આબોહવા ગુજરાતને ખેદાન મેદાન કરી રહી છે

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઘણા ખેડૂતોની જેમ ભાનુબેન ભરવાડે 2017માં પૂરને કારણે તેમની જમીન ગુમાવી દીધી હતી. આ અને વારંવાર બનતી આવી આબોહવા (પરિવર્તન) સંબંધિત ઘટનાઓને પરિણામે તેમના જેવા અનેક પરિવારો માટે ખાદ્ય સુરક્ષા અને પૌષ્ટિક આહાર દોહ્યલા બન્યા છે. વર્ષે 24 થી 27 જુલાઈ દરમિયાન પૂરના કારણે રાજ્યમાં ઓછામાં ઓછા 213 લોકોના મોત થયા હતા. અને લગભગ 11 લાખ હેક્ટર ખેતીની જમીન અને 17000 હેક્ટર બાગાયતી વિસ્તારને નુકસાન પહોંચ્યું હતું. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ના અહેવાલ મુજબ એ આ વિસ્તારમાં 112 વર્ષમાં પડેલો સૌથી વધુ વરસાદ હતો.

લેખક- પાર્થ એમ એન
તંત્રી – વીનુથા માલીયા
અનુાવદ – મૈત્રેયી યાજ્ઞિક

2010-11થી 2020-21ના દાયકામાં ગુજરાતમાં અનાજ (અનાજ અને કઠોળ)નો કુલ પાક વિસ્તાર 4.9 મિલિયન હેક્ટરથી ઘટીને 4.6 મિલિયન (49 લાખ હેક્ટરથી 46 લાખ) હેક્ટર થઈ ગયો છે. અને ચોખાના વાવેતર હેઠળના વિસ્તારમાં લગભગ 100000 હેક્ટરનો વધારો થયો હોવા છતાં આ સમયગાળામાં ઘઉં, બાજરી અને જુવાર જેવા અનાજના વાવેતર હેઠળની જમીન ઓછી થઈ હતી. બનાસકાંઠામાં, આ જિલ્લામાં સૌથી વધુ ઉગાડવામાં આવતા ધાન, બાજરીના વાવેતર હેઠળના પાક વિસ્તારમાં લગભગ 30000 હેક્ટરનો ઘટાડો થયો છે.

ગુજરાતમાં એકંદરે આ દાયકા દરમિયાન અનાજ – મુખ્યત્વે બાજરી અને ઘઉં – નું ઉત્પાદન 11 ટકા ઘટ્યું હતું, જ્યારે કઠોળના ઉત્પાદનમાં 173 ટકાનો વધારો થયો હતો.

ભાનુબેન ભરવાડે બનાસકાંઠા જિલ્લામાં તેમની 2.5 એકર ખેતીની જમીનની મુલાકાત લીધાને વરસ થઈ ગયું છે. એક સમય એવો હતો જ્યારે તેઓ અને તેમના પતિ દરરોજ ત્યાં જતા, વર્ષ દરમિયાન પોતે જે કંઈ અનાજ ખાતા તે – બાજરી, મગ અને જુવાર – ઉગાડવા. 2017માં ગુજરાતમાં આવેલા વિનાશક પૂરે તેમની જમીન બરબાદ કરી નાખી એ પહેલા આ ખેતર જ તેમના ભરણપોષણનો મુખ્ય સ્ત્રોત હતું. 35 વર્ષના ભાનુબેન કહે છે, “તે પછી અમારો ખોરાક બદલાઈ ગયો. અમે અમારા ખેતરમાં જે પાક ઉગાડતા હતા એ હવે અમારે ખરીદવાનું શરૂ કરવું પડ્યું.”

તેમની ખેતીની જમીનમાં અડધો એકરમાં બાજરી ઉગાડે તો લગભગ ચાર ક્વિન્ટલ (400 કિલો) મોતી બાજરી પાકે. આજે હવે જો તેમને એ મંડીમાંથી ખરીદવી પડે તો એટલી જ બાજરીના 10000 રુપિયા થાય. તેઓ કહે છે, “ફૂગાવાને ગણતરીમાં લઈએ તો પણ અડધા એકરમાં બાજરીની ખેતી કરવા માટેનો અમારો [ઉગાડવા પાછળ થતો] ખર્ચો બજાર દર કરતાં અડધો હશે. બીજા પાકોની બાબતમાં પણ આવું જ છે. [અમે ઉગાડતા હતા એ] દરેક પાકની (બજાર) કિંમત બમણી છે.”

ભાનુબેન, તેમના પતિ 38 વર્ષના ભોજાભાઈ અને તેમના ત્રણ બાળકો બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના તોતણા ગામમાં રહે છે. જ્યારે તેઓ તેમની જમીન ખેડતા હતા ત્યારે ભોજાભાઈ થોડીઘણી આવક થાય એ માટે સાથેસાથે ખેતમજૂર તરીકે પણ કામ કરતા હતા. પરંતુ 2017 થી તેમને બધો જ સમય – નજીકના ખેતરોમાં અને 30 કિલોમીટર દૂર પાટણમાં બાંધકામના સ્થળોએ – મજૂર તરીકે જ કામ કરવું પડ્યું છે. ભાનુબેન કહે છે, “તેઓ અત્યારે પણ કામની શોધમાં જ બહાર (ગયા) છે. જ્યારે તેમને કોઈ કામ મળે છે ત્યારે તેઓ રોજના લગભગ 200 રુપિયા કમાય છે.”

સુહાના ભાનુબેન અને ભોજાભાઈનું સૌથી નાનું બાળક છે, તેનો જન્મ વિનાશકારી પૂર આવ્યું તે જ વર્ષે થયો હતો. સુહાનાના માથે વહાલથી હાથ ફેરવતા ભાનુબેન કહે છે કે તેમના માન્યામાં નથી આવતું કે એ વાતને પાંચ વરસ થઈ ગયા છે.

બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અરવલ્લી અને મોરબી સહિત ગુજરાતના ઘણા જિલ્લાઓમાં જુલાઈ 2017માં અતિશય ભારે વરસાદ નોંધાયો હતો. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં એક જ સમયે નીચા દબાણની પ્રણાલી સર્જાવાને કારણે એકાએક મૂશળધાર વરસાદ પડ્યો હતો અને પૂર આવ્યું હતું. એ એક દુર્લભ ઘટના હતી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ના અહેવાલ મુજબ એ આ વિસ્તારમાં 112 વર્ષમાં પડેલો સૌથી વધુ વરસાદ હતો.

આખા જુલાઈમાં સામાન્ય રીતે (વાર્ષિક સરેરાશના) 30 ટકાની સરખામણીમાં – તે વર્ષે 24 થી 27 જુલાઈ દરમિયાન બનાસકાંઠામાં વાર્ષિક સરેરાશના લગભગ 163 ટકા વરસાદ થયો હતો. પરિણામે પાણી ભરાઈ ગયું હતું, બંધ છલકાઈ ગયા હતા અને અચાનક પૂર આવ્યા હતા. કાંકરેજ તાલુકાના તોતણાને અડીને આવેલા ખારીયા ગામ પાસે નર્મદા કેનાલમાં ભંગાણ થતા પરિસ્થતિ વધુ વણસી હતી.

ભાનુબેન તેમના ઘરની બહાર બટાકા છોલતા છોલતા યાદ કરે છે, “અમારી બધીય ખેતીની જમીન પાણી હેઠળ હતી. પૂરનું પાણી તેની સાથે ઘણી બધી રેતી ઘસડી લાવ્યું હતું. જો કે થોડા દિવસો પછી પૂરના પાણી તો ઓસરી ગયા હતા પણ રેતી માટી સાથે ભળી ગઈ હતી.

માટીમાંથી રેતી ચાળીને છૂટી પાડવાનું અશક્ય બની ગયુ છે. તેઓ કહે છે, “પૂરને કારણે અમારી જમીન બંજર બની ગઈ છે.”

જીવનની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરી પૈસા કમાવા માટે દાડિયા મજૂરી એ એકમાત્ર સ્ત્રોત રહી ગયો હોવાથી ભાનુબેનના પરિવારને હવે કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને શાકભાજી ધરાવતું સમતોલ ભોજન પોસાતું નથી. નાની સુહાનાનો જન્મ થયો ત્યારથી તેણે ભાગ્યે જ કોઈ વાર સમતોલ ભોજન કર્યું હશે. તેઓ સમજાવે છે, “અમે ફક્ત શાકભાજી અથવા ફળો અને દૂધ ખરીદતા હતા, કારણ કે અનાજ તો અમારી પાસે હતું. હવે અમારે એ બધી વસ્તુઓ પર કાપ મૂકવો પડે છે.”

તેઓ કહે છે, “મને યાદ નથી છેલ્લે અમે સફરજન ક્યારે ખરીદ્યું હતું. આજે કદાચ અમને એક પોસાય એમ હોય તો પણ કાલે કામ મળશે કે નહીં તેની અમને ખાતરી નથી હોતી. તેથી અમે વધારાના પૈસા બચાવીએ છીએ. અમારું ભોજન મોટાભાગે દાળ, ભાત અને રોટલી હોય છે. અગાઉ અમે ખીચડી બનાવતા ત્યારે એક કિલો ચોખા દીઠ 500 ગ્રામ [ના પ્રમાણમાં] દાળ ભેળવતા. આજકાલ એ માંડ 200 ગ્રામ જેટલી હોય છે. જેમ તેમ કરીને અમારું પેટ તો ભરાવું જોઈએ ને?.”

જો કે અસમતોલ આહારને કારણે કુપોષણ જેવા અનિચ્છનીય પરિણામો આવ્યા છે, જે વધુ સમસ્યાઓ ઊભી કરે છે.

સુહાનાની માતા કહે છે કે સુહાના ઘણીવાર થાકી જાય છે અને તેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. “તે તેની આસપાસના બીજા બાળકો જેટલું રમી શકતી નથી અને તેમના કરતાં વહેલા થાકી જાય છે. તે ઘણી વાર બીમાર પણ પડે છે.”

2021માં તેમના ગામમાં થયેલા એક સર્વેક્ષણ દરમિયાન કુપોષિત હોવાનું જણાયેલા પાંચ વર્ષથી નીચેના 37 બાળકોમાં એ બંને પણ હતા

જૂન 2021માં તોતણામાં હાથ ધરાયેલ બાળકોના આરોગ્ય સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે સુહાના કુપોષણથી પીડાતી હ તી . તે ગામમાં સર્વેક્ષણ કરવામાં આવેલા – પાંચ વર્ષથી ઓછી ઉંમરના 320 બાળકોમાંથી – કુપોષણથી પીડાતા 37 બાળકોમાંની એક હતી. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ અભ્યાસ હાથ ધરનાર ગુજરાતની માનવાધિકાર સંસ્થા નવસર્જન ટ્રસ્ટના એક કાર્યકર મોહન પરમાર કહે છે, “બાળકોની ઊંચાઈ, વજન અને ઉંમરના આંકડા એકત્ર કરવામાં આવ્યા હતા અને તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.”

પોષણ અભિયાન દ્વારા તૈયાર કરવામાં આવેલી ગુજરાતની પોષણ સંબંધિત રૂપરેખા પરની માહિતી નોંધ અનુસાર 2019-20માં લગભગ દરેક જાહેર આરોગ્ય સૂચકાંકો માટે બનાસકાંઠા એ – અમદાવાદ, વડોદરા અને સુરત અને બીજા જિલ્લાઓની સાથે – ટોચના પાંચ ‘સૌથી વધુ બોજ ધરાવતા જિલ્લાઓ’ ની યાદીમાં હતો.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (રાષ્ટ્રીય આરોગ્ય સર્વેક્ષણ) 2019-21 ( એનએફએચએસ-5 ) માંથી આંકડાઓ મેળવતી આ નોંધ દર્શાવે છે કે ગુજરાતમાં (તેમની ઉંમરના પ્રમાણમાં) ઓછા વજનવાળા 23 લાખ (2.3 મિલિયન) બાળકોમાંથી 17 લાખ બાળકો બનાસકાંઠામાં હતા. આ જિલ્લામાં 15 લાખ બાળકો છે જેમનો વિકાસ રુંધાઈ ગયેલ છે (તેઓ તેમની ઉંમરના પ્રમાણમાં ઠીંગણા છે) અને લગભગ 1 લાખ બાળકો છે જેઓ સાવ સૂકલકડી છે (તેમની ઊંચાઈના પ્રમાણમાં તેમનું વજન ઓછું છે) – તેઓ રાજ્યના કુલ બાળકોના અનુક્રમે 6.5 ટકા અને 6.6 ટકા જેટલા છે.

નબળા પોષણનું એક પરિણામ એનિમિયા (લોહતત્ત્વની ખામી) છે, ભારતના તમામ રાજ્યોમાં ગુજરાતમાં એ સૌથી વધુ છે: 80 ટકા. બનાસકાંઠામાં પાંચ વર્ષથી નીચેના લગભગ 2.8 લાખ બાળકો એનિમિક (લોહતત્ત્વની ખામીથી પીડાય) છે.

અપૂરતા ખોરાકને કારણે સુહાના જેવા બાળકો અને તેમના પરિવારોનું સ્વાસ્થ્ય જોખમમાં છે. અને આબોહવા પરિવર્તનથી સર્જાયેલી આત્યંતિક ઘટનાઓ ગંભીર પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહી છે.

‘ ગુજરાત સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટ ચેઈન્જ ‘ અતિશય ગરમી, અતિશય ઠંડી અને અતિ ભારે વરસાદ અથવા અતિશય ઓછા વરસાદને અને સમુદ્રની સપાટીમાં વધારાને “આબોહવા પરિવર્તનના મુખ્ય જોખમો” તરીકે ઓળખાવે છે. ભારતમાં દુષ્કાળ અને પૂરનો અભ્યાસ કરતા એન્ટીસિપેટ રિસર્ચ પ્રોજેક્ટ અનુસાર છેલ્લા દાયકામાં, વધતી જતી અનિયમિત વરસાદની પેટર્ન અને અચાનક આવતા પૂરને કારણે સ્થાનિક લોકો માટે નવા પડકારો ઉભા થયા છે. પ્રોજેક્ટના સંશોધકો કહે છે, “બનાસકાંઠાના ખેડૂતો અને બીજા લોકો હવે દુષ્કાળ અને પૂરની વિપરીત અસરોનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે કારણ કે હવે આવું વધુ અવારનવાર થતું રહે છે.”

60 વર્ષના આલાભાઈ પરમારે આ વર્ષે ચોમાસા દરમિયાન ચાર પાક ગુમાવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના સુદ્રોસણ ગામમાં પોતાના ઘરમાં બેસીને વાત કરતા તેઓ કહે છે, “મેં પાક વાવ્યા અને ભારે વરસાદે એ ધોઈ નાખ્યા. અમારે ઘઉં, બાજરી અને જુવારનું [વાવેતર] હતું. મને એ ઉગાડવા પાછળ ખરચેલા લગભગ 50000 રુપિયાનું નુકસાન થયું હતું.”

આલાભાઈ કહે છે, “આજકાલ તમે હવામાનની આગાહી કરી શકતા નથી.” તેઓ ઉમેરે છે કે ખેડૂતો ઉત્પાદનમાં ઘટાડો અનુભવી રહ્યા છે. પરિણામે તેમને ખેત મજૂર તરીકે કામ કરવાની ફરજ પાડે છે. તેઓ કહે છે. “અમારી પાસે 10 એકર ખેતીની જમીન હોવા છતાં મારા દીકરાને કોઈ બીજાના ખેતરમાં અથવા બાંધકામના સ્થળે મજૂર તરીકે કામ કરવું પડે છે.”

આલાભાઈ યાદ કરે છે કે આજથી માંડ 15-20 વર્ષ જ પહેલા ખેતી કરવાનું આટલું માનસિક તાણવાળું નહોતું. તેઓ કહે છે, “સમસ્યાઓ તો અમારે ત્યારે પણ હતી. પરંતુ અતિશય વરસાદ પડે એ અત્યારના જેટલું સામાન્ય નહોતું; હવે હળવો વરસાદ પડતો જ નથી. આ સંજોગોમાં તમે સરખો પાક શી રીતે મેળવી શકો?

આલાભાઈ અને ભાનુબેનના પરિવારો મોટાભાગે તેમના ભોજનમાં દાળ અને ભાત શા માટે ખાય છે એ આ આંકડાઓ પરથી સમજાય છે.

અમદાવાદમાં ખોરાકના અધિકાર પર કામ કરતા એક આરટીઆઈ કાર્યકર્તા પંક્તિ જોગ કહે છે કે ખેડૂતો રોકડિયા પાકો (તમાકુ, શેરડી) તરફ વળ્યા છે. તેઓ કહે છે, “આને પરિણામે કુટુંબના ખોરાકના પ્રકાર અને ખાદ્ય સુરક્ષાને અસર પહોંચે છે.”

ભારે મોંઘવારીને કારણે આલાભાઈ અનાજ અને શાકભાજી ખરીદી શકતા નથી. તેઓ કહે છે, “જ્યારે ખેતી નિયમિતપણે થાય છે, ત્યારે પશુધનને પણ ઘાસચારો મળી રહે છે. પરંતુ પાક નિષ્ફળ જાય તો અમે ઘાસચારો પણ ગુમાવીએ છીએ, અને અમારે બજારમાંથી અનાજની સાથે સાથે ઘાસચારો પણ ખરીદવો પડે છે. તેથી અમને જે પોસાય તે ખરીદીએ છીએ.”

આલાભાઈના ત્રણ વર્ષના પૌત્ર યુવરાજનું વજન ( તેની ઉંમરના પ્રમાણમાં) ઓછું છે. તેઓ કહે છે, “મને એની ચિંતા રહે છે કારણ કે તેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. સૌથી નજીકની સરકારી હોસ્પિટલ અહીંથી 50 કિલોમીટરથી વધુ દૂર છે. એને તાત્કાલિક સારવારની જરૂર પડશે તો અમે શું કરીશું?”

જોગ કહે છે, “કુપોષણવાળા બાળકોને રોગો થવાનું જોખમ વધારે હોય છે.” તેઓ ઉમેરે છે કે રાજ્યમાં નબળા જાહેર આરોગ્ય માળખાને કારણે લોકો ખાનગી હોસ્પિટલોમાં જાય છે. તેઓ કહે છે, “પરિણામે કુટુંબો પર આરોગ્ય સંબંધિત ખર્ચનો બોજ પડે છે. [બનાસકાંઠા જેવા] આદિવાસી વિસ્તારોમાં ગીરો [દેવા] પાછળનું આ એક મુખ્ય કારણ છે.”

જોગ ઉમેરે છે કે રાજ્યમાં અમલી કરાતી ખાદ્ય યોજનાઓમાં ખોરાકની સ્થાનિક આદતો ધ્યાનમાં લેવામાં આવતી નથી. તેઓ કહે છે, “તમે બધા માટે એક સરખી યોજના અમલમાં ન મૂકી શકો. જુદા જુદા પ્રદેશ અને જુદા જુદા સમુદાયના લોકોની આહાર સંબંધિત પસંદગીઓ જુદી જુદી હોય છે. ગુજરાતમાં માંસાહારી ખોરાકને પ્રોત્સાહન ન આપવાની ઝુંબેશ પણ ચાલી રહી છે. આ ઝુંબેશ હવે એવા વિસ્તારોમાં ઘૂસી ગઈ છે જ્યાં લોકો નિયમિતપણે માંસાહારી ખોરાક અને ઈંડા ખાતા હતા. તેઓ હવે એને અપવિત્ર માનતા થઈ ગયા છે.”

2016-18ના કોમ્પ્રિહેન્સિવ નેશનલ ન્યુટ્રિશન સર્વે (વ્યાપક રાષ્ટ્રીય પોષણ સર્વેક્ષણ) મુજબ 43.8 ટકાની રાષ્ટ્રીય સરેરાશની સામે ગુજરાતમાં 69.1 ટકા માતાઓએ શાકાહારી આહાર લીધો હતો. 2-4 વર્ષની વયના બાળકોમાં માત્ર 7.5 ટકાએ ખોરાકમાં પ્રોટીનના સમૃદ્ધ સ્ત્રોત એવા ઈંડા લીધા હતા. રાજ્યમાં 5 થી 9 વર્ષના 17 ટકા બાળકો ઈંડા ખાતા હોવા છતાં એ સંખ્યા હજી પણ ઓછી છે.

ભાનુબેનને ખબર છે કે સુહાનાને તેના જીવનના પહેલા બે વર્ષમાં સારો આહાર મળ્યો નથી. તેઓ કહે છે, “લોકો અમને કહેતા હતા કે તેને આરોગ્યપ્રદ ખોરાક આપો. પણ અમને એ પોસાતો ન હોય તો અમે શું કરીએ? એક સમય એવો હતો કે જ્યારે અમને આરોગ્યપ્રદ ભોજન પોસાતું હતું. સુહાનાને બે મોટા ભાઈઓ છે. પરંતુ તેમનો જન્મ અમારું ખેતર ઉજ્જડ થઈ ગયું એ પહેલા થયો હતો. તેઓ કુપોષણથી પીડાતા નથી.”

પાર્થ એમ.એન ઠાકુર ફેમિલી ફાઉન્ડેશન તરફથી પ્રાપ્ત થયેલ સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન દ્વારા જાહેર આરોગ્ય અને નાગરિક સ્વાતંત્ર્ય અંગેના અહેવાલ આપે છે. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશને આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણનો ઉપયોગ કર્યો નથી.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક