ભાજપના ધર્મેન્દ્રસિંહ જાડેજા કોરોના પોઝિટિવ, ટ્વિટ કરી આપી માહિતી

દેશ અને દુનિયામાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે હવે રાજ્યના નેતાઓને શકંજામાં લીધા છે. જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતા અને જાહેર જીવન સાથે સંકળાયેલા નેતાઓ એક પછી એક કોરોનાની ઝપટમાં આવી ગયા છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા કોરોના પોઝિટિવ ટેસ્ટ થયા છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જાતે ટ્‌વીટ કરીને આ માહિતી આપી હતી. અગાઉ ગુરૂવારે ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોતે કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી અને સંબંધિત લોકોને પોતાના ટેસ્ટ કરાવવા તેમજ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપી હતી.

ગુરૂવારે સાંજ થતાની સાથે જ અમદાવાદના પશ્વિમના સાંસદ ડૉ.કિરિટી સોલંકી પણ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. સોલંકીએ જાતે ટ્‌વીટ કરીને આ માહિતી આપી હતી. દરમિયાન રાત્રે ધર્મેન્દ્રસિંહ જાડેજાનો ટેસ્ટ પોઝિટિવ આવતા તેમણે ટ્‌વીટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે ટ્‌વીટર પર લખ્યું કે “મારો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને મારી તબિયત સારી છે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન મારા સંપર્ક માં આવેલ તમામ લોકો સ્વેચ્છાએ હોમ કવોરન્ટાઇન થવા અથવા તો ડોક્ટર પાસે ટેસ્ટ કરાવવા વિનંતી. ભગવાન ભોળાનાથ તથા આપ સૌના આશીર્વાદથી હું ઝડપથી સ્વસ્થ થઈ જઈશ.”