વર્ષે 1 કરોડ લોકોને સરકાર સાથે સીધો પનારો પડે છે, જન સેવા કેન્દ્રો પૈસા કામાઉ કેન્દ્રો

ગાંધીનગર, 14 એપ્રિલ 2021
ગુજરાતના 350 જનસેવા કેન્દ્ર અંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે, નાગરિકોને ઝડપથી અને સરળ રીતે એક જ જગ્યાએથી સીંગલ વિન્ડો સિસ્ટમ, એટીવીટી પોર્ટલ મારફત સેવાઓ શરૂ થઈ છે. જેમાં 4 વર્ષમાં 4 કરોડ લોકોએ સરકાર સાથે પનારો પડ્યો છે.

તમામ 251 તાલુકામાં 339 જનસેવા કેન્દ્રો મારફતે 41 વનડે સર્વિસ અને 264 નોન વન ડે સર્વિસ મળી કુલ 305 સેવાઓ આપવામાં આવે છે. તે પૈકી 22 સેવાઓ વિના મૂલ્યે આપવામાં આવે છે. બાકીના 283 સરકારી કામ માટે પેટ ચીરીને ભાજપની રૂપાણી સરકાર પ્રજા પાસેથી પૈસા લે છે. ખરેખર તો પ્રજા વેરો ચૂકવતી હોવાથી આ સેવાઓ ખરા અર્થમાં સેવા હોવી જોઈએ. નાણાં ભેગા કરવાના કેન્દ્રો ન હોવા જોઈએ.

ટેક્નોલોજીના માધ્યમથી 1 એપ્રિલ 2016 થી 3.6 કરોડથી વધુ મળેલ અરજીઓ પૈકી 98.6 % અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં બિનખેતી માટેની પરવાનગી રાજ્ય સરકારે ઓનલાઇન કરી પારદર્શક કરવાનો ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. અરજદારે iORA.gujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરી અરજી તથા સોગંદનામું ઓનલાઇન કરવાનું હોય છે. આ સિવાય ગામ નમૂના નં. 6, 7, 12 જેવા કોઈ મહેસૂલી રેકર્ડ સાથે જોડવાના હોતા નથી તેની વિગતો વહીવટીતંત્ર ઓનલાઈન જ મેળવી લે છે.

અરજીની સાથે જરૂરી ફી પણ ઓનલાઇન ભરવાની થાય છે. રાજ્યકક્ષાએ 8 પૂર્વચકાસણી અધિકારી ઓનલાઇન અરજીની પૂર્વચકાસણી કરી નિકાલની સમયમર્યાદા માટે ગ્રીન, યલો અને રેડ એમ ત્રણ ચેનલ નક્કી કરી જે તે જિલ્લામાં નિકાલ માટે ઓનલાઈન મોકલવામાં આવે છે જ્યાં જિલ્લાકક્ષાએ અરજીનો નિયમ મુજબ નિકાલ થાય છે.

24 એપ્રિલ 2020 થી ઓનલાઈન ટોકન સિસ્ટમ દાખલ કરવામાં આવેલ છે. ટોકન એપોઈમેન્ટની તારીખ અને સમયે અસલ દસ્તાવેજ સાથે પક્ષકારો- લખી આપનાર, લખાવી લેનાર, સમંતિ આપનાર અને ઓળખ આપનાર સબરજીસ્ટ્રાર કચેરીમાં હાજર રહે છે.