કોંગ્રેસના ધારાસભ્યને ખરીદવા ભાજપના નવસારીના નેતાએ રૂ.200 કરોડની લાલચ આપી 

વલસાડ, 10 જૂન 2020

ગુજરાતમાં 19 જૂન 2020ના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ભાજપના ઈશારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી ચૂક્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા માટે ગુજરાત ભાજપ દ્વારા સામ દામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. પ્રલોભનો દ્વારા ધારાસભ્યોને તોડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, તેમને પણ લાલચ આપવામાં આવી હતી કે આવી જાવ ભાજપમાં તો આ બધા લોકોના કાર્યો થઈ શકે છે. સાથે જ રૂપિયાની પણ ઓફર કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. જો કે કેટલા રૂપિયાની ઓફર કરવામાં આવી તેવા સવાલના જવાબ ન આપતાં તેમણે કહ્યું કે એ 100 કરોડ કે 200 કરોડ પણ હોય શકે છે.

ધારાસભ્ય અનંત પટેલે નવસારીના ભાજપના વરિષ્ઠ નેતા દ્વારા કરોડો રૂપિયાની ઓફર કરવામાં આવી હોવાની પણ વાત કહી હતી. ભાજપના નેતાઓ દિલ્હીની મંજૂરી વગર આવું કરે નહીં.

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, આદિવાસી પટ્ટામાં વિકાસના કામ કરવાના નામે ભાજપના નેતાઓ દ્વારા મારી મુલાકાત કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન મને લાલચ પણ આપવામાં આવી હતી કે, તમે ભાજપમાં આવી જાવ તો બધા લોકોના કામો થઈ શકશે. આ ઉપરાંત ભાજપ દ્વારા કરોડો રૂપિયાની ઓફર આપવામાં આવી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

આ ઉપરાત તેમણે જણાવ્યુ હતું કે, હું કોંગ્રેસમાં છુ અને કોંગ્રેસમાં રહેવાનો છુ.

કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, તેઓ રાજસ્થાન ક્યાંય જવાના નથી. વલસાડમાં જ રોકાશે અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને ધારાસભ્યો કપરાડા અને ડાંગ બેઠકમાં કાર્યકરો સાથે મુલાકાતો કરશે. ચૂંટણીની રણનીતિ ઘડશે અને ક્યાંય જશે નહી પરંતુ કાર્યકરોનું મનોબળ વધારવા માટે પ્રયાસો કરશે.

વધુ ધારાસભ્યો ભાજપ તોડી ન જાય તે માટે કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસે અલગ-અલગ ઝોન વાઇઝ ધારાસભ્યોને રિસોર્ટમાં રાખ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતના પાંચ ધારાસભ્યોને વલસાડના પારડી ખાતે આવેલા એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે.

વલસાડના શાંતિવન રિસોર્ટમાં રાખવામાં આવેલા ધારાસભ્યોમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી, રાજપીપળાના ધારાસભ્ય પી.ડી. વસાવા, વ્યારાના ધારાસભ્ય પુનિત ગામીત અને દાહોદના ધારાસભ્ય ચંદ્રિકા બારીયાનો સમાવેશ થાય છે. રિસોર્ટમાં ધારાસભ્યોએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં

કોંગ્રેસ ધારાસભ્યોને રાજસ્થાન લઈ જશે તેવી પણ એક વાત રાજકીય લોબીમાં ચર્ચાઈ રહી છે. આ બાબતે કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે, તેઓ રાજસ્થાન જવાના નથી અને વલસાડમાં રોકાવાના છે. જિલ્લા પંચાયતની ચુંટણીને લઈને ધારાસભ્યો કપરાડા અને ડાંગ બેઠકના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી ચૂંટણીને અનુરૂપ રણનીતિ પણ તૈયાર કરવાના છીએ.

ઉલ્લેખનીય છે કે, ત્રણ ધારાસભ્યના રાજીનામા પડતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ દ્વારા ભાજપ દ્વારા ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજીનામું આપીને પક્ષની સાથે છેડો ફાડનારા ધારાસભ્યો પૈસા લઈને રાજીનામું આપ્યા હોવાના આક્ષેપોને ફગાવી રહ્યા છે અને તેઓ પક્ષની નીતિથી નારાજ થઈ રાજીનામું આપ્યું હોવાનું જણાવી રહ્યા છે.