અમદાવાદ, 4 માર્ચ 2020
રાજ્ય સરકારે 3 લાખ ચોરસ મીટર જમીનનું દાન અમદાવાદ મહાનગર પાલિકાને કરી દીધું છે. આ 295580 મીટર જમીન તળાવોની છે. જે હવે અમપાને આપી દેવામાં આવી છે. જોકે, તેનો હક્ક તો પ્રજાનો હતો. હવે સરકારે તેનો કબજો છોડીને અમપાને આપવાનું નક્કી કર્યું છે. જેનું બજાર મૂલ્ય ચોરસ મીટરના રૂ.50 હજાર ગણવામાં આવે તો તે રૂ1500 કરોડ થાય છે. આ જમીન સરકાર વેચી શકે તેમ ન હતી અને તેનો વિકાસ કરી શકે તેમ ન હતી તેથી તે બોજો અમપાને આપી દેવામાં આવ્યો છે.
વટવા-વાંદરવટ તળાવ, છારોડી-સરકારી તળાવ, શીલજ-સરકારી તળાવ અને ગોતા-ગામ તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે.
ભારત સરકારની જળ સંચય અભિયાનની ઉચ્ચ અધિકારીઓની ટીમના વડા કેન્દ્રીય ખાતર અને રસાયણ ખાતાના કેન્દ્રીય સંયુકત સચિવ રજનીશ ટીંગલે જળ સંચયની કામગીરી સમયસર કરવા, મોટા ગામોના ગૌચરમાંના તળાવો નિમ કરવા અને તળાવોમાં વધુને વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય, જળ સંચય થકી આસપાસની જમીનોના પાણીના તળ ઉંચા લાવવાની કામગીરીમાં ત્વરીતતા લાવવા સુચના આપી હતી.
અમદાવાદ શહેરના રાજય સરકાર હસ્તકના ૪ તળાવોનો વિકાસ કરવા માટે આ તળાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિના મૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે.
સિટી બ્યુટીફિકેશન માટે તથા આ તળાવોની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવા-ફરવા અને મનોરંજન માટેના પર્યાવરણ પ્રિય સ્પોટ તરીકે મહાનગરપાલિકા આ તળાવોનો વિકાસ કરશે.
જે તળાવો અમદાવાદ મહાનગરપાલિકાને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે તેમાં વટવાના સર્વે નંબર ૯૦૭ પરનું વાંદરવટ તળાવ, છારોડીના સર્વે નંબર ૨૫૧ પરનું સરકારી તળાવ તેમજ ગોતામાં સર્વે નંબર ૧ પરનું ગામ તળાવ અને શીલજમાં બ્લોકનં.૮૬ પરનું સરકારી તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે.
વટવાના તળાવનું ક્ષેત્રફળ ૨૮૨૨૭ ચો.મી., છારોડીનું ૪૨૫૯૩ ચો.મી., શીલજનું ૧૬૯૬૬૫ ચો.મી. અને ગોતાનું ૫૫૦૯૫ ચો.મી.ના ક્ષેત્રફળ ધરાવતા તળાવોનો સમાવેશ થાય છે.
જૂના તળાવોની સંભાળ નહીં, વધારાની જવાબદારી આવી છે.
પ્લાન્ટ નિષ્ફળ
શહેરના 16 તળાવોને 2 વર્ષ પહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાંટ સાથે જોડીને સ્વચ્છ કરવાના હતા. કમિશ્નર અને ભાજપના મેયર એક વર્ષમાં સાફ કરવામાં નિષ્ફળ રહ્યાં છે. વસ્ત્રાપુર તળાવને પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયો હતો. આ તળાવમાં રોજનું 5 લાખ લીટર પાણી ગટરનું આવે છે તેને શુદ્ધ કરવા માટે પ્લાંટ પણ મુકવામાં આવ્યો હતો જે નિષ્ફળ ગયો હતો.
200 કરોડનો ખર્ચ પાણીમાં
2007માં ભાજપનું ફંડ ભેગુ કરનારા સુરેન્દ્ર પટેલે ઔડામાં રૂ.120 કરોડનો ખર્ચ કરીને 14 તળાવોને એકબીજા સાથે 64 કિલો મીટરની પાઈપલાઈનથી જોડી દીધા છે. પેરકોલેટ વેલ લગાવવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પાસે સાબરમતી નદી છે, પરંતુ આ તળાવથી જ શહેરની રોનક રહે છે. તેને નર્મદાના પાણીથી ભરવા કરોડો રૂપિયાનું ખર્ચ કરાયું અને હવે પાણી શુદ્ધ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરાશે. નર્મદા કેનાલથી ખોરાજ તળાવ સુધી 4.50 કિલોમીટરની પાઈપલાઈન નાંખવાનું કામ શરૂ કરાશે. વસ્ત્રાપુર તળાવ છેલ્લા પાંચ વર્ષથી વધારે સમયથી ગટરનું પાણી નંખાતું હતું અથવા સૂકું હતું. નર્મદાના પાણીથી ભરવા માટે 12 તળાવો માટે પાઈપલાઈન નાંખી છે. પૂર્વમાં બીજા રૂ.80 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. આમ કૂલ રૂ.200 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
રુ.300 કરોડનો એસટીપી પ્લાન્ટ પ્રોજેકટ
રૂ.27 કરોડના 12 જેટલા એસટીપી પ્લાન્ટ નાંખવામાં આવી રહ્યાં છે. 12 કરોડનો ખર્ચ ઓપરેશન-મેઇન્ટેનન્સ પાછળ થાય છે. ઠેકો અપાય તે પહેલાં જ વસ્ત્રાપુર તળાવમાં એસટીપી પ્લાન્ટ ઊભો કરી દેવાયો છે. કૂલ રૂ.300 કરોડનો તળાવોના જોડાણનો પ્રોજેક્ટ કર્યા બાદ પણ ચોમાસામાં વરસાદી પાણી તળાવ સુધી પહોંચતા નથી ઓપરેશન-મેઇન્ટેનન્સના નામે ઠેકેદારોને ટેન્ડરમાં ઊંચા ભાવ આપીને રાજકીય નેતાઓ કટકી કરે છે. 27 કરોડના ટેન્ડર સામે કુલ ખર્ચ 15 કરોડ છે તથા ઓપરેશન-મેઇન્ટેનન્સનો ખર્ચ રૂ.12 કરોડ છે. તળાવો ગટરના ટ્રીટ પાણીથી ભરવા 300થી 500થી 1000 કેએલડી, 11 એસટીપી પ્લાન્ટ લગાવાશે. અસારવા, વસ્ત્રાલ, નરોડા, મોટેરા, શીલજ, છારોડી, ગોતા, નિકોલ, માલવ, યદુડી, સરખેજ, સૈજપુર તળાવ પર 500થી 1000 કેએલડી પ્લાન્ટ મુકવા નિર્ણય લેવાયેલ છે.