Bird collides with plane in Ahmedabad, loss of Rs. 10 crore अहमदाबाद में विमान से पक्षी की टक्कर, रु. 10 करोड़ का नुकसान
અદાણીને અમદાવાદ વિમાની મથક આપ્યું પણ પક્ષીઓ પરેશાન કરે છે
ગુજરાતનો પ્રથમ પક્ષી નકશો બની રહ્યો છે, જે પક્ષીઓની હિલચાલ બતાવશે
દિલીપ પટેલ
અમદાવાદ, 3 ડિસેમ્બર 2024
અમદાવાદ શહેરનો પક્ષીઓનો નકશો તૈયાર થઈ રહ્યો છે. જે પક્ષીઓની વસાહતો અને સંખ્યા બતાવશે. અમદાવાદમાં 6 વર્ષમાં વિમાન સાથે પક્ષી અથડાવાની 319 ઘટના બની છે. જેનાથી કરોડો રૂપિયાનું નુકસાન અને તાત્કાલિક વિમાન ઉતારવા પડતા હોવાની ઘટના બની રહી છે. પણ તેને રોકવામાં અદાણીની કંપનીએ કોઈ નક્કર કામગીરી કરી નથી ત્યારે પક્ષીપ્રેમીઓ હવે અમદાવાદમાં પક્ષીઓના રહેણાંકનો નકશો તૈયાર કરી રહ્યાં છે જે કદાચ વિમાનોના ઉડ્ડયનમાં પક્ષીઓ ન અથડાય તે માટે મદદરૂપ થઈ શકે છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વિમાન સાથે પક્ષી-પ્રાણી ટકરાવવાની 6 વર્ષમાં 319 ઘટના બની છે. અમદાવાદ એરપોર્ટમાં અદ્યતન ટેક્નોલોજી અપનાવ્યા બાદ બર્ડ હિટની ઘટનામાં હવે નોંધપાત્ર ઘટાડો થયાનો દાવો કરાય છે પણ. અદાણી કંપનીના અંકૂશમાં સ્થિતી સુધરી હોય એવું લાગતું નથી. કારણ કે 6 વર્ષમાં પક્ષી અથડાવાની ઘટના ઘટવાના બદલે વધી રહી છે. 2022માં 39 ઘટના હતી 2023માં વધીને 81 એટલે કે બે ગણી ઘટનાઓ બની હતી.
એક પક્ષીથી 60 લાખનું નુકસાન
વિમાન ઓછી ઊંચાઈ પર ઉતરતા કે ઉડતા પક્ષીઓ વધારે અથડાય છે. મોટાભાગની ઘટનાઓ ખતરનાક હોતી નથી. ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશનના સરવે મુજબ વિશ્વમાં પક્ષી વિમાન સાથે અથડાવાની સરેરાશ 34 ઘટનાઓ રોજ નોંધાય છે. જેના કારણે વાર્ષિક 1 બિલિયન ડોલર (લગભગ 7,800 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. 92 ટકા ઘટનાઓમાં કોઈ નુકસાન થતું નથી. એક પક્ષી અથડાતાં સરેરાશ રૂ. 60 લાખનું નુકસાન એક પક્ષી કરે છે. એ હિસાબે અમદાવાદમાં 81 ઘટના બનવાથી વર્ષે રૂ. 10 કરોડનું નુકસાન વિમાની કંપનીઓને થઈ રહ્યું છે.
અદાણીએ અમદાવાદ હવાઈ મથક ખરીદવા માટે પેસેન્જર દીઠ રૂ .177 નો ભાવ સરકાર માટે નક્કી કર્યો હતો. ઓપરેશન, મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ માટે 50 વર્ષના ભાડાપટ્ટે અપાયું છે.
અદાણીએ અમદાવાદ હવાઈ મથક પર આવતાં દોઢ કરોડ મુસાફરોને લૂંટવા માટે 5 વર્ષમાં ફી રૂ. 85 હતી તે 10 ગણી વધારીને રૂ. 850 કરી દીધી છે. છતાં મુસાફરોને સગવડો વધારી નથી. પક્ષી અથડાવાની ઘટના એક જ વર્ષમાં 10 ટકા વધી છે. તેમાં પણ અદાણી નિષ્ફળ છે. તેથી બર્ડ હીટીંગમાં અદાણી પાસેથી ખર્ચ વસૂલવું જોઈએ।
વિમાનમાં આગ
4 ઓગસ્ટ 2024માં અમદાવાદથી ચંદીગઢ જતા વિમાનમાં પક્ષી અથડાતાં તેને અમદાવાદ પરત કરવામાં આવી હતી. 19 જૂન 2024માં પટના હવાઈ મથકથી દિલ્હી જતા વિમાનના એન્જિનમાં આગ લાગી હતી. 185 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. તેથી હવે જીવ મારવા ઝેર આપવામાં આવે છે. કાંતો લાઈટથી સળગાવી દેવામાં આવે છે.
જીવ મારો અભિયાન
હવાઈ મથક પર જીવોને ઝેર આપીને મારી નાંખવાના કારણે 95 ટકા પક્ષીઓ ઓછા કરી શકાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ચોમાસામાં પક્ષીઓ વધારે અથડાય છે. એન્જિનની બ્લેડ તૂટી જવાની ઘટના બને છે. તેથી ઘાસને ઉખેડીને ફેંકી દેવામાં આવી રહ્યું છે. ઘાસ અને જમીનમાં જીવો રહેતાં હોય છે તેને મારી નાંખવામાં ઝેર આપવામાં આવી રહ્યું છે. કારણ કે આ જીવો ખાવા માટે પક્ષીઓ આવતાં હોય છે. આવા પક્ષીઓને અન્ય સ્થળે વાળી શકાય તે માટે કદાચ પક્ષીઓનો નકસો કામ આવી શકે છે.
ઝેર ઉપરાંત ફેરોસ લાઇટ ટ્રેપ અને બ્લેક લાઇટ ટ્રેપનો ઉપયોગ કરીને જીવોનો ખાત્મો બોલાવવામાં આવી રહ્યો છે. પક્ષી હવાઈ મથકમાં ક્યાંય બેસે નહીં તે માટે કસ્ટમાઇઝ્ડ એન્ટિ પર્ચિંગ ડિવાઇસ લગાવવામાં આવી છે. કબૂતરો ઓછા કરી શકાશે. પક્ષીનો ઉપદ્રવ 95 ટકા ઘટાડી દેવાયો છે.
અમદાવાદમાં વિમાન સાથે પક્ષી ટકરાવાની ઘટના
વર્ષ ઘટના
2018 53
2019 40
2020 39
2021 39
2022 39
2023 81
અમદાવાદ સિટી બર્ડ એટલાસ છે શું
અમદાવાદ સિટી બર્ડ એટલાસ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં ગુજરાત બર્ડ કન્ઝર્વેશન સોસાયટી, અમદાવાદ યુનિવર્સિટીના કોમ્યુનિટી ઇકોલોજી લેબ, બર્ડ કાઉન્ટ ઈન્ડિયા, ઈ-બર્ડ તથા અમદાવાદ યુનિવર્સિટીના ઓર્નિથોલોજિસ્ટ દેવવ્રતસિંહ મોરીની મદદથી નકશો તૈયાર થઈ રહ્યો છે. જે વિમાનના વાઇલ્ડલાઇફ રિસ્ક મેનેજમેન્ટ પ્રોગ્રામ માટે પણ ઉપયોગી બની શકશે.
ક્યા વિસ્તારમાં ક્યા પ્રકારના પક્ષીઓ કેટલાં છે. ગુજરાત અને પશ્ચિમ ભારતનો પ્રથમ નકસો છે. ભારતમાં સૌપ્રથમ શહેરનો બર્ડ એટલાસ મૈસૂર શહેરે 2014માં તૈયાર કર્યો હતો. 10 વર્ષ પછી અમદાવાદ તેનો અમલ કરી રહ્યું છે. જે સંશોધન કરવામાં ઉપયોગમાં લેવાશે. કોઈમ્બતૂર, પૂણે, હૈદરાબાદ અને કેરળ અને પશ્ચિમ બંગાળ રાજ્યના પુરા પક્ષી નકશા તૈયાર થયા છે.
અમદાવાદ શહેર 504 ચોરસ કિલોમીટરમાં છે. અમદાવાદ મહાનગરનો વિસ્તાર 400 ચોરસ કિલોમીટર છે.
400 ચો.કી.ના વિસ્તારને વૈજ્ઞાનીક પદ્ધતિથી નાના ચોકઠામાં વિભાજીત કર્યો છે. અમદાવાદના 250 લોકો જોડાયેલા છે. તેઓ દરેક વીકેન્ડમાં જ્યારે પણ સમય મળે ત્યારે તેમના જ વિસ્તારમાં જઈને પક્ષીઓ શોધે છે અને ગણે છે.
2024માં મુંબઈ આવી રહેલા અમીરાતના વિમાન સાથે 508 પક્ષીઓનું ઝુંડ અથડાતા 36 ફ્લેમિંગો પક્ષીઓના મોત થયા હતા. અમદાવાદમાં પક્ષી નકસા માટે જે માહિતી એકઠી થશે તે શહેરની પક્ષી વૈવિધ્યતા, પક્ષીઓની વસતીમાં વધઘટ, શહેરના આયોજન અને સંશોધન માટે કામ કવશે. વર્ષમાં બે વખત નકશો બનશે. ઋતુ પ્રમાણે પક્ષીઓ વધારે કે ઓછા હોવાના કારણો શોધી શકાશે.
વળી, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ માર્ગદર્શિકા જાહેર કરીને દેશના એરપોર્ટ ઓપરેટરોને વન્યજીવો માટેના જોખમોનું મૂલ્યાંકન કરવા અને વિમાનને થતા નુકસાનના આધારે તેમને રેન્કિંગ કરવા જણાવ્યું છે. એરપોર્ટ પર વન્યજીવોની હિલચાલ પર નજર રાખવા અને ડેટા રેકોર્ડ કરવાની પ્રક્રિયા હોવી જોઈએ. આ આદેશમાં પણ પક્ષી નકશો કામ આવશે.
2013માં પક્ષી અથડાવાના કારણે દિલ્હી હવાઈ મથક પર સંપૂર્ણ ઈમરજન્સી લાદી દેવામાં આવી
વન્ય પ્રાણી કે પક્ષીની વિમાનના પાયલટને સૂચિત કરવાની પ્રક્રિયા એરપોર્ટ પાસે હોવી જોઈએ. નિયમિત પેટ્રોલિંગ એ વાઇલ્ડલાઇફ રિસ્ક મેનેજમેન્ટ પ્રોગ્રામનું મુખ્ય તત્વ છે. તે રેન્ડમ પેટર્નના આધારે થવું જોઈએ, એવો આદેશ કર્યો છે. તેથી પક્ષી નકશો તેના માટે ઘણો ઉપયોગી સાબિત થવાનો છે.
ધોલેરા
અમદાવાદથી 100 કિલોમીટર દૂર ધોલેરામાં હવાઈ મથક બનાવવા માટે 22 વર્ષથી કામ થઈ રહ્યું છે. છતાં તે શરૂ થયું નથી. પહેલા અદાણી અહીં હવાઈ મથક બનાવવાનું હતું પણ તે બની શકે તેમ ન હોવાથી તે ખસી ગયા હતા.
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ 2025-26માં શરૂ કરવાની તારીખ હવે આવી છે. વાર્ષિક મુસાફરોની સંખ્યા 3 લાખ હશે. 20 વર્ષમાં વધીને 23 લાખ મુસાફરો હશે. 2025-26માં માલસામાન 20,000 ટન થશે, જે 20 વર્ષમાં 2,73,000 ટન થશે. ત્યારે અમદાવાદ હવાઈ મથક બંધ થશે. તો અદાણીને 50 વર્ષનો ઠેકો અમદાવાદનો અપ્યો છે તેનું શું થશે.