– પ્રો. હેમંતકુમાર શાહ
અત્યારે કોરોના વાયરસના સંદર્ભમાં ગુજરાત સરકાર મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકોને દાન આપવા અપીલ કરી રહી છે અને લોકો પણ ઉદાર મને તેમાં નાણાં આપી રહ્યા છે. તુલનાત્મક રીતે સુખી લોકો, ધાર્મિક લોકો-સંપ્રદાય, સંસ્થાઓ અને કંપનીઓ આ ફંડમાં નાણાં આપે છે. પરંતુ આ ફંડના વહીવટના સંદર્ભમાં કેટલાક પાયાના સવાલો ઊભા થાય છે. પારદર્શિતા અને સુશાસનની બહુ મોટી વાતો કરવામાં આવે છે પણ એ સિદ્ધાંત ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડને આશ્ચર્યજનક રીતે લાગુ પડતો નથી! કેટલાક મુદ્દા જોઈએ:
1 આ ફંડ 1967માં રચાયું હતું. તે એક ખાનગી ફંડ છે, સરકારી નહિ. તેનો વહીવટ મુખ્ય મંત્રીના અધ્યક્ષપદ હેઠળની પાંચ સભ્યોની સમિતિ કરે છે. મહેસૂલ ખાતું તેનું સંચાલન કરે છે.
2 તેના નામને કારણે લોકોને તો એમ જ લાગે છે કે આ સરકારી ફંડ છે. પણ એ સરકારી ફંડ છે જ નહિ.
3 આ ફંડના આવકજાવકના હિસાબો જાહેર કરવામાં આવતા નથી. વિધાનસભામાં પણ તે રજૂ થતા નથી. થોડાં વર્ષો અગાઉ માહિતી અધિકાર ધારા હેઠળ અરજી કરાઈ ત્યારે પણ તેની માહિતી આપવામાં આવી નહોતી, એમ કહેવામાં આવ્યું હતું કે આ તો એક ખાનગી ફંડ છે.
4 કેટલા પૈસા ફંડમાં દાન પેટે આવ્યા અને તે ક્યારે, કોના માટે અને કયા હેતુ માટે ખર્ચાયા તે જાણવાનો લોકોને અધિકાર છે પણ સરકાર તે અધિકારને માન્ય રાખતી નથી.
5 અત્યારે પહેલાં આ ફંડમાં કેટલા પૈસા છે તે સરકાર જાહેર કરે, તેનો ગયા વર્ષનો તથા ચાલુ વર્ષનો વિગતવાર હિસાબ જાહેરખબર આપીને જાહેર કરે. ફંડમાં પૈસા લેવા જાહેરખબરો આપી શકાય તો હિસાબ આપવા પણ જાહેરખબર આપી શકાય.
6 ફંડમાં જે પૈસા છે તે કોરોના આપત્તિના નિવારણ માટે કેવી રીતે વાપરવાનું આયોજન છે તે પણ સરકાર જાહેર કરે.
7 તત્કાળ કેટલાં નાણાંની જરૂર લાગે છે તેનો સરકાર અંદાજ આપે. તે શાને માટે વપરાશે તે પણ કહે. પછી જ લોકો પાસે પૈસા માગે.
8 જ્યારે પણ કોઈ મોટી આપત્તિ આવે છે ત્યારે સરકાર આ ફંડમાં પૈસા ભેગા કરે છે અને વાપરે છે, પણ કદી કરોડો રૂપિયાનો હિસાબ આપતી નથી. આ બાબત પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ જેવા સુશાસનના સિદ્ધાંતોનો સરેઆમ ભંગ છે.
લેખક જાણાતા લેખક, ગુજરાતના પત્રકાર, ચળવળકાર અને અર્થશાસ્ત્રી છે.