ખેડૂત આગેવાન પાલભાઈને ઝાડ પાસે ઊભા રાખી પાકિસ્તાનના ત્રાસવાદીની જેમ પોલીસે મારમાર્યો

રાજકોટ, 21 મે 2020

ગુજરાતના ખેડૂત આગેવાન પાલ આંબલીયાને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તાર રાજકોટની પોલીસના લોકઅપમાં માર માર્યો હતો. તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયા છે. પાલ આંબલિયા પાકિસ્તાનથી આવેલા ત્રાસવાદી હોય તેવું વર્તન પોલીસે તેમની સાથે કર્યુ છે. ખેડૂતોને ભાજપ સરકાર અન્યાય કરી રહી છે તે અંગે તેઓ વારંવાર આંદોલનો કરતાં રહ્યાં છે. ઝાડ પાસે રાખી રૂપાણીની પોલીસે માર્યો હતો. બે પોલીસ અધિકારીઓ આ ઘટનામાં સંડોવાયેલા હોવાથી તેમને સસ્પેન્ડ કરવાની માંગણી કોંગ્રેસે કરી છે. કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ખેડૂતોના મુદ્દે રાજકોટની કલેકટર કચેરીએ રજૂઆત કર્યા બાદ તેમની ધરપકડ કરાઇ હતી. જે બાદ તેમને લોકઅપમાં માર માર્યાનો ગંભીર આક્ષેપ થયો છે. કોંગ્રેસના નેતાઓ આ મામલે ઉકળ્યા છે. તો સામે પોલીસ આક્ષેપોને નકારી રહી છે.

ખેત પેદાશના પૂરતા ભાવ ન મળતા બુધવારે કાર્યકરો સાથે રાજકોટ કલેકટર કચેરીએ રજૂઆત માટે ગયા હતા. જોકે બાદમાં તેઓને છોડી દેવામાં આવ્યા..જે બાદમાં તેઓને ફિંગર પ્રિન્ટ માટે પોલીસ મથકે બોલાવવામાં આવ્યા અને તેઓની ફરીથી અટકાયત કરવામાં આવી હતી.

જે પછી મોડી રાત્રે તેમની ધરપકડ બાદ તેમને માર મારવામાં આવ્યો હતો. માર માર્યો બાદ તેઓ ગુરૂવારે સવારે રાજકોટના કાલાવડ રોડ પરની મામલતદાર ઓફિસે આવ્યા હતા. તે સમયે તેઓ બેભાન થઇ ગયા હતા. આથી કોંગ્રેસના નેતાઓ ત્યાં દોડી જઇ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

ઝાડ સાથે ઊભા રાખી પોલીસ દ્વારા મારવાની આ ઘટના બાદ તેઓએ રાજાશાહી અને સરમુખત્યારશાહીને સારી ગણાવી હતી. તો રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાલ આંબલિયા પાકિસ્તાનથી આવેલા ત્રાસવાદી હોય તેવું વર્તન પોલીસે તેમની સાથે કર્યુ છે. રાજકોટ પોલીસ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપનો હાથો બનીને કામ કરી રહ્યાં હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.

આ સમગ્ર ઘટના બાદ ડીસીપી-વન મનોહરસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા તમામ આક્ષેપને નકાર્યા અને જો આમ છતાં પાલ આંબલિયા ફરિયાદ કરશે તો તપાસ કરશે.

કોંગ્રેસમાં રાજકોટ પોલીસ પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો અવાજ ઉઠાવનારા સામે પોલીસનું આ પ્રકારનું વર્તન યોગ્ય નથી.

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ રાજકોટ પહોંચી પાલ આંબલિયાની મુલાકાત કરી હતી

મોઢવાડિયાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે, પોલીસ પર સરકારનું દબાણ છે. મુખ્ય પ્રધાનના આદેશથી તેમને માર મારવામાં આવ્યો છે. પોલીસ પર વિશ્વાસ કરી પાલ આંબલિયા ફરી પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. જે બાદ પોલીસ અધિકારીઓએ બેરહેમીથી માર માર્યો હતો.

એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા અને ક્રાઇમ પીઆઇ એચ.એમ. ગઢવીએ ઝાડ પાસે રાખી માર્યોનો આક્ષેપ મોઢવાડિયાએ કર્યો છે. આ સિવાય મોઢવાડિયાએ બંને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માગ કરી છે.

કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહ પરમારે સીએમના ઇશારે પોલીસ માર મારતી હોવાનો આક્ષેપ કર્યો આ સાથે તેઓએ કાર્યવાહી કરવાની માંગ સાથે તમામ જિલ્લા મથકે આવેદન આપવામાં આવશે.

પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે કહ્યું હતુ કે, સરકાર આ મુદ્દે ન્યાય નહીં કરે તો આંદોલન કરવાની તૈયારી શરૂં કરી છે.