ભુજ અને મુંદરા APMCમાં ભાજપના આંતરિક જૂથવાદના કારણે સર્જાયેલી વરવી પરિસ્થિતિ અંગે કોંગ્રેસે વેધક કટાક્ષ કર્યો છે. કોંગ્રેસ છોડી ભાજપમાં ભળેલાં નારણ કારા ડાંગરે ભુજ APMCના અધ્યક્ષપદની બીજી ટર્મ માટે ભાજપે નક્કી કરેલાં ઉમેદવાર અને જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ સામે ઉમેદવારી નોંધાવી હતી.
મુંદરા APMCમાં કોંગ્રેસના સત્તાલાલચુઓને ભાજપે ખેસ પહેરાવ્યો છે, તો તેઓ નડશે તો ખરા. કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો માત્ર સત્તાની લાલચે ભાજપમાં જોડાય છે. જેમને કોંગ્રેસે ઘણું બધું માન-સન્માન આપેલું, ઉમેદવારો બનાવેલાં, હોદ્દાઓ આપેલાં તેવા અનેક જણને ભાજપ લાલચ આપી ગેરમાર્ગે દોરી પોતાના પક્ષમાં જોડે છે.
જે લોકો કોંગ્રેસના કાર્યક્રમોમાં મંચ ઉપર આગલી હરોળમાં બેસતા હતા તેવા લોકોની હાલત ભાજપમાં ગયા બાદ પાછલી હરોળમાં બેસવા લાગ્યા છે. જયેશ રાદડિયાએ પણ થોડા દિવસ પહેલાં આવો જ બળાપો કાઢ્યો હતો. કુંબરજી બાવસળિયાએ કેબીનેટની બેઠકમાં કહ્યું હતું કે પ્રદીપ જાડેજા મારા કામ કરતાં નથી.
કોંગ્રેસી મૂળના ધારાસભ્ય નીમાબેન હોય કે ગુજરાતના નરહરિ અમીન, બલવંતસિંહ રાજપૂત જેવા અનેક લોકોની હાલત ભાજપમાં ખૂબ ખરાબ કરી દેવાઈ છે. કોંગ્રેસમાંથી ગયેલાં કુંવરજી બાવળીયા, જવાહર ચાવડા, હકુભા જાડેજા, જયેશ રાદડીયા જેવા લોકોને મંત્રીપદ તો અપાયું પરંતુ તેમની સાથે સતત ઓરમાયું વર્તન રખાય છે. મંત્રી હોવા છતાં આ લોકો અકળાઈ રહ્યાં છે. તેઓ ભાજપમાં જઈ પસ્તાય છે.
આવા ઘણા લોકોની હાલત ‘નહિ ઘરના નહિ ઘાટના’ જેવી થઈ ગઈ છે. આગેવાનો અને કાર્યકરો સત્તા મેળવવાની ઉતાવળમાં ભાજપમાં જોડાઈ ગયેલાં છે. તેમની સતત અવગણના થઈ રહી છે, તેમની સાથે સાવકો વ્યવહાર રખાય છે. આ લોકોને સંગઠનમાં પણ ક્યાંય મહત્વ અપાયું નથી.
ભુજ APMCના પ્રમુખપદની ચૂંટણીમાં ભાજપ જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ વિરુધ્ધ મતદાન કરનારાં ડાયરેક્ટરો પર હવે શિસ્તભંગનું નિશાન તકાયું છે. APMCના ડિરેક્ટર જયેશ મોહનભાઈ ભાનુશાલી અને શામજી ડાંગરને શૉકોઝ નોટીસ ફટકારી છે. APMCની બાકીની ટર્મના પ્રમુખપદ માટે કેશુભાઈને જ રીપીટ કરાયાં હતા.
કેશુભાઈ સામે પડનારાં અન્ય ડિરેક્ટરોને પણ નોટીસ અપાઈ હોવાની શક્યતા છે. પોતાના જ પક્ષના અમુક સભ્યોએ બળવો કરતાં કેશુભાઈ પટેલ છેલ્લી ઘડીની ગોઠવણોના અંતે માંડ માંડ જીત્યાં હતા. ભાજપના સંગઠનમાં આંતરકલહના કારણે ઉકળતા ચરૂ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વર્તમાન જિલ્લા પ્રમુખને કોઈપણ ભોગે ‘પાડી’ દેવા ભાજપનું જ પ્રતિસ્પર્ધી જૂથ રઘવાયું થયું છે.
પૂર્વ જિલ્લા પ્રમુખ અને પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાએ સમગ્ર ઘટનાક્રમમાં પૂર્વ પ્રમુખ દિલીપ ત્રિવેદી સામે APMCમાં થયેલા કાવાદાવા સામે આક્રોશ દર્શાવતાં જાણે ‘બળતામાં ઘી હોમાયું’ છે. અગાઉ મુંદરા APMCની ચૂંટણીમાં પણ ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરીની હરકતો સામે આરોપબાજી થઈ હતી.