અમદાવાદ સ્માર્ટ સિટીમાં રૂ.1 હજાર કરોડનો ભ્રષ્ટાચાર

Corruption of Rs.1 thousand crore in Ahmedabad Smart City

અમદાવાદ સ્માર્ટ સીટી કંપની અને અમદાવાદ શહેર પોલીસ ભેગા મળીને અમદાવાદ શહેરમાં ૬,૦૦૦ સીસીટીવી કેમેરા લગાડવાનો પ્રોજેકટ મુક્યો હતો. રૂ.૩૮૭ કરોડનો પ્રોજેક્ટ છે પણ આ પ્રોજેક્ટમાં હજુ ૩૦૦૦ કેમેરા લાગ્યા છે. આ પૈકી કેટલા કેમેરા કાર્યરત છે. તેની માહિતી અધિકારીઓ પાસે નથી.

જમાલપુર બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ સ્માર્ટ સિટીની શનિવારે યોજાયેલી બેઠકમાં રજુઆત કરી હતી કે, આ તમામ કેમેરા ક્યારે કાર્યરત થશે તો તેનો કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. છેલ્લા બે વર્ષથી રૂ.૪૮૯ કરોડના ખર્ચે રાણીપમાં ઇન્ટરમોડેલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની વાતો થાય છે તે અંગે પુચ્છા કરતા હજુ ટેન્ડરના ઠેકાણા પડ્યા નથી.

આ ઉપરાંત શહેરમાં સ્માર્ટ વોટર એટીએમ મુકવાની જાહેરાત કરી હતી. બે વર્ષમાં ૨૫ની જગ્યાએ ૧ વોટર એટીએમ શરૂ થઈ શક્યું છે.. ૧૨૦ જગ્યાએ સ્માર્ટ ટોયલેટ બનાવવાના બણગાં ફૂંકાયા હતા બે વર્ષમાં ૨ સ્માર્ટ ટોયલેટ માંડ બન્યા છે.

ઉપરાંત રૂ.૫૦૦ કરોડથી વધૂનો વાડજ સ્લમ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ધાંધિયા ચાલી રહ્યા છે. ઓગસ્ટ ૨૦૧૬માં વર્ક ઓર્ડર અપાયો છે પણ એક મકાન ઉભું થયું નથી. સ્થાનિકો રાજી નથી. હજુ સુધી એક મકાન બન્યું નથી. ખોટી માહિતી અપાઈ રહી છે. આ સિવાય મેયરનું સૂચન હતું કે, દોઢ વર્ષથી તેમણે રજુઆત કરી કે, માણેકચોકમાં એક સ્માર્ટ ટોયલેટ બનાવો તો દોઢ વર્ષથી બનાવી રહ્યા નથી.

ખેડાવાલાએ વધુમાં જણાવ્યું કે, અમદાવાદ સ્માર્ટ સીટી કંપની માત્ર અધિકારીઓએ સ્માર્ટ ભ્રષ્ટાચાર માટે બનાવી છે. આ કંપનીમાં અમદાવાદના નાગરિકોના રૂપિયા છે. કેન્દ્ર સરકારની ગ્રાન્ટ છે પણ અધિકારીઓ આ સ્માર્ટ સિટીના ૧,૦૦૦ કરોડથી વધૂના કામોની દરખાસ્ત આજદિન સુધી સ્ટેન્ડિંગ કમિટી કે સામાન્ય સભામાં મુકી નથી.. આ નરી આંખે જોઈ શકાય તેવો ભ્રષ્ટાચાર છે..

મોટા ભાગના કામો વિલંબથી ચાલી રહ્યા છે છતાં કોઈ કોન્ટ્રાકટરને પેનલ્ટી કરાતી નથી. કરોડો રૂપિયાના પ્રોજેક્ટ સક્ષમ સત્તાની મંજૂરી વિના બારોબાર આપી દેવાય છે. કામો લટકેલા છે. આ કરોડો રૂપિયાના ખર્ચે અમદાવાદને સ્માર્ટ સીટી બનાવવાનું કહી માત્ર સ્માર્ટ કરપ્શન કરાઇ રહ્યું છે. આ તમામ કામોની વિજિલન્સ તપાસ થાય તો ગેરરીતિઓ અને સત્તાના દુરુપયોગની કેટલીય હકીકતો સામે આવશે.. આ અંગે સ્માર્ટ સીટી બેઠકમાં ઉગ્ર રજુઆત કરી હતી.