મજૂરોના કલ્યાણ માટે રાખેલા કરોડો રૂપિયા રૂપાણીએ માર્ગ અને મકાન વિભાગને આપી દીધા – મજૂરોના સંગઠનોનો વિરોધ

રાજ્યમાં નોંધાયેલા આદિવાસી બાંધકામ શ્રમિકો માટે ગુજરાત આત્મ નિર્ભર પેકેજ યોજના હેઠળ આવાસ સબસીડી આપવાની યોજનામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અલાયદી નાણાકીય જોગવાઈ કરીને તે માટેની ગ્રાન્ટ કમિશ્નરશ્રી,ગ્રામ વિકાસ ના હવાલે મુકવાના ઠરાવ બાબતે. વાંધો છે.

રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તારીખ ૧૪-૮-૨૦૨૦ ના રોજ ઠરાવ ક્રમાંક સીઆરડી/પીએમવાય/૨૦૧૯-૨૦/૨૫૭૮૧૪/ખ-૨ માં જણાવવામાં આવેલ છે કે, રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૪૦૨૨.૨૬ કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત રાજ્યના આદિવાસી ખેત મજૂરો આદિવાસી બાંધકામ શ્રમિકોને પોતાના આવાસમાં જરૂરી સમારકામ/વિસ્તરણ માટે લાભાર્થીદીઠ રૂ. ૩૫૦૦૦/- આવાસ સબસીડી મજુર કરવાની યોજના અમલમાં મુવામાં આવેલ છે. આ યોજના હેઠળ ૧.૦૦ લાખ લાભાર્થીઓને આવરી લઇ કુલ રૂ.૩૫૦ કરોડની ફાળવણી આત્મનિર્ભર પેકેજના ભાગરૂપે મંજુર કરવામાં આવી છે.

આ ઠરાવના પેરા નંબર ૬ (iii) માં જણાવ્યા મુજબ લાભાર્થીઓ જો નોંધાયેલ બાંધકામ શ્રમિક હોય તો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સબસીડીની સહાયની ચુકવણી માટે અલાયદી નાણાકીય જોગવાઈ કરવાની રહેશે અને તે માટેની ગ્રાન્ટ કમિશ્નરશ્રી, ગ્રામ વિકાસને હવાલે મુકવાની રહેશે.

બોર્ડ નોંધાયેલા આદિવાસી બાંધકામ શ્રમિકોની ગણતરી કરીને રૂપિયા ૩૫૦૦૦/- લેખે ગ્રામ વિકાસ કમિશ્નરને અગાઉથી ગ્રાન્ટ ચૂકવી દેશે અને ત્યારબાદ પેરા નંબર(iv) મુજબ લાભાર્થીઓને સહાયની ચુકવણી ચાલુ નાણાકીય વર્ષમાં કરવાની હોય ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ની પદ્ધતિ માફક જરૂરિયાત મુજબની ગ્રાન્ટ નિયામક શ્રી , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને હવાલે મુકવાની રહેશે.

પેરા નંબર (v) મુજબ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જરૂરિયાત મુજબની ગ્રાન્ટ સબંધિત તાલુકા વિકાસ અધિકારીશ્રીને આપવાની રહેશે. અને છેલ્લે તાલુકા વિકાસ અધિકારી સહાયની ચુકવણી આખરી પસંદ કરેલ લાભાર્થીને DBT/ RTGS થી કરવાની રહેશે.

અમો ઉપરોક્ત બાબતે નીચે મુજબના મુદ્દાઓ તરફ આપનું ધ્યાન આકર્ષિત કરવા માંગીએ છીએ.

૧, ઉપરોક્ત યોજના હેઠળ ૧.૦૦ લાખ લાભાર્થીઓને આવરી લઇ કુલ રૂ.૩૫૦ કરોડની ફાળવણી કરેલ છે. આ યોજના આવકાર્ય છે પણ રાજ્ય સરકારની આવાસની રૂપિયા ૩૫૦૦૦/- ની સબસીડી રાજ્યના આદિવાસી ખેત મજૂરો અને આદિવાસી બાંધકામ શ્રમિકોને માટે જ માર્યાદિત હોય તો આ નાણા રાજ્ય સરકારે પોતાના કોન્સોલિડેટેડ ફંડ માંથી ફાળવવા જોઈએ, આદિજાતિ વિકાસ વિભાગના Tribal Sub Plan માંથી બજેટ ફાળવવું જોઈએ.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ પાસેથી આ નાણા ગ્રાન્ટ તરીકે લેવા જોઈએ નહિ, કારણ કે ‘ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’ એ રાજ્ય સરકારની ફંડીંગ એજન્સી નથી.

‘ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’ એ BOCW Act-1996 ની કલમ -18 રચાયેલું સ્વાયત બોર્ડ છે. બોર્ડ પાસે એકત્રિત થયેલ કલ્યાણ ભંડોળ એ રાજ્ય સરકારની રેવન્યુ આવક નથી તેથી રાજ્ય સરકારને બોર્ડનું કલ્યાણ ભંડોળ વાપરવાનો કોઈ અધિકાર મળતો નથી.

૨, BOCW Act-1996 ની કલમ -૨૨ હેઠળ બોર્ડને જે કાર્યો કરવાની સત્તા મળેલ છે તેમાં કલમ -૨૨(૩) મુજબ શરતોને આધીન સ્થાનિક સત્તા મંડળ અને નોકરી દાતાને લોન અને સબસીડી આપવાની માત્ર જોગવાઈ છે પરંતુ બાંધકામ શ્રમિકોનું કલ્યાણ ભંડોળ રાજ્ય સરકારના કોઈ વિભાગને તબદીલ કરવાની જોગવાઈ નથી.

આથી આદિવાસી બાંધકામ શ્રમિકોને આવાસ માટે સબસીડી આપવાને નામે ‘બાંધકામ શ્રમયોગી કલ્યાણ ભંડોળ’ માંથી રાજ્ય સરકારના આદેશ અનુસાર નક્કી કરાયેલ રકમ ગ્રાન્ટ તરીકે નિયામક શ્રી , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને હવાલે મુકવાનું પગલું BOCW Act-1996 ની કલમ -૨૨ નું ઉલ્લંઘન છે.

૩, BOCW Act -1996 ની કલમ -૧૧ માં સ્પષ્ટ જોગવાઈ છે કે આ કાયદા હેઠળ નોંધાયેલા દરેક લાભાર્થી બાંધકામ શ્રમયોગી બોર્ડ તેના ફંડમાંથી પુરા પડે તે લાભ મેળવવા હકદાર છે. આથી ‘ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’ માં નોંધાયેલા દરેક લાભાર્થી શ્રમયોગીને રૂપિયા ૩૫૦૦૦ /- ની આવાસ સબસીડી મળવી જોઈએ. બોર્ડ તેના સભ્યો માટે ભેદભાવ દાખવી શકે નહિ.

૪, રાજ્ય સરકારના નાણા મંત્રીશ્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ ની બજેટ સ્પીચમાં બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમયોગીઓને પોતાનું મકાન બનાવવા માટે દર વર્ષે રૂપિયા ૨૦૦૦૦/- ની સબસીડી પાંચ વર્ષ સુધી આપવાનું જાહેર કરેલ હતું. તો આ યોજના હવે બંધ કરીને ગુજરાત સરકાર આ નાણા આત્મ નિર્ભર પકેજ યોજનામાં ડાયવર્ટ કરી રહી છે ? શ્રમ અને રોજગાર વિભાગ અને બોર્ડ આ બાબતે ખુલાસો કરે તે જરૂરી છે.

૫, અગાઉ રાજ્ય સરકારે તારીખ ૧૮-૪-૨૦૨૦ ના ઠરાવથી બોર્ડમાં નોંધાયેલા ૬.૩૮ લાખ બાંધકામ શ્રમયોગીઓને પ્રતિ કુટુંબ દીઠ રૂપિયા ૧૦૦૦/- DBT થી સંબંધિતોના બેંક એકાઉન્ટમાં જમા કરવા માટે ગરીબ કલ્યાણ પેકેજ યોજના હેઠળ અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રા.બ. વિભાગને બોર્ડના કલ્યાણ ભંડોળમાંથી રૂપિયા ૨૫૦ કરોડ તબદીલ કરવામાં આવેલા છે. આજે પાંચ મહિના વીતી ગયા પછી આશરે ૧ લાખથી વધુ શ્રમિકો એક હજારની સહાયથી વંચિત છે. બોર્ડે રૂપિયા ૨૫૦ કરોડનો હિસાબ રાજ્યના શ્રમિકો સમક્ષ રજુ કયો નથી.

આથી અમારી માગણી છે કે રાજ્ય સરકાર બોર્ડનું કલ્યાણ ભંડોળ ડાયવર્ટ કરવાનું બંધ કરે અને બોર્ડ પોતે તેમના વહીવટીતંત્ર દ્વારા જે રીતે શિક્ષણ સહાય યોજના, પ્રસુતિ સહાય યોજના, નાનાજી `દેશમુખ આવાસ ઓજના, અંત્યેષ્ટિ યોજના વિગેરે યોજનાઓનું અમલીકરણ કરી રહી છે તે રીતે આવાસ યોજનાની સબસીડી યોજનાનું અમલીકરણ કરે.

અમારી ઉપરોક્ત રજુઆતોને ધ્યાન ઉપર લઈ ઘટતા પગલા લેવા વિનંતી છે.

લી.

વિપુલ પંડ્યા
જનરલ સેક્રેટરી
તારીખ:૧૧-૯-૨૦૨૦

પ્રતિ,
શ્રી વિપુલ મિત્રા (IAS)
અધિક મુખ્ય સચિવશ્રી,
શ્રમ અને રોજગાર વિભાગ,
બ્લોક નં. ૫, નવા સચિવાલય,
ગાંધીનગર.

પ્રતિ,
શ્રી બી.એમ. પ્રજાપતિ (GAS)
સભ્ય સચિવશ્રી,
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ,
શ્રમ ભવન ,અમદાવાદ