ભાજપનું ઘમંડ – ગુજરાતમાં હવે AAP ક્યાય ચૂંટાવાની નથી – રૂપાણી

bjp
bjp

BJP’s arrogance – AAP will not elect in Gujarat now – Rupani

25 ફેબ્રુઆરી 2021

સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનું સ્થાન મેળવીને આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી છે. ભાજપને પણ વિશ્વાસ નહોતો કે, કોંગ્રેસને પછાડીને આમ આદમી પાર્ટી સુરતમાં 27 બેઠકો પર આવશે. સુરત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું હોમ ટાઉન છે અને ત્યાં જ આમ આદમી પાર્ટીએ 27 બેઠકો હાંસલ કરીને ખૂબ જ સારી શરૂઆત કરી છે. સુરતમાં આપની એન્ટ્રીથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે. સી.આર. પાટીલ પર આપની એન્ટ્રીથી પીડા થયાનું નિવેદન જાહેર સ્ટેજ પરથી આપી ચૂક્યા છે. ત્યારે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સુરતમાં આપની એન્ટ્રીને લઇને નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી આવી છે. તેને કોંગ્રેસના ગઢમાં જ ગાબડા પાડ્યા છે. હવે ગુજરાતમાં એક પણ સીટ પર આમ આદમી પાર્ટી આવશે નહીં.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સુરતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસના જે ગઈ વખતે કોર્પોરેટર ચૂંટાયા હતા તે વિસ્તારમાં આ વખતે કોંગ્રેસના બદલે આમ આદમી પાર્ટી ચૂંટાઈ છે. હવે કોંગ્રેસ માટે મોટો પડકાર આમ આદમી પાર્ટી થઇ છે. એ સિવાય ગુજરાતમાં ક્યાય પણ આમ આદમી પાર્ટીને સ્થાન મળ્યું નથી. એટલે કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડ્યા છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસના વિકલ્પ તરીકે ત્યાં ઉભી થઈ છે. હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો એક પણ ઉમેદવાર ચૂંટાવાનો નથી અને ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ જે રીતે આગળ વધ્યો છે તેવો જ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં વધશે.

ડીસામાં ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ જાહેર સ્ટેજ પરથી આપેલા આંખ ચીરી નાંખવાના નિવેદનને લઇને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ જરા પણ યોગ્ય નથી. ઉલટાનું મેં ગઈ કાલે કહ્યું છે અને આજે પણ દોહરાવું છું. જનતાએ વધારે પ્રેમ આપ્યો છે એટલે આપણે વધારે વિનમ્ર થવું જોઈએ જનતાએ સર્વોપરી છે. ભાજપના કાર્યકર્તા આ વિજયને વિનમ્રતાથી પચાવે તેવી વિનંતી.

આ ઉપરાંત છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મળ્યા પછી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભવ્ય જીત મળશે તેવો આશાવાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય થાય તે બાબતે ખૂબ પ્રયત્નો ચાલી રહ્યા છે. 26મી તારીખે સાંજ સુધી પ્રચારની પરાકાષ્ઠા સર્જવામાં આવશે. કોર્પોરેશનમાં જેવા પરિણામો આવ્યા છે તેવા જ પરિણામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં આવશે તેવી મને શ્રદ્ધા છે.