ગુજરાતના મુખ્ય પ્રધાનો

ગુજરાતના મુખ્ય પ્રધાનો Chief Ministers of Gujarat
જીવરાજ મહેતા
જીવરાજ મહેતા (1–5–60થી 19–9–63) : ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન ડૉ. જીવરાજભાઈ મહેતા હતા. ગુજરાતમાં તેમણે 1–5–1960થી 8–3–1962 અને 8–3–1962થી 19–9–1963 સુધી અર્થાત્, લગભગ 3 વર્ષ 4 મહિના અને 21 દિવસ સુધી સત્તા ભોગવી હતી. તેમના સત્તાકાળ દરમિયાન 1961માં પંચાયતી રાજની સ્થાપનાનો કાયદો ઘડાયો અને 1–4–1963થી તેનો અમલ થયો. આ ઉપરાંત એમના શાસનકાળ દરમિયાન વિધાનસભામાં કેટલાક અગત્યના કાયદા કરવામાં આવ્યા. આમાં મુંબઈનો ગણોત વહીવટ અને ખેતીની જમીન બાબત, ગુજરાત સહકારી મંડળી વિધેયક, ગુજરાત પંચાયત વિધેયક, ગુજરાત યુનિવર્સિટી બાબતનું વિધેયક, ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વગેરેનો સમાવેશ કરી શકાય. તેમના મંત્રીમંડળ સામે 9 સપ્ટેમ્બર, 1963ના રોજ પ્રથમ વખત અવિશ્વાસની દરખાસ્ત આવી જે 11 સપ્ટેમ્બર, 1963ના રોજ 32 વિરુદ્ધ 101 મત દ્વારા પરાસ્ત થઈ. તેમના નેતૃત્વ હેઠળ 1962માં ગુજરાત રાજ્યની પ્રથમ ચૂંટણી પણ યોજાઈ. ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષને 113 બેઠકો પ્રાપ્ત થઈ. આમ પ્રજાએ જીવરાજભાઈના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. છતાં પણ તેમના સમય દરમિયાન પારડીની ઘાસિયા જમીન અને શહીદ સ્મારક જેવા કેટલાક અગત્યના પ્રશ્નો વણઉકેલ્યા રહ્યા હતા. પારડીનો ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ 1 સપ્ટેમ્બર, 1953ના દિવસે શરૂ થયો અને 5 જુલાઈ, 1967ના દિવસે પૂરો થયો. આમ, આ સત્યાગ્રહ 14 વર્ષ ચાલ્યો. પારડીનું ભૂમિઆંદોલન એ દેશના કૃષિવિયક માળખામાં અહિંસક સત્યાગ્રહનો એક પ્રયોગ હતો.

બળવંતરાય મહેતા (19–3–1963થી 19–9–1965) :
બળવંતરાય મહેતાનો સમયગાળો માત્ર બે વર્ષનો હોવા છતાં તેમની રાજકીય નેતૃત્વશક્તિનો પરિચય જોવા મળ્યો. ધુવારણ વીજળીમથકની શરૂઆત થઈ. ઔદ્યોગિક વિકાસ માટે દરેક જિલ્લામાં ઔદ્યોગિક વસાહતો અને વિસ્તારની સ્થાપના કરવામાં આવી. વડોદરામાં કોયલી રિફાઇનરી બની. પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગો પણ સ્થપાયા. સિંચાઈ પાછળ રૂ. 1,352 લાખનો ખર્ચ કરવામાં આવ્યો. સૌરાષ્ટ્રમાં શેત્રુંજી અને ભાદર, બનાસકાંઠામાં દાંતીવાડા વગેરે સ્થળોએ જળાગારો થયાં. જેલમાં કુલ સાત વર્ષ ગાળ્યા.

લોકશાહી વિકેન્દ્રીકરણ તરફના તેમના યોગદાન માટે “પંચાયતી રાજ શિલ્પી” તરીકે ગણવામાં આવે છે.નવેમ્બર ૧૯૫૭ માં તેનો અહેવાલ સુપરત કરેલો અને છેલ્લે પંચાયતી રાજ તરીકે ઓળખાતી હતી, જેણે ‘લોકશાહી વિકેન્દ્રીકરણ’ ની યોજનાનો સ્થાપના ભલામણ કરી છે.

1965માં પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યું ત્યારે તેઓ કચ્છની સરહદની મુલાકાતે ગયા હતા તે વખતે તેમનું વિમાન તોડી પાડવામાં આવ્યું, જેના કારણે તેમનું 19–9–1965ના રોજ અકાળે અવસાન થયું.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી ત્યારે સપ્ટેમ્બર 19, 1965ના રોજ, મુખ્ય મંત્રી મહેતાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે કચ્છ સરહદ પર ટાટા કેમિકલ્સ, મીઠાપુરથી બીચક્રાફ્ટ વિમાનમાં ઉડાન ભરી. તેમાં જહાંગીર એન્જિનિયર, ભૂતપૂર્વ ભારતીય એર ફોર્સ પાયલોટ હતા. આ વિમાન પર તેના ઉપરી અધિકારીઓથી ઓર્ડર પ્રાપ્ત કર્યા પછી પાકિસ્તાન એર ફોર્સ પાયલોટ કઇસ હુસૈન દ્વારા ગોળી ચલાવવામાં આવી હતી. મહેતાનું, તેમની પત્ની, તેમના ત્રણ સભ્યો, એક પત્રકાર અને બે વિમાન સભ્યો સાથે અકસ્માતમાં કચ્છના સુથરી ગામે મૃત્યુ થયું હતું.

હિતેન્દ્રભાઈ દેસાઈ :

હિતેન્દ્રભાઈ (19–9–1965થી 4–3–1967, 4–3–1967થી 13–5–1971)માં વહીવટી કુશળતા તથા રાજકારણી શાણપણનો સમન્વય થયેલો હતો. તેમનામાં પક્ષનાં વિરોધી જૂથો અને વિવિધ વિચારસરણી ધરાવતી વ્યક્તિઓને એકસૂત્રે રાખવાની સૂઝ અને આવડત હતી. તેમના સમય દરમિયાન જમીનસુધારણા, સમાજકલ્યાણ, પછાત વર્ગોનો વિકાસ તથા સિંચાઈ અને સહકાર જેવાં ક્ષેત્રોએ નોંધપાત્ર પ્રગતિ થઈ. તેમણે દેવસ્થાન ઇનામ નાબૂદી અધિનિયમ 15 નવેમ્બર, 1969ના રોજ પસાર કર્યો તેમજ પછાત વર્ગના કલ્યાણ અંગેના કાર્યક્રમ માટે 1969–70માં રૂ. 162.53 લાખ અને 1970–71માં રૂ. 246.12 લાખની જોગવાઈ કરવામાં આવી. પછાત વર્ગના વિદ્યાર્થીઓને ફી-માફી, શિષ્યવૃત્તિઓ, છાત્રાલયોમાં મફત રહેવા-જમવાની વ્યવસ્થા વગેરેની જોગવાઈ કરવામાં આવી. ઉપરાંત પારડીની ઘાસિયા જમીનના પ્રશ્નનો 14 વર્ષનાં આંદોલનો બાદ સુખદ ઉકેલ આવ્યો. ઔદ્યોગિક વિકાસમાં સ્વાવલંબન સિદ્ધ કરવાની કામગીરી પણ એમણે બજાવી. તેમના સમય દરમિયાન 31 માર્ચ, 1970 સુધીમાં ભારત સરકારે 215 મોટા ઉદ્યોગોને નવા એકમો શરૂ કરવા પરવાના આપ્યા હતા. તેમાં સૌથી વધુ ઇજનેરીના 106 એકમોનો સમાવેશ થાય છે. અછત અને કુદરતી આફતોનો પણ અસરકારક રીતે સામનો કરવામાં આવ્યો. તેમણે અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાનો પ્રશ્ન પણ ઉકેલ્યો. એપ્રિલ, 1971માં માધ્યમિક શિક્ષણ મફત જાહેર કરવામાં આવ્યું, તેમના સમય દરમિયાન સપ્ટેમ્બર, 1969માં ગુજરાતમાં મોટા પાયા પર કોમી રમખાણો ફાટી નીકળ્યાં અને સરકાર તેને અંકુશમાં લેવામાં સદંતર નિષ્ફળ ગઈ.

ઘનશ્યામભાઈ ઓઝા-
ઘનશ્યામભાઈ ઓઝા (17–3–1972થી 17–7–1973) તેમણે નાના ખેડૂતોને મહેસૂલમાંથી મુક્તિ આપતો અને માધ્યમિક શિક્ષણ મફત કરવાનો કાયદો પસાર કર્યો. શહેરી વિસ્તારોમાં જમીનના બધા જ સોદા રદ કરતું બિલ ધારાસભામાં પસાર કરાવ્યું. 15 ફેબ્રુઆરી, 1973ના રોજ ધારાસભામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ વિધેયક પસાર કરાવ્યું. પરિણામે ખાનગી સંસ્થાઓ દ્વારા ચાલતી શિક્ષણસંસ્થાઓના સંચાલનમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા. માધ્યમિક શિક્ષણ બૉર્ડની રચના પણ કરવામાં આવી. તેમણે ગંદા વસવાટ વિસ્તાર નાબૂદી અને પુનર્વિકાસ અંગેની યોજનાઓની શરૂઆત કરી. રૂરલ હાઉસિંગ બૉર્ડની રચના કરવામાં આવી. મજૂર કલ્યાણ માટે મુંબઈ ઔદ્યોગિક સંબંધો અને ઔદ્યોગિક વિવાદ ધારા-સુધારા અંગેનું વિધેયક પસાર કરીને ઔદ્યોગિક સંચાલનમાં મજૂરોની ભાગીદારીનો સ્વીકાર કરવામાં આવ્યો. આદિવાસી જાતિઓના વિકાસ માટે ગુજરાત આદિજાતિ વિકાસ કૉર્પોરેશનની રચના કરવામાં આવી. તેમણે ગ્રામ ગૃહનિર્માણ બૉર્ડની પણ રચના કરી.

ચીમનભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ (17–7–1973થી 9–2–1974 તથા 4–3–1990થી 17–2–1994) તેમનામાં કાર્ય કરવાની ધગશ, વ્યવસ્થાશક્તિ અને પરિશ્રમશીલતા જેવા ગુણો હતા. તેઓ કૉંગ્રેસની સ્વરાજ પછીની નૂતન પેઢીના પ્રતીક હતા. જોકે તેમના શાસન સામે કૉંગ્રેસ પક્ષના સ્થાનિક અસંતુષ્ટો સમસ્યારૂપ હતા. તેમણે નર્મદા યોજનાનો ઝડપી અમલ કરાવવાનો આગવો પ્રયાસ કર્યો. તેમણે 1973થી 1974ના ટૂંકા ગાળા દરમિયાન અન્નની અછતને પહોંચી વળવા અને ચીજવસ્તુઓના ભાવ ઘટાડવા કેટલાંક પગલાં લીધાં ખરાં, પરંતુ તેની કોઈ અસર ન હતી, પરિણામે અન્ન-રમખાણો થયાં અને નવનિર્માણનું આંદોલન શરૂ થયું, જેમાં સમાજના બધા જ વર્ગો જોડાઈ જતાં, વિદ્યાર્થીઓની મહત્વની ભૂમિકા, કૉંગ્રેસના અસંતુષ્ટોનો આંદોલનને ટેકો, વિરોધ પક્ષ અને અધ્યાપકોનો આંદોલનને ટેકો વગેરે કારણોસર તેમને 9મી ફેબ્રુઆરી, 1974ના રોજ રાજીનામું આપવાની ફરજ પડી.

તેમણે પુન: 4–3–1990થી જનતા દળ અને ભારતીય જનતા પક્ષની મિશ્ર સરકાર રચી, પરંતુ ભારતીય જનતા પક્ષ મિશ્ર સરકારમાંથી નીકળી જતાં તેમણે જનતા દળ (ગુજરાત) અને કૉંગ્રેસના ટેકાથી સરકાર રચી. પાછળથી તેઓ કૉંગ્રેસમાં ભળી જઈને કૉંગ્રેસની સરકારના મુખ્ય પ્રધાન બન્યા. આ ચાર વર્ષના ગાળા દરમિયાન તેમણે ‘નયા ગુજરાત’નું સ્વપ્ન સાકાર કરવા પ્રયત્નો કર્યા. અનેક વિઘ્નો છતાં નર્મદા યોજના સફળતાપૂર્વક અમલમાં મૂકવાનો પ્રયત્ન કર્યો. ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતને ભારતના નકશામાં અગત્યનું સ્થાન પ્રાપ્ત થયું. તેમનું 17–2–1994ના રોજ હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ થયું.

બાબુભાઈ જ. પટેલ
બાબુભાઈ જ. પટેલ (18–6–1975થી 12–3–1976 તથા 11–4–1977થી 17–2–1980) સમય હતો. બાબુભાઈ પટેલે ગુજરાતમાં પ્રથમ બિનકૉંગ્રેસી જનતા મોરચા સરકારની રચના કરી. તેમના સમયગાળા દરમિયાન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં આંતરિક કટોકટી જાહેર કરી. પ્રતિકૂળ સંજોગો છતાં એમણે પ્રમાણમાં સંતોષકારક કાર્ય કરી બતાવ્યું. બાબુભાઈએ સ્વચ્છ, કાર્યક્ષમ, લોકાભિમુખ વહીવટ આપવાનો સંનિષ્ઠ પ્રયત્ન કર્યો. ગ્રામવિકાસના પ્રશ્નો, આદિવાસી વિસ્તારોનો વિકાસ, જમીન ધારણ કરવાની પદ્ધતિ અંગે વિચારણા, ખેડૂતોના દેવાના પ્રશ્નોની વિચારણા, સિંચાઈ-વિસ્તરણ, લાંબા ગાળાનું વીજળીના ઉત્પાદનનું આયોજન, ઉદ્યોગોનું આયોજન, રોજગારવૃદ્ધિ, ગરીબી દૂર કરવા માટેનાં પગલાં, બંધ મિલો ચાલુ કરાવવી, પેટ્રોકેમિકલ સંકુલની સ્થાપના, બૉમ્બે હાઈના ગૅસનો હિસ્સો મેળવવો, ક્રૂડ ઑઇલની ન્યાયી રૉયલ્ટી, વિકેન્દ્રિત ઉદ્યોગો, માતૃભાષામાં વહીવટ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ, લોકપાલ-લોકાયુક્તની નિમણૂક વગેરે પ્રશ્નોનો ઉકેલ લાવવાના તેમણે સંનિષ્ઠ પ્રયત્નો કર્યા. તેમણે ગરીબી દૂર કરવા અંત્યોદય યોજના દાખલ કરી. દેવાદાર ખેડૂતો માટે રૂ. 66 કરોડની રાહત જાહેર કરી.

માધવસિંહ સોલંકી
માધવસિંહ સોલંકી (25–12–1976થી 11–4–1977, 6–6–1980થી 6–7–1985 તથા 10–12–1989થી 3–3–1990) માધવસિંહ સોલંકીની સરકારને રાજકીય અને કુદરતી બંને ક્ષેત્રે આપત્તિઓનો સામનો કરવો પડ્યો, છતાં રાજ્યના વિકાસની કેડીને એ આગળ ધપાવી શક્યા. તેમના શાસન દરમિયાન ઉદ્યોગ, શિક્ષણ, પછાત વર્ગનો ઉત્કર્ષ, વીજળી, સિંચાઈ વગેરે ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઈ. પછાત વર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની નવીન પદ્ધતિ દાખલ કરી. ખેતમજૂરોના દૈનિક વેતનમાં વધારો કર્યો તેમજ લઘુતમ વેતનના અમલને અગ્રતાક્રમ આપ્યો. ‘રૂરલ લેબર કમિશનર’ની જગા ઊભી કરવામાં આવી. તેમના સમય દરમિયાન નર્મદા યોજનાને પૂર્ણ કરવા વિશ્વબૅંક પાસેથી પ્રથમ તબક્કાની રૂ. 500 કરોડની લોન પ્રાપ્ત થઈ. સરદાર સરોવરના બાંધકામનું કાર્ય શરૂ થયું તેમજ હાઇડ્રો-ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન અને મુખ્ય નહેરનાં બાંધકામ પણ શરૂ થયાં. ઔદ્યોગિક અને આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સધાયો. ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત આઠમા સ્થાનેથી દ્વિતીય સ્થાને આવી શક્યું. ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર જેવા ખાતરના વિશાળ કારખાનાનો પ્રારંભ થયો. તેમણે પ્રાથમિક શાળાનાં 50 લાખ બાળકો માટે રૂ. 110 કરોડના ખર્ચે મધ્યાહન ભોજન યોજના શરૂ કરી. યુનિવર્સિટી કક્ષા સુધી કન્યાકેળવણી મફત કરીને સરકારે કન્યાકેળવણીને પ્રોત્સાહન આપવાનું અગત્યનું પગલું ભર્યું.

એમના સમય દરમિયાન રાજ્યની સ્થિરતાને નુકસાન કરે તેવાં કાર્યો પણ થયાં. તેમણે મૂકેલી ‘ખામ’ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ) યોજનાને કારણે ગુજરાતમાં પ્રથમ વખત ઉચ્ચ જ્ઞાતિ અને નિમ્ન જ્ઞાતિ એવા ભેદ પડ્યા. જ્ઞાતિવાદે વિકૃત સ્વરૂપ ધારણ કર્યું અને ગુજરાતની સ્થિરતા જોખમાઈ, વહીવટી તંત્રમાં અનામત અને રોસ્ટર પ્રથાને કારણે કર્મચારીઓમાં ભાગલા પડ્યા અને વહીવટી તંત્રની કાર્યક્ષમતા તેમજ કાર્યોત્સાહમાં ઘટાડો થયો. અનામત આંદોલનને કારણે 6 જુલાઈ, 1985ના રોજ તેમને રાજીનામું આપવાની ફરજ પડી.

અમરસિંહ ચૌધરી
અમરસિંહ ચૌધરી (6–7–1985થી 9–12–1989) : અમરસિંહ ચૌધરી ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્ય પ્રધાન બન્યા. તેમણે તેમના શાસનકાળ દરમિયાન સમાધાનકારી વલણ અપનાવ્યું. પરિણામે તેમની સમક્ષ નહિવત્ પડકારો રહ્યા. તેમણે પછાત જાતિના ઉત્કર્ષ માટે ભગીરથ પ્રયત્ન કર્યો. તેમણે ગુજરાતના કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસકૂચ જાળવી રાખવા યથાશક્તિ પ્રયત્ન કર્યા.

છબીલદાસ મહેતા –
કૉંગ્રેસ પક્ષના નેતા છબીલદાસ મહેતા 17–2–94થી 13–3–95 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા.
21–10–95થી 18–9–96 સુધી સુરેશચંદ્ર મહેતા ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. 18–9–96થી 4–3–98 દરમિયાન શંકરસિંહ વાઘેલા રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. તેમણે ગુજરાતની અસ્મિતા બાબતે વિશેષ રસ દાખવ્યો. શંકરસિંહ વાઘેલાના કાર્યકાળ પછી દિલીપભાઈ પરીખ 28–10–97થી 4–3–98 સુધી મુખ્યમંત્રી રહ્યા.

કેશુભાઈ પટેલ –
કેશુભાઈ પટેલ (15–3–95થી 21–10–95 અને ફરી 4–3–98થી 7–10–2001) : મુખ્યમંત્રી તરીકે બીજી વાર કાર્યભાર સંભાળનાર આ નેતા ગુજરાતના 14મા મુખ્યમંત્રી હતા. સાર્વજનિક જાહેર જીવનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અદના સેવક તરીકે તેમણે પ્રવેશ કરેલો. 1975માં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વાર ચૂંટાઈ આવ્યા અને તે પછી તેઓ સતત વિજયી બનતા આવ્યા હતા. આ સમગ્ર કારકિર્દી દરમિયાન તેઓ ખેતી અને સિંચાઈ મંત્રી, જાહેર બાંધકામ મંત્રી, નર્મદા, જળસંપત્તિ, વાહનવ્યવહાર અને બંદરો જેવાં ખાતાંઓના મંત્રી રહ્યા હતા. 26 ઑક્ટોબર, 1990થી 31 માર્ચ, 1995 સુધી તેઓ વિરોધપક્ષના નેતા રહ્યા હતા. દસમી વિધાનસભામાં ભારતીય જનતા પક્ષને સ્પષ્ટ જનાદેશ મળતાં તેઓ મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ માર્ચ 1998થી ફરી વાર તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર ગ્રહણ કર્યો. તેઓ ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ હતા. ગરીબી રેખા નીચેની વ્યક્તિઓના ઉત્કર્ષ માટે તેમણે ગોકુળગામ યોજના શરૂ કરી હતી. તો બીજી તરફ ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજીના વિકાસમાં ગુજરાત આગળ વધે તે માટે ‘ગુજરાત ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી’ની નીતિની તેમણે જ જાહેરાત કરી હતી. આ નીતિ અન્વયે 1998માં ગુજરાત રાજ્યના સ્થાપનાદિનથી ઇન્ટરનેટ વેબસાઇટનો પ્રારંભ કરાવ્યો તથા 2 ફેબ્રુઆરી, 1999ના રોજ ગાંધીનગર ખાતે હાઇટેક ઇન્ફોસિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો. આમ ગુજરાત ઝડપથી ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજીના યુગમાં પ્રવેશે તે માટે તેઓ આતુર હતા.

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી (7–10–2001થી 22–5–2014) : ભાજપના સફળ સંગઠનકાર, અગ્રણી કાર્યકર, પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી અને ચૂંટણી-વ્યૂહરચનાકારની બાહોશી ધરાવતા હતા. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો કાર્યભાર સોંપવામાં આવ્યો. તેઓ ગુજરાત રાજ્યના સૌથી નાની વયના મુખ્યમંત્રી હતા. 1995ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 121 બેઠકો સાથે બે તૃતીયાંશ બહુમતી મેળવી ભાજપને સત્તારૂઢ રાખવામાં તેમનું પ્રદાન છે. આ જ વર્ષે યોજાયેલી નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ 85 % બેઠકો મેળવી પ્રચંડ બહુમતી હાંસલ કરી તેમણે ચૂંટણી-વ્યૂહરચનાકારની તેમની ઓળખને સાચી સાબિત કરી. જૈવ પ્રૌદ્યોગિકી બાયૉટૅક્નૉલૉજીનું અલગ મંત્રાલય રચવાનો નિર્ણય કરનાર તેઓ પહેલા મુખ્યમંત્રી છે.

27 ફેબ્રુઆરી 2002ના ગોધરા રેલવે સ્ટેશન ખાતે ભાજપના કારસેવકોને જીવતા જલાવી દેવાના ગોઝારા બનાવને કારણે રાષ્ટ્રીય કક્ષાએ ધૂંધળી છબી ધરાવવા છતાં ઉપર્યુક્ત ઘટના પૂર્વે જ તેઓ ચૌદ હજાર કરતાં વધુ મતોની સરસાઈથી રાજકોટ–2 મતદારવિસ્તારમાંથી વિધાનસભ્ય તરીકે ચૂંટાયેલા. નર્મદા નદી પરના સરદાર સરોવર બંધની ઊંચાઈ 110.64 મીટરથી વધારીને 121.92 મીટરે લઈ જવા માટેની મંજૂરી મેળવી.

2001માં પ્રથમવાર મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા બાદ તેઓ 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણીઓમાં વિજયી બનીને મુખ્યમંત્રી પદે ચાલુ રહ્યા. 2012ની ચૂંટણીમાં પણ તેઓ વિજયી ઉમેદવાર જાહેર થયા હતા. સમગ્ર રીતે જોતા તેમને મુખ્યમંત્રી તરીકે બાર વર્ષનો વિક્રમસર્જક શાસનકાળ પ્રાપ્ત થયો છે. (માધવસિંહ સોલંકી છ વર્ષનો શાસનકાળ ધરાવતા હતા.) એ સિવાય ગુજરાતના અન્ય મુખ્યમંત્રીઓ પાંચ વર્ષ પૂરાં કરી શક્યા નથી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત બાર વર્ષ સુધી આ હોદ્દા પર રહેલા તેઓ નોંધપાત્ર મુખ્યમંત્રી છે.

આનંદીબહેન પટેલ
આનંદીબહેન પટેલ (22–5–2014થી 7–8–2017) : ગુજરાત રાજ્યનાં 15મા મુખ્યમંત્રી તેમજ રાજ્યના સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી. આ હોદ્દો અધિકૃત રીતે ધારણ કર્યો. શિક્ષણ ક્ષેત્રે લાંબી કારર્કિદી તેઓ ધરાવે છે. સાથોસાથ ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે કામ કરતાં હતાં. 1994માં રાજ્યસભા સભ્ય બનીને જાહેર જીવનમાં પ્રવેશ્યાં. 1998માં ગુજરાત રાજ્યની વિધાનસભામાં ચૂંટાઈને તેમણે ક્રમશ: માંડલ, પાટણ અને ઘાટલોડિયા મત વિસ્તારોનું પ્રતિનિધિત્વ કર્યું. 2007થી ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં તેઓ જોડાયાં અને કેબિનેટ મંત્રી તરીકે પણ કામ કર્યું. 2017માં વય નિવૃત્તિ લેવાનું પસંદ કરતાં તેમણે રાજ્યના મુખ્યમંત્રી પદના હોદ્દા પરથી રાજીનામુ મૂક્યું.

વિજય રૂપાણી
વિજય રૂપાણી (7–8–2017થી) : રંગૂન (મ્યાનમાર) ખાતે જન્મેલા વિજય રૂપાણી રાજકોટના વતની છે અને 1960થી રાજકોટ આવી અહીં સ્થિર થયા હતા. આનંદીબહેન પટેલના અનુગામી તરીકે 7 ઑગસ્ટ, 2017થી તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે.

પ્રારંભે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને પછી જનસંઘમાં સક્રિય હતા. પછીથી સંઘના પ્રચારક બનવા ઉપરાંત ભાજપમાં જોડાયા. આ સક્રિયતા બાદ તેઓ જાહેરજીવન સક્રિય બન્યા અને રાજકોટ મહાનગરપાલિકાના કાઉન્સેલર બન્યા. વધુમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર પદે કામગીરી કરી ઉત્તરોત્તર નવા સોપાનો પર આગળ વધતા રહ્યા. 2006-07માં રાજ્યસભામાં તેમણે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું. ડિસેમ્બર, 2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં રાજકોટપશ્ચિમ મતવિસ્તારમાંથી વિજેતા બનીને તેમણે રાજ્યકક્ષાની કામગીરી હાથ ધરી. સૌરાષ્ટ્રનર્મદા અવતરણ સિંચાઈ યોજના, 55 શહેરોમાં નિ:શુલ્ક વાઈફાઈ અને આરોગ્ય સેતુ જેવા કાર્યક્રમો દ્વારા તેઓ ગુજરાતના વિકાસમાં સક્રિય છે.

રાષ્ટ્રપતિશાસન : ગુજરાતમાં લોકપ્રિય સરકારોની સાથોસાથ રાજકીય કટોકટીને કારણે ચાર વખત રાષ્ટ્રપતિશાસન લદાયાં છે. 1994 સુધીમાં 1083 દિવસો સુધી ગુજરાત રાષ્ટ્રપતિશાસન હેઠળ રહ્યું છે. તા. 13–5–1971ના રોજ પ્રથમ વખત રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું ત્યારે રાજ્યપાલ તરીકે શ્રીમન્નારાયણ હતા. તેનો અંત 17–3–1972ના રોજ આવ્યો. બીજી વખત 9–2–1974ના રોજ કે. કે. વિશ્વનાથનના રાજ્યપાલપદ દરમિયાન રાષ્ટ્રપતિશાસન સ્થપાયું. તે એક વર્ષ, ચાર મહિના અને નવ દિવસ રહ્યું. એમના જ શાસન દરમિયાન ગુજરાતમાં ત્રીજી વખત 12–3–1976ના રોજ રાષ્ટ્રપતિશાસન સ્થપાયું. તેમણે 9 મહિના અને 12 દિવસ શાસન કર્યું, જ્યારે ચોથી વખત 17–2–1980ના રોજ શ્રીમતી શારદા મુખરજીના રાજ્યપાલપદે રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું. તે 6–6–1980 સુધી રહ્યું. 19–9–1996માં સુરેશચંદ્ર મહેતાની સરકારને બરતરફ કરી રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું હતું. ઉપર્યુક્ત પ્રજાકીય ચૂંટાયેલી સરકારો અને રાજ્યપાલનાં શાસનોનું મૂલ્યાંકન કરતાં કહી શકાય કે ગુજરાતનું જાહેર જીવન શાંત, નિરુપદ્રવી અને સ્થિર ગણાતું હોવા છતાં માત્ર એક જ સરકાર તેની પાંચ વર્ષની મુદત પૂરી કરી શકી હતી. ગુજરાતમાં રાજ્યપાલોનાં શાસન પણ સાવ તેજહીન કે પ્રભાવહીન રહ્યાં નથી.