બોટાદ જિલ્લાની તમામ ચેકપોસ્ટ ખાતેના આરોગ્યકર્મી તથા પોલીસ કર્મીઓને આ એપ્લિકેશન મારફત માહિતી લેવા સૂચના અપાઇ , જિલ્લામાં પ્રવેશતા લોકોનું થશે ડીજીટલ ટ્રેકિંગ
બોટાદ, 9 મે 2020
વિશ્વમાં પ્રસરેલા કોરોના મહામારીને ફેલાતી અટકાવવા બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
બોટાદ જિલ્લાની હદમાં પ્રવેશ થતા મુસાફરોની તમામ વિગતો સાથેની માહિતી ડીજીટલ સ્વરૂપે સંગ્રહ કરવા મોબાઈ એપ બનાવવામાં આવી છે. આવનાર લોકો મારફતે કોરોના સંક્રમણ ફેલાય તો તેમને ટ્રેક કરવામાં સરળતા રહે તે માટે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘‘ ગેટ વે આફ બોટાદ’’ નામની એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.
એપ્લિકેશન સરહદ પર આવેલી સાત ચેક પોસ્ટ પર ફરજ પરના કર્મચારીને આપવામાં આવેલ છે. બીજા જિલ્લામાંથી પ્રવેશ કરનાર વ્યક્તિ જ્યારે જિલ્લા ચેકપોસ્ટ પર આવી પહોંચે ત્યારે ત્યાં જ તેમની પરમિશન વાહન નંબર મુસાફરોની વિગત તથા તેમના હેલ્થ સર્ટિફિકેટની ચકાસણી કરી તે તમામ વિગતોની એન્ટ્રી આ એપ્લિકેશનમાં કરવામાં આવશે.
આ ઉપરાંત એન્ટ્રી સમયે તે વ્યક્તિનું સ્વાસ્થ્ય કેવું છે ? તેણે આરોગ્ય શેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરેલ છે કે કેમ ? તે તમામ વિગતો પણ દાખલ કરવામાં આવશે. વાહન તમામ મુસાફરો સાથે જ્યાં જ્યાંથી પસાર થશે તે તમામ સ્થળોએ આ એપ્લિકેશન મારફતે ચેકિંગ થશે. ચેકપોસ્ટ પર એક જ પ્રકારની કામગીરી નિવારી શકાશે. આ એપ્લિકેશનના ઉપયોગ થકી તમામ વિગતો લોગઇન રાઇટ ધરવતા અધિકારી કે કર્મચારી ગમે તે સ્થળે જોઇ શકશે અને ઝડપથી વાહનો તથા મુસાફરોની ખરાઇ શક્ય બનશે.
એપ્લીકેશન તૈયાર કરી જિલ્લામાં આવતા વ્યક્તિઓની સચોટ માહિતી તંત્રને મળશે. જેના થકી તેઓને કવોરન્ટાઇન કરવા,તેઓના આરોગ્યની સ્થિતિનો રોજે રોજ ફોલો અપ સરળ બનશે.