આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 15 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોવિડ-19 કેસોનું સૌથી વધુ ભારણ હોય અને કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો હોય એવા 50 જિલ્લા/ મ્યુનિસિપલ ક્ષેત્રોમાં ઉચ્ચ સ્તરીય બહુ-ક્ષેત્રીય ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમો રાજ્ય સરકારોને કોવિડ-19 મહામારીનો ઉપદ્રવ ફેલાતો રોકવામાં અને તેનું નિયંત્રણ કરવા માટે યોગ્ય વ્યવસ્થાપન કામગીરીમાં ટેકનિકલ સહકાર આપશે. કેન્દ્ર દ્વારા ક્યાં અને કેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે તે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની વિગતો આ મુજબ છે: મહારાષ્ટ્ર (7 જિલ્લા/ મ્યુનિસિપાલિટી), તેલંગાણા (4), તામિલનાડુ (7), રાજસ્થાન (5), આસામ (6), હરિયાણા (4), ગુજરાત (3), કર્ણાટક (4), ઉત્તરાખંડ (3), મધ્યપ્રદેશ (5), પશ્ચિમ બંગાળ (3), દિલ્હી (3), બિહાર (4), ઉત્તરપ્રદેશ (4) અને ઓડિશા (5).
દરેક જગ્યાએ નિયુક્ત કરવામાં આવેલી ત્રણ સભ્યોની પ્રત્યેક ટીમમાં બે જાહેર આરોગ્ય નિષ્ણાત/ રોગચાળા તજજ્ઞ/ ક્લિનિશિઅન અને વરિષ્ઠ સંયુક્ત સચિવ સ્તરના નોડલ અધિકારીને પ્રશાસનિક સંચાલન અને સુશાસનમાં સુધારો લાવવા માટે સમાવવામાં આવ્યા છે. આ ટીમો વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહી છે અને આરોગ્ય સંભાળ સુવિધાઓની મુલાકાતો લઇ રહી છે જેથી કન્ટેઇન્મેન્ટના માપદંડોના અમલીકરણમાં રાજ્યના આરોગ્ય વિભાગને સહકાર આપી શકે અને જિલ્લા/ શહેરોમાં પોઝિટીવ કેસોની અસરકારક સારવાર/ તબીબી વ્યવસ્થાપનમાં મદદરૂપ થઇ શકે.
બહેતર સંકલનની કામગીરી સુનિશ્ચિત કરવા માટે, પાયાના સ્તરે તાત્કાલિક પ્રતિક્રિયા માટે, વધુ ઝીણવટપૂર્વકની વ્યૂહનીતિ અપનાવવા, એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે, આ જિલ્લા/ મ્યુનિસિપાલિટીઓએ કેન્દ્રની ટીમો સાથે નિયમિત સંપર્કમાં રહેવું જોઇએ જેઓ પહેલાંથી જ રાજ્યો સાથે સંકલન કરી રહ્યા છે. આવા વારંવાર સંકલનથી સ્થિતિને અસરકારક રીતે અંકુશમાં લઇ શકાશે.
કેન્દ્રની ટીમો રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોને પરીક્ષણોમાં આવતા અવરોધો, પ્રત્યેક દસ લાખની વસ્તીએ ઓછી સંખ્યામાં પરીક્ષણો, પોઝિટીવ કેસોની પુષ્ટિ થવાનો ઉંચો દર, આગામી બે મહિનામાં ક્ષમતામાં ઘટાડાનું જોખમ, બેડની અછત ઉભી થવાની સંભાવના, કેસોમાં વધી રહેલો મૃત્યુ દર, કેસો બમણા થવાનો ઉંચો દર, અચાનક સક્રિય કેસોની સંખ્યામાં વૃદ્ધિ વગેરે જેવા પડકારોનો રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસકોને સામનો કરવો પડે છે તેનો ઉકેલ લાવવામાં મદદ કરી રહી છે.
સંખ્યાબંધ જિલ્લા/ મ્યુનિસિપાલિટીએ પહેલાંથી જ જિલ્લા સ્તરે સમર્પિત પાયાની ટીમોનું ગઠન કર્યું છે જેમાં જિલ્લા સ્તરના તબીબી અને વહીવટી અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે જેથી તેઓ નિયમિત ધોરણે કેન્દ્રની ટીમો સાથે સંકલન કરી શકે.