સુરતમાં કોંગ્રેસ તૂટી પંજાથી કમળને પકડશે આ નેતા

26 Jul, 2021

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. પક્ષ પલટાનો દોર પણ શરૂ થઇ ગયો છે. સુરતના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાશે. સુરત કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રતાપ દરબાર, સુરત કોંગ્રેસના મહામંત્રી રાઈસંગ મોરી, સુરત કોંગ્રેસના મહિલા ઉપપ્રમુખ અમિતા અગ્રાવત અને સુરત કોંગ્રેસના મંત્રી જમન ઠેસિયા પોતાના હોદ્દા અને પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે.

મહત્ત્વની વાત છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયથી જ સુરતમાં કોંગ્રેસની સ્થિતિ દયનીય બની છે. સુરત મહાનગરપાલિકામાં પણ કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. એક સમયે સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ તરીકે કોંગ્રેસના 36 કોર્પોરેટરો હતા અને હવે કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. સુરતમાં વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરોને સ્થાન મળ્યું છે.

મહત્ત્વની વાત છે કે, આજે સુરત ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસના નેતા ધીરુ ગજેરા પણ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, પેટા ચૂંટણી હોય અથવા તો લોકસભાની ચૂંટણી હોય કોંગ્રેસના નેતા, ધારાસભ્યો અને હોદ્દેદારો ભાજપ સાથે મોટી સંખ્યામાં જોડાયા છે. જ્યારે-જ્યારે ચૂંટણી આવે છે ત્યારે-ત્યારે કોંગ્રેસનો આંતરિક જૂથવાદ અને વિખવાદ ચરમસીમા પર પહોંચે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા ધીરુ ગજેરા ચાર વખત કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે. ધીરુ ગજેરા પહેલા ભાજપના નેતા હતા અને ત્યારબાદ પક્ષ પલટો કરીને કોંગ્રેસની સાથે જોડાયા હતા. પણ હવે ફરીથી ધીરુ ગજેરાએ ઘર વાપસી કરવાનો નિર્ણય કરી લીધો છે. એવી પણ ચર્ચાઓ ચાલી રહી હતી કે, ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાના કારણે ભાજપ દ્વારા કોંગ્રેસમાં ગયેલા ધીરુ ગજેરાને ભાજપમાં લાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા.