અમદાવાદની બોડીલાઇન અને અર્થમ હોસ્પિટલોને રૂ.10 લાખનો દંડ

અમદાવાદ, 10 જૂન 2020

અમદાવાદની બે ખાનગી હોસ્પિટલોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. ગુજરાતના અમદાવાદના પાલડી વિસ્તારમાં વિકાસગૃહ રોડ પર આવેલી બોડીલાઇન હોસ્પિટલમાં કોર્પોરેશન દ્વારા રિફર કરવામાં આવેલા દર્દી પાસેથી કોરોના ટેસ્ટના 4500 રૂપિયાની માગણી કરવામાં આવી હતી.

તેથી તેને રૂ.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.  નોટીસનો જવાબ નહીં આપતાં ડંદ કરાયો છે. દર્દીઓને નિયમ પ્રમાણેની સારવાર આપતી નથી. અમદાવાદની બે હોસ્પિટલોએ કરારનો ભંગ કર્યો હતો જેથી તેમને દંડ ભરવા કહેવાયું છે.

શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલી અર્થમ હોસ્પિટલમાં પણ કોર્પોરેશને 50 ટકા બેડ કોરોનાની સારવાર માટે હસ્તગત કર્યા હતા. જોકે, કોર્પોરેશને એક દર્દીને રિફર કરતા હોસ્પિટલે બેડ ખાલી નથી તેમ કહી દાખલ કર્યા ન હતા. અર્થમ હોસ્પિટલમાં કોર્પોરેશન દ્વારા હસ્તગત કરાયેલા બેડ પર હોસ્પિટલ પોતાના દર્દીઓને એડમિટ કરી રહી છે.  હોસ્પિટલને નોટિસ ફટકારી ખુલાસો પૂછાયા બાદ રૂ. 5 લાખનો દંડ ફટકારાયો હતો.

બન્ને હોસ્પિટલોએ એપેડેમિક એક્ટ હેઠળના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. એએમસી સાથે એમઓયુ કર્યા પછીથી કરાર અનુસાર કોરોનાના દર્દીઓને મફતમાં સારવાર નહીં આપનારી આ બે હોસ્પિટલોને પ્રત્યેકને પાંચ પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. બન્ને ખાનગી હોસ્પિટલોના સંચાલકોને સાત દિવસમાં દંડ ભરવા કહેવામાં આવ્યું છે.

અમદાવાદની ઘણી હોસ્પિટલો સાથે એમઓયુ કરીને કોર્પોરેશન દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટે બેડ હસ્તગત કરવામાં આવે છે. આ બેડ પર દર્દી હોય કે ના હોય પરંતુ કોર્પોરેશન દ્વારા હોસ્પિટલોને તેનો નિશ્ચિત કરવામાં આવેલો ચાર્જ ચૂકવવામાં આવતો હોય છે.