેસાણા ખાતે સોશીયલ મીડીયાના માધ્યમ દ્વારા ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકનાર સામે ગુનો નોંધીને આરોપીની પાસા હેઠળ ધરપકડ પણ કરાઈ છે.
વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૧૭૫ ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૧,૮૭૮ ગુના દાખલ કરીને ૨૧,૦૭૮ લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૭૮ ગુના નોંધીને ૮૧ લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી ૨૮૫૬ ગુના નોંધીને ૩૯૮૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે.