કુદરતી, આલ્કોહોલ મુક્ત સેનિટાઇઝર તૈયાર કરવામાં આવ્યું

મહારાષ્ટ્રના પૂર્ણમાં આવેલી ખાદ્ય, કૃષિ અને જૈવિક ટેકનોલોજીના ક્ષેત્રે કામ કરતી ગ્રીન પિરામિડ બાયોટેક (GPB)ને હાથ અને સપાટીઓને જંતુમુક્ત કરવા માટે લાંબો સમય ટકી શકે તેવી એન્ટિ- બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ અસર ધરાવતા કુદરતી, આલ્કોહોલ મુક્ત સેનિટાઇઝર તૈયાર કરવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

કોવિડ-19 સામે ભારતની લડાઇમાં આ સેનિટાઇઝર ખૂબ જ અસરકારક પૂરવાર થઇ શકે છે. આ બીમારી ચેપના કારણે ફેલાતી હોવાથી, તેનો ફેલાવો ઘટાડવા માટે હાથ તેમજ વારંવાર ઉપયોગમાં લેવાતી સપાટીઓ જેમ કે, ટેબલ, કોમ્પ્યૂટર, ખૂરશી, મોબાઇલ અને તાળા વગેરેની સફાઇ ખૂબ જ આવશ્યક છે. સાબુ અથવા આલ્કોહોલનો ઉપયોગ કરવાથી કોરોનાવાયરસના બાહ્ય સ્તરની ચરબી ખતમ થઇ જાય છે પરંતુ આવા સાબુ અને પાણી પૂરતા પ્રમાણમાં તૈયાર ઉપલબ્ધ થાય તે એક મોટો પડકાર છે. આલ્કોહોલ- પાણીનું મિશ્રણ સરળતાથી મળી રહે અને તેનો ઉપયોગ થઇ શકે એ પણ મુશ્કેલ છે.

ગ્રીન પિરામિડ બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલા સેનિટાઇઝર દ્રાવણમાં સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટક (API) તરીકે બાયો-સર્ફેક્ટન્ટનો ઉપયોગ કરવામં આવ્યો છે જેથી લાંબા સમય સુધી તેની એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ અસર જળવાઇ રહે છે. આથી, આ એવો વિકલ્પ છે જે ચેપનું જોખમ નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડી શકે છે. સંખ્યાબંધ પ્રકારના રોગકારક બેક્ટેરિયા, ફુગ અને યીસ્ટ સામે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ દ્રાવણ હાથ તેમજ સપાટીઓ સાફ કરવા માટે સુવિધાજનક અને અનુકૂળ રીત પૂરી પાડી શકે છે અને તે સંપૂર્ણ જૈવ-વિઘટનક્ષમ, કુદરતી અને આલ્કોહોલ મુક્ત છે. આથી, તેનો ઉપયોગ ઘા સાફ કરવા માટે અને ત્વચાની સુષ્કતા રોકવા તેમજ ત્વચાની બળતરાના નિવારણ માટે પણ થઇ શકે છે. આ ઉપરાંત, આ ઉત્પાદન માટે ત્વચા માટે બિનહાનિકારક ટેકનોલોજી અને ઘટકોનો તેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.

DSTના સચિવ પ્રોફેસર આસુતોષ શર્માએ જણાવ્યું હતું કે, “ત્વચાને જંતુરહિત કરવા માટે સાબુ અને પાણી, આલ્કોહોલ આધારિત દ્રાવણો, નેનો પાર્ટીકલ વાળા માધ્યમો વગેરે અલગ અલગ અભિગમો અપનાવવામાં આવે છે જેની તાકાત અને વપરાશ ઉપલબ્ધતા, સંદર્ભ અને સંજોગો અનુસાર હોય છે. બાયો-સર્ફેક્ટન્ટ આધારિત ડિસઇન્ફેક્ટિંગ દ્રાવણો જૈવ-વિઘટનક્ષમ, પર્યાવરણને અનુકૂળ અને ત્વચા માટે બિનહાનિકારક છે.”

ગ્રીન પિરામિડ બાયોટેક (GPB) એ પૂણે સ્થિત કંપની છે જે CSIR- નેશનલ કેમિકલ લેબોરેટરી (પૂણે)ની અંગભૂત સંસ્થા છે અને ટેકનોલોજી વિકાસ બોર્ડ (TDB), DSTની સીડ સપોર્ટ સિસ્ટમ દ્વારા તેમને ભંડોળ પૂરું પાડવામાં આવે છે. પૂણે સ્થિત ઉદ્યમશીલતા વિકાસ કેન્દ્ર (વેન્ચર સેન્ટર) દ્વારા તેનું પ્રવર્ધન કરવામાં આવે છે અને ડૉ. અસ્મીતા પ્રભૂને, માઇક્રોબાયોલોજીમાં પી.એચ.ડી. તેના આદ્યસ્થાપક તેમજ નિદેશક છે.

(વધુ વિગતો માટે સંપર્ક કરો: ડૉ. અસ્મીતા પ્રભૂને (આદ્યસ્થાપક નિદેશક) ગ્રીન પિરામિડ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ, NCL, asmita.prabhune@gmail.com Mob: 9822244149.)