આયુર્વેદિક દવાથી કોરોનાની સારવાર કરવાના રાજકોટમાં પ્રયોગો થઈ રહ્યાં છે

ગાંધીનગર, 29 મે 2020

રાજકોટ કોવીડ – 19 સિવિલ હોસ્પિટલ ખાતે રહેલા કોરોનાના દર્દીઓની સહમતી સાથે આયુર્વેદીક ઈલાજ થાય છે. 4 વક્તિઓએ આર્યુવેદીક ઉપચાર થકી સાજા થવા પરવાનગી આપી હોવાનું ડો. પરમાર જણાવ્યું હતું.

આયુષ વિભાગની ગાઈડ લાઈન મુજબ સૌપ્રથમ જુદા જુદા તબક્કામાં ક્વોરેન્ટાઈન થયેલા લોકોને આર્યુવેદીક ઉપચાર થકી પ્રાથમિક સારવાર કરવામાં આવી, ત્યારબાદ A સિમટમ્સ  ધરાવતા દર્દીઓમાં ત્યારબાદ માઈલ્ડ સિમટમ્સ ધરાવતા દર્દીઓમાં સારું પરિણામ જોવા મળતા હવે સિવિયર દર્દીઓની પણ સારવાર કરવામાં આવશે તેમ ડો. પરમારે જણાવ્યું હતું. .

ઉકાળાના સેવનથી માત્ર કોરોના જ નહીં પણ અન્ય અનેક બીમારીઓ દૂર થઈ ગઈ હોવાનું લોકો જણાવે છે. પેટના રોગ, વા, માથાનો દુખાવો, ચામડીના રોગો પણ દૂર થયાનું કેટલાક દર્દીઓએ જણાવ્યાનું ડો. પરમાર કહે છે.

હળદર, મીઠાના કોગળા કરો ને હા રોજ ઉકાળો પીવો તેવી આયુર્વેદ ઉપચાર પદ્ધતિ છે. કોરોના મહામારીમાં સંશમની વટી, ત્રિકટુ ચુર્ણ, યષ્ટિમધુ ધનવટી, ‘આયુ -64’, દશમુળ કવાથ, પખાવદી કવાથ ઉપચાર છે. તેમ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ યુનિવર્સિટી રોડ રાજકોટના અધિક્ષક ડો. જયેશ પરમારે જણાવ્યું હતું.

રાજકોટમાં જંગલેશ્વરમાં બે દિવસમાં 70 હજાર ઉકાળા અને દવાની કીટનું વિતરણ કર્યું હતું. એ કામ કરી ગયું અને આ વિસ્તારમાં સંક્રમણ દર ઘટ્યો હતો.

શરીમાં કફ અને વાયુ દોષ વધે, પાચન શક્તિ ઘટે એટલે વાયરસનો પ્રભાવ વધે. જો ગળાની ચિકાસ ને કંટ્રોલમાં રાખીએ અને વાયુ જે વહનકર્તા છે તેને દાબમાં રાખીએ તો આ વાયરસ આપણા શરીરમાં તેનું સંક્ર્મણ વધારી શકે નહીં. બસ આ જ કામ આ ઉકાળો અને ગોળી કરે છે.

સંશમની વટીમાં ગળો, પીપર જેવા ઔષધો હોય છે જે કફને તોડે છે, તાવને મટાડે છે ને જઠરાગ્નિને તેજ કરે છે. જયારે ત્રિકટુ ચૂર્ણ, જેમાં સૂંઠ, મરી અને પીપરના સરખા ભાગ કરીને તેનો 2 ગ્રામ પ્રતિ વ્યક્તિ ઉકાળો બનાવવાથી કે મધ સાથે ચાટવાથી આ ઔષધ કફને તોડે છે, જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે. જયારે  યષ્ટિમધુ ધનવટી, જેઠીમધ તરીકે ઓળખીયે છીએ તે ગળામાં થયેલી તકલીફ, ઉધરસ, શરદી તથા ચિકાસનો નાશ કરે છે. આજ રીતે ‘આયુ 64’ એક પેટન્ટ દવા છે, જેમાં કડુ, કરિયાતું, સપ્તપર્ણ, સાગરગોટા જેવા ઔષધો હોઈ છે જે સવાર સાંજ લેવાથી ત્રિદોષક જવરનો નાશ કરે છે અને જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે.

દશમુળ કવાથમાં શાલીપર્ણી, પૃષણપર્ણ, બૃહતી, કંટકરી, ગૌક્ષુર, બિલ્વ, શ્યાનેક, પાટલા,ગોભરી, ચરણી સહીત જુદા જુદા દશ ઔષધોના મૂળ એકત્ર કરી ચૂર્ણ બનવવામાં આવે છે. જે વાત, પિત્ત અને કફની વિકૃતિ દૂર કરે છે તેમજ જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે. જયારે પખાવદી કવાથ હરડે, બહેડા, ગળો, નીમ, ભોનીમ્બ  સહિતના ઔષધો અધકચરા ખાંડી કવાથ બનાવવામાં આવે છે જે તાવ, માથાનો દુખાવો અને પાચન શક્તિ વધારે છે.

ઉપરોક્ત વિવિધ ઔષધોનું સેવન કરવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ખોરાકનું સંપૂર્ણ પાચન થવાથી શરીરને જરૂરી વિટામિન અને મિનરલ્સ છુટા પાડે છે. પરિણામે રોગપ્રતિકારક શક્તિ વધારી કોરોના સામે રક્ષણ મેળવી શકાય છે. તેમ ડો. જયેશભાઈ જણાવ્યું હતું.

ઉકાળા અને દવાની આજ સુધીમાં 12 લાખથી વધુ કીટનું વિતરણ રાજકોટના જુદાજુદા વિસ્તારમાં વિવિધ સંસ્થાના સહયોગથી કરવામાં આવ્યું છે.

ઘરે, 10 જેટલા તુલસીના પાન, બે મારીને ૧ ગ્લાસ પાણીમાં ઉકાળી ચોથા ભાગનું પાણી વધે ત્યારે તેને પીવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ને તુલસીમાં ફીમોલિક કમ્પાઉન્ડ ગ્રુપ હોઈ છે. જે એન્ટી વાયરલ છે. આ ઉપરાંત કાળી દ્રાક્ષ ચુસવી, લીંબડો, ગુગળ કે કપૂરનો ધૂપ કરી હવાનું શુદ્ધિકરણ કરી ઘરમાં રહેલા વિષાણુંઓને દૂર કરી શકાય છે. રાઈ,મીઠા અને અજમાનો નાસ લેવો જોઈએ.

મન અને શરીરને સીધો સંબંધ છે, આથીજ હંમેશા પ્રસન્ન ચિત રહેવા અને આનંદ સાથે દિવસ પ્રસાર કરવો. ધ્યાન કરવું. યોગ અને પ્રાણાયમ મન અને ચિત્તને શાંત કરે છે. હા ભોજન પણ સુપાચ્ય લેવું. લીલા શાકભાજી, ખીચડી, દાળ ભાત વગેરે હળવું ખાવું. ભરપેટ ન જમવું અને એક ભાગ ખાલી રાખવો.