તાળાબંધીમાં ફરજ બજાવી રહેલા traffic road brigade – TRBના જવાનને અપશબ્દો કહી કોંગ્રેસના સિદ્ધપુરના ધારાસભ્ય ચંદન ઠાકોરે દાદાગીરી કરી હોવાનો વીડિયો લોકો વચ્ચે ફેલાઈ ગયો છે. અલ્પેશ ઠાકોરને કાપવા માટે ભરત સોલંકી અને અમિત ચાવડાએ કાવતરૂ રચીને ચંદનને ટિકીટ અપાવી હતી. ભરત સોલંકીએ ટિકિટ અપાવતાં તે ચૂંટાયા હતા.
ગુજરાતમાં તાળાબંધી ચાલી રહ્યું છે ત્યારે કામ સિવાય કોઈપણ વ્યક્તિ જો બહાર નીકળે તો કાયદા પ્રમાણે પોલીસ દ્વારા તેને અટકાવી પૂછપરછ કરવામાં આવે છે. તાળાબંધીનો ભંગ કરનારાઓ સામે પોલીસ કડક હાથે કાર્યવાહી પણ કરી રહી છે. કોંગ્રેસના નેતાએ પોતે ધારાસભ્ય હોવાનો રોફ પોલીસ આગળ જમાવ્યો હતો. જેને લઇને મામલો બિચક્યો હતો. જેનો વીડિયો સમૂહ માધ્યમોમાં પ્રસરી ગયો છે.
સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદન ઠાકોર બહુચરાજી તરફ પોતાની કાર લઇને જઇ રહ્યા હતા. ત્યારે ટીઆરબીના જવાને તેમની કારને અટકાવી હતી અને નિયમ પ્રમાણે ઓળખ પત્ર માગણી કરી હતી ત્યારે ઉશ્કેરાયેલા કોંગ્રેસના ધારાસભ્યએ ટીઆરબી જવાનને પોતે ધારાસભ્ય હોવાનો રોફ બતાવ્યો હતો. તેને ઘણા બધા અપશબ્દો બોલ્યા હતા. જોકે ચંદન ઠાકોરના આ વર્તનથી સૌ કોઈ ચોંકી ગયા હતા. એટલું જ નહીં ઉશ્કેરાયેલા ધારાસભ્ય સીધા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હતા.
જોકે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં ચંદનજી ઠાકોર ટીઆરબી જવાનને ઘણા બધા અપશબ્દો બોલતા હોય તેવું સંભળાય છે. હાલના ધોમધખતા તાપમાં તાળાબંધીનુ પાલન કરવા માટે પોતાની ફરજ નિભાવી રહેલા પોલીસ જવાન સામે ધારાસભ્યની આ ઉદ્ધતાઈથી નાગરિકો નાખૂશ છે. ભાજપના ધારાસભ્યો જેવા જ કાળા કરતુતો કોંગ્રેસના ધારાસભ્યો કરી રહ્યાં છે.