નમસ્તે ટ્રમ્પમાં 1 લાખ લોકો અમદાવાદમાં ભેગા કરતાં કોરોના વધું ફેલાયો

અમદાવાદ, 7 મે 2020

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભીડ એકત્રિત થવાથી કોમ્યુનીટી ટ્રાન્સમીશન વધવાના સંજોગો ઉભા થયા હતા. ગુજરાતમાં કોરોના વાયરસ પ્રવેશવાની શરુઆત થઇ હતી. જેના કારણે આજે સમગ્ર ગુજરાત કોરોનાના ભરડામાં આવી ગયું છે. આ અજાણતા થયેલી ભૂલ નથી, ગુનાઈત નિષ્કાળજી છે. તેમ કોંગ્રેસે જણાવ્યું છે.

સમગ્ર વિશ્વ અને ભારત દેશ કોરોના વાયરસનો સામનો કરી રહ્યો છે ત્યારે ગુજરાતમાં મોટી સંખ્યામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જેની પાછળ જવાબદાર કારણો વિશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ ફેસબુક લાઈવ દ્વારા પ્રેસ મિડિયા અને પ્રજાજનો સાથે ચર્ચા કરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ‘કોરોના વાયરસ મહામારીને કારણે સમગ્ર ગુજરાત, ભારત દેશ અને વિશ્વ હેરાન -પરેશાન છે અને આર્થિક પાયમાલીનો ભોગ બન્યા છે. ૩૦ જાન્યુઆરીએ WHO એ પણ ઇન્ટરનેશનલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી હતી. અમેરિકાએ પણ ૩૧ જાન્યુઆરીએ પોતાના દેશમાં હેલ્થ ઈમરજન્સી જાહેર કરી હતી.

જાન્યુઆરીની શરૂઆતમાં જ WHO ની સુચનાથી કોરોના વાયરસ (COVID-19)ની ગંભીરતા, તીવ્રતા અને આવનાર સમયમાં પડનારી અસરો અંગે માહિતી હતી. ૭ ફેબ્રુઆરીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી દ્વારા સંસદમાં પણ આ અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. WHO ની હેલ્થ એડવાઈઝરીમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, ”આ વાયરસ માનવથી માનવને ફેલાય છે. એકબીજાના સંપર્કમાં આવવાથી કોરોના સંક્રમણ થાય છે. એટલે કોઈ જગ્યાએ સામુહિક મેળાવડા ના કરવા. કોમ્યુનીટી ટ્રાન્સમિશન થાય તેવા કાર્યક્રમો ના કરવા. દવા ના શોધાઈ હોવાથી રોગને પ્રસરતો અટકાવવા સાવચેતીના પગલા લેવા.”

સમગ્ર દુનિયાને WHO એ તેની ગંભીરતા વિશે ચેતવી તેમ જાણવા છતાં ભારત સરકારે રાજકીય લાભ માટે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું મોટાપાયે આયોજન કર્યું હતું.   રાતોરાત અમદાવાદના મેયરના અધ્યક્ષ પદે ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિની રચના કરી હતી. ગુજરાત ક્રિકેટ એસોસિએસને સ્ટેડીયમની વ્યવસ્થા આપી હતી. ગુજરાત સરકારે તમામ જાતની મંજૂરીઓ આપી હતી. 100 કરોડ રૂપિયા કરતા વધારે ખર્ચ કર્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત તેમની સુરક્ષાની ટીમો, પત્રકારો, વેપારી- રાજકીય ડેલીગેશનો તેમજ મોટી સંખ્યામાં વિદેશથી લોકો અમદાવાદમાં તે સમયે આવ્યા હતા. WHOની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરીને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

સમગ્ર ગુજરાતમાંથી બસોમાં લોકોને ભરીને અમદાવાદના સ્ટેડીયમમાં એક લાખ કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી સ્ટેડીયમના રૂટ પર પણ મોટી સંખ્યામાં અભિવાદન માટે લોકોને રોડ પર ઉભા રાખવામાં આવ્યા હતા.

ગુજરાતમાં 400 કરતા વધારે લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. 6 હજાર જેટલા કોરોના પોઝીટીવ કેસો છે. જેમના માટે હોસ્પિટલ, દવા કે પૂરતા સંસાધનોની કોઈ વ્યવસ્થા પણ નથી. લોકડાઉનને કારણે આર્થિક પાયમાલીનો ભોગ સૌ કોઈ બન્યા છે. અર્થતંત્ર પડી ભાંગ્યું છે.  પરપ્રાંતના લોકો વતન જવા સંઘર્ષ કરી રહ્યા છે. ખેતીમાં નુકસાની થઇ રહી છે.

જેની પાછળ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ જવાબદાર છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને કારણે થયેલા કોમ્યુનીટી ટ્રાન્સમિશનને લીધે અમદાવાદ અને ગુજરાતમાં વકરેલી કોરોના સંક્રમણની પરિસ્થિતિ અને તમામ પાસાઓની ન્યાયિક તપાસ કરો.

ગુજરાત કોંગ્રેસ તપાસ માટે હાઈકોર્ટ સમક્ષ રીટ પીટીશન કરવામાં આવશે. નિષ્ણાંત અને તટસ્થ લોકોની SIT બનાવી સમગ્ર બાબતની તપાસની માંગણી કરવામાં આવશે.

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને કારણે પ્રજાને મુશ્કેલીમાં મુકનાર ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિ, ગુજરાત ક્રિકેટ એસોસીએશન અને ગુજરાત સરકારની જે ગુનાઈત નિષ્કાળજીની દેખીતી અસરોના સિદ્ધાંતને આધાર લઇ હાઈકોર્ટમાં રીટ પીટીશન કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવશે.