દ્વારકા, 23 નવેમ્બર 2020
માવઠાથી થયેલ નુકશાનીની આકારણી કરવા એક મહિના સુધી કોઈ આવ્યું નથી. રાજ્ય સરકારમાં કોઈ દરખાસ્ત થઈ હોય નથી. કેમકે રાજ્ય સરકાર તરફથી કોઈ સર્વે કરવા હજુ સુધી ખેડૂતોના ખેતરમાં કોઈ આવ્યું નથી. તો ખેડૂતો આ સડી ગયેલા પાકને ક્યાર સુધી સાચવીને રાખે ?
ખેડૂતોએ પણ શિયાળુ પાકનું વાવેતર કરવાનું છે. ખેડૂતોને આ નવા વાવેતર માટે રૂપિયાની જરૂરિયાત છે. ત્યારે સરકારે કરેલી જાહેરાત મુજબ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં 80 તાલુકાનો સમાવેશ કરવામાં આવે. ખેડૂતોને માવઠાના કારણે થયેલા નુકશાન બદલ નિયમોનુસાર વળતર આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો કરે છે.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરવાની માંગ સાથે ખેડૂતોએ તાળી થાળી ને વગાડી કુંભકર્ણ નિદ્રામાં સુતેલી રૂપાણી સરકારને જગાડવાનો નવતર વિરોધ કર્યો હતો.
10 ઓગસ્ટના દિવસે મુખ્યમંત્રીશ્રીએ જાહેર કર્યું હતું કે ચાલુ વર્ષના ખરીફ ઋતુ માટે પ્રધાનમંત્રી પાકવીમા યોજના રદ્દ કરીએ છીએ. તેની જગ્યાએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરવામાં આવે છે.
તેને આજે એક મહિનાનો સમય વીતી ગયો છે જે 2 ઇંચ કરતા વધારે છે કલ્યાણપુર તાલુકાના ખેડૂતોને ઓછામાં ઓછું 50% થી લઈ 100% સુધી ખરીફ પાકને નુકશાન થયું છે તે વળતર અપાયું નથી.
આ યોજના જ્યારે લાગુ કરી ત્યારે એટલે કે 10 ઓગસ્ટ સુધીમાં તો ખેડૂતોએ પ્રધાનમંત્રી પાકવીમાં યોજનાના નિયમો(1 એપ્રિલ થી 31 જુલાઈ) મુજબ પાકવીમા પ્રીમિયમ બેંકોમાં જમા કરી દીધું હતું. ખેડૂતોની સંમતિ લીધા વગર જ એક પક્ષીય નિર્ણય લઈ રદ્દ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરતો અને નિયમો મુજબ 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર ના સમયગાળામાં સતત 48 કલાકમાં 50 મિલિમિટર એટલે કે 2 ઇંચ કે તેથી વધારે વરસાદ પડે તો એને માવઠું ગણવામાં આવે છે. 7 દિવસમાં જિલ્લા કલેકટર દ્વારા રાજય સરકારને દરખાસ્ત મોકલવાની રહે છે. ત્યારબદના 7 દિવસમાં રાજ્ય સરકારે નિર્ણય કરી ડીડીઓ ને સૂચના આપવાની હતી. 15 દિવસમાં નુકસાન અહેવાલ 33% થી 60% સુધીનું નુકશાન હોય તો પ્રતી હેક્ટર રૂપિયા 20 હજાર વળતર પેટે ચુકવી દેવા અહેવાલ આપવો.
વધારેમાં વધારે 4 હેકટર એટલે કે 80 હજાર પાક નુકશાનીના વળતર પેટે ચૂકવવાના અને જો નુકશાન 60% કરતા વધારે હોય તો પ્રતી હેકટર 25 હજાર વધારેમાં વધારે 4 હેકટરની મર્યાદામાં એટલે કે રૂપિયા 1 લાખ રૂપિયા સુધી પાક નુક્શાનીના વળતર પેટે ચૂકવવાના થાય છે.
કલ્યાણપુર તાલુકામાં તારીખ 20 ઓક્ટોબર 2020 ના રોજ 30 મિલિમિટર અને તારીખ 22 ઓક્ટોબર 2020ના રોજ 43 મિલિમિટર વરસાદ એમ સતત 48 કલાકમાં તાલુકા મથકે રેઇનગેજ દ્વારા 73 મિલિમિટર વરસાદ નોંધાયો હતો.
રાણાવાવ અને કલ્યાણપુર તાલુકા સમિતિ દ્વારા મુખ્યમંત્રી ને ઉદ્દેશીને લખાયેલ આવેદનપત્ર કલ્યાણપુર મામલતદારને આપવામાં આવ્યું હતું. તેમ પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું.