સાણંદમાં 1,00,000 સીડબોલ બનાવી જમીનમાં મુકવાનું અભિયાન

અમદાવાદ, 16 જૂન, 2021

વધતા જતા પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓથી આજનો માણસ ઘેરાઈ રહ્યો છે તેવા સંજોગોમાં બાળ માનસમાં પર્યાવરણના જતનના સંસ્કાર રેડાય તેવા હેતુથી સાણંદ સ્થિત સ્વૈચ્છિક સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું છે. યુવાનોના સહયોગથી 1,00,000 જેટલા સીડબોલ બનાવી સાણંદ આસપાસ આવેલ પડતર જમીનમાં – ઝાંખરામાં મુકવાનું આયોજન હાથ ધરાયું છે. હાલના સમયમાં પર્યાવરણ ઉપર ખતરાની ઘંટડી વાગી રહી છે જેના પરિણામે માનવ સમાજ પર ઘાતક અસરો વર્તાઈ રહી છે ત્યારે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા હાથ ધરાનારી આ ઝુંબેશ પર્યાવરણ અને પ્રકૃતિનું રક્ષણ કરશે.

માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી મનુ બારોટ કહે છે કે, “ આજે પર્યાવરણની સમસ્યા વિકરાજ્ળ બની રહી છે… ભવિષ્યમાં પણ આ ખતરાની ઘંટીને ઓળખી માનવ સફાળો જાગશે નહીં તો વિપરિત પરિણામો ભોગવવા પડશે. આ પરિસ્થિતીને ધ્યાને લઈ માનવ સેવા ટ્રસ્ટે પર્યાવરણ બચાવો ઝુંબેશ ઉપાડી લીધી છે. 1,00,000 સીડ બોલ બનાવી પર્યાવરણ રક્ષક બનવાની પહેલ કરી છે…વૃક્ષો આપણા માટે સર્વસ્વ છે… વૃક્ષ હશે તો જ આપણું અસ્તિત્વ ટકી રહેશે, એ પણ એટલું જ સત્ય છે…આગામી પેઢી પણ પર્યાવરણ બચાવવાની ઝુંબેશમાં સક્રિય યોગદાન આપવા સહયોગી બને તે સમયની માંગ છે એમ તેમણે ઉમેર્યું હતું..’

આગામી સમયમાં સાણંદના અન્ય વિસ્તારમાં પણ સીડબોલનો પ્રયોગ મોટા પાયે કરવાનું વિચારાઈ રહ્યું હોવાનું મનુભાઈ કહે છે. સાણંદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ બાવળના જંગલમાં 1 લાખ સીડબોલમાં લીંબોળી, કણજી, પેલ્ટોફાર્મ, ગુલમહોર, બાવળ વગેરેના બી વાળા માટીના દડા નાખવાનું કાર્ય હાલ ચાલુ છે. કુદરતનો એવો ક્રમ છે કે જો બીજને માટી, ગરમી અને ભેજ મળી રહે તો તે આપો-આપ ભીતમાં ઉગી નીકળતા પીપળાની જેમ ઉગી જાય છે જો માત્ર થોડાજ બીજ ઉગી નીકળશે તો પણ આ મહેનત રંગ લાવી દેશે એમ તેઓ કહે છે.