લારી પાસેથી પોલીસના હપ્તા બંધ કરીને રૂ.21 હજારની સહાય આપો – હાર્દિક અને જીજ્ઞેશ

અમદાવાદ, 10 જૂન

ગરીબ લોકોને આર્થિક રાહત મળી રહે તે માટે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રિક્ષાવાળા, પાથરણા અને લારીવાળાઓને રાહત આપવા બાબતે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.

પોલીસ તરફથી રિક્ષાચાલકો, પાથરણાવાળાઓ અને લારીવાળાઓને હેરાનગતિ ન થાય તે માટે પોલીસ દ્વારા હપ્તા લેવાતા હોય તો તે ના લેવામાં આવે. રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા લોકો માટે 21 હજાર રૂપિયાની સહાયની માગણી કરવામાં આવી છે. રિક્ષાના લોનના હપ્તામાં રાહત આપવામાં આવે તેવી રજૂઆત 9 જૂન 2020માં કરવામાં આવી હતી.

કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદમાં રીક્ષા ચાલકો, લારી અને પાથરણાવાળાઓની પડખે હવે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આવ્યા છે. હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી એ અમદાવાદમાં રિક્ષાવાળા, લારી અને પાથરણાવાળાઓના એસોસિએશનના આગેવાનો સાથે તેઓને પડતી મુશ્કેલી બાબતે ચર્ચા કરી હતી.

અમદાવાદ જિલ્લા કલેકટરને રિક્ષાવાળા, લારી અને પાથરણાવાળાઓને પડતી મુશ્કેલી દૂર કરવા બાબતે આવેદન આપીને રજૂઆત કરી હતી.

હાર્દિક પટેલે તેના ઓફિસિયલ ફેસબુક એકાઉન્ટમાં એક પોસ્ટ કરીને માહિતી આપી હતી. રાજ્યના રિક્ષાચાલકો, લારી અને પાથરણાવાળાની હાલત ચિંતાજનક છે.