પાંચ વર્ષ પ્રસિધ્ધીમાં રહેવા માટે મ્યુનિ. શાસકોએ રૂ.૧રપ કરોડનો ખર્ચ કર્યો!!
ઉત્સવ-મહોત્સવો માટે રૂ.૯૪ કરોડ, સોશ્યલ મીડીયા પાછળ બે વર્ષમાં રૂ.રર લાખ તથા જાહેરાત માટે રૂ.૩ર કરોડનો ધુમાડો –પબ્લિસીટી વિભાગે ખર્ચ પુરાવા રજુ કરવા જરૂરી
અમદાવાદ મહાનગર પાલિકાના વાર્ષિક અંદાજપત્રમાં મોટો હિસ્સો ભાજપના નેતાઓના પ્રચારમાં માટે ખર્ચ થઈ રહ્યો છે. જંગી ખર્ચ કરીને રોકેલી એજન્સીઓ દ્વારા સોશિયલ મીડીયા મારફતે પોતાનો પ્રચાર થઈ રહ્યો છે. ર૦૧૮-૧૯માં રૂ.૯.૮ર લાખ અને ર૦૧૯-ર૦માં રૂ.૧ર.૩૭ લાખ સોશિયલ મીડીયાની ત્રણ કંપનીઓને ચુકવવામાં આવ્યા છે.
અમપા દ્વારા ર૦૧પ-૧૬ થી ર૦૧૯-ર૦ના સમયગાળા દરમ્યાન ભાજપના હોદ્દેદારોએ કામોનો યશ લેવા હોર્ડિંગ્સ, છાપા અને ટીવીમાં જાહેરાત માટે રૂ.ર૦ કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે.
ઉદ્દઘાટનો, ખાતમુહુર્ત, કાર્નિવલ, ગરબા, ડેકોરેશન, પાણી, માઈક વગેરે માટે પાંચ વર્ષમાં રૂ.૯૪ કરોડનો ખર્ચ કર્યો છે.
આ તમામ ખર્ચનું ઓડીટ પણ કરવામાં આવતું નથી. મહાનુભાવોના જન્મ દિવસ અને પૂણ્યતિથિએ પુષ્પાંજલી કાર્યક્રમ રાખવા માટે ર૦૧૦થી ર૦૧૯ સુધીમાં રૂ.૧.પ૯ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. દર વરસે આ પ્રકારના રપ કાર્યક્રમ થાય છે. એક કાર્યક્રમ દીઠ રૂ.એક લાખ કરતાં પણ વધું ખર્ચ થાય છે. ર૦૧૯માં પુષ્પાંજલી કાર્યક્રમ પાછળ રૂ.ર૭.૧૧ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પબ્લસીટી મેનેજર આ પુષ્પો ક્યાંથી મંગાવે છે એની તપાસ કરવી જરૂરી છે.
કાર્નિવલ ખાતમુહુર્ત અને અન્ય કાર્યક્રમો માટે બે વર્ષમાં રૂ.૪૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે પણ એક તપાસનો વિષય છે.
જાહેરાતો માટે ખર્ચ રૂપિયા કરોડમાં
2012-13 – 4.36
2013-14 – 4.05
2014-15 – 4.22
2015-16 – 3.68
2016-17 – 3.78
2017-18 – 6.14
2018-19 – 5.73
2019-20 – 6.46
કાર્નિવલ, જલસા, ઉત્વસમાં ખર્ચ કરોડમાં
2015-16 – 13.06
2016-17 – 12.88
2017-18 – 24.50
2018-19 – 23.06
2019-20 – 20.50
કુલ 94 કરોડ