અમદાવાદ જિલ્લામાં સેનિટેશન માટે ૨.૨૦ લાખ સાબુ
ડોક્ટરો કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વારંવાર હાથ ધોવાની બાબતને આ ભયાવહ ચેપી રોગથી બચવા માટેનું રામબાણ ઉપાય ગણાવે છે. હાથની સ્વચ્છતા માટે આપણે વિવિધ પ્રકારના સેનેટાઇઝર વાપરીએ છીએ. પરંતુ સમાજના નીચલા સ્તર પર રહેલા ગરીબ લોકો માટે તો આજેય સાબુ એ જ તેમનું સેનેટાઇઝર છે.
ઘણી વખત તો સાબુના અભાવે માટી પણ તેમનું સેનેટાઇઝર બની રહે છે. જો કે કોરોનાના કહેરથી બચવા તો સાબુ અથવા તો સેનેટાઇઝર વાપરવાની સતર્કતા અનિવાર્ય છે. સેનેટાઇઝરની ઊંચી કિંમત હોવાના કારણે સામાન્ય લોકો પણ સાબુનો ઉપયોગ કરે છે. પરંતુ સમાજના આ અકિંચન લોકો માટે તો સાબુ પણ તેમની પહોંચની બહાર છે.
કોરોના કાળમાં સાબુના આ મહત્વને પારખીને જાણીતા ઉદ્યોગપતિ અને નિરમા ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક કરશનભાઇ પટેલે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રને ૨.૨૦ લાખ સાબુ દાનમાં આપ્યા છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના જરૂરિયાતમંદ ગરીબ, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને આ સાબુ નિઃશૂલ્ક અને હાથોહાથ પહોંચાડવામાં આવશે. જેના દ્વારા સામાન્ય ગરીબ વ્યક્તિ પોતાની અને પોતાના પરિવારની સ્વચ્છતાની પૂરી કાળજી રાખી શકશે.
– સુનીલ પટેલ