ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021
વડોદરાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દીકરા અને ભાજપના કોર્પોરેટર દિપકે ભાજપમાંથી ટિકિટની માગણી કરી હતી. પરંતુ પક્ષ દ્વારા તેને ટિકિટ આપવામાં આવી ન હતી. તેથી દિપકે અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. જે રદ કરી દેવાયું હતું. તેમ છતાં ભાજપે દીપકને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યો નથી.
ભાજપના જ ધારાસભ્યના પુત્રએ ભાજપના ઉમેદવારની સામે ફોર્મ ભર્યું હોવા છતાં પણ ભાજપ મધુ શ્રીવાસ્તવની સામે કોઈ પણ પગલા લેશે નહીં. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે, એમનો દિકરો ફોર્મ ભરે છે અને તેમની પાર્ટી અલગ છે. જેથી હવે ભાજપ મધુ શ્રીવાસ્તવની સામે કોઈ પણ પગલા લેશે નહીં.
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, એમનો દિકરો ફોર્મ ભરે તો તેમની પાર્ટી અલગ છે. એટલા માટે એમની સામે પગલાં લેવાની જરૂર નથી. તેઓ ભાજપની ટિકિટ અપાવી શક્યા નથી. અપક્ષ ઉભા હોય તેને ટિકિટની જરૂર નથી. એમની વાત પણ સાચી છે, અનેક પાર્ટીઓ છે. શ્રીવાસ્તવે પોતે કોઈ આવું કાર્ય હોત તો અમે સો ટકા પગલાં લેત.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીને લઇને ભાજપના પ્રદેશ પ્રમુખે નિયમોમાં ફેરફાર કર્યો હોવાના કારણે ઘણા આગેવાનો અને પૂર્વ કોર્પોરેટરના પત્તા કપાયા છે. તેથી તેઓ પક્ષથી નારાજ થયા છે.
તો કેટલીક જગ્યા પર ભાજપે નિષ્ક્રિય કાર્યકર્તાઓને ટિકિટ આપતા સક્રિય કાર્યકર્તાઓમાં પણ રોષ જોવા મળ્યો છે. તેથી ભાજપના આંતરિક વિખવાદના કારણે ચૂંટણીમાં ભાજપને નુકસાન થાય તો નવાઈ નહીં.
ગુજરાતમાં ટિકિટ ન મળતા ભાજપ અને કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. તો કેટલાક નેતાઓ પક્ષની સાથેથી છેડો ફાડીને અન્ય પાર્ટી જોઈન કરીને અથવા તો અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે.