કોરોના સંક્રમણને અટકાવવા ત્રીજા તબક્કાના લૉકડાઉનના ત્રીજા તબક્કાનો શાંતિપૂર્ણ રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના તમામ લોકોએ લૉકડાઉનના શાંતિપૂર્ણ અમલની સાથે જ્યાં છૂટછાટ આપવામાં આવી છે તેવા વિસ્તારોમાં પણ સોશ્યલ ડિસ્ટન્સિંગની જાળવણી રાખવામાં આવે તે માટેની વ્યવસ્થાઓ પોલીસ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી હોવાનું રાજ્ય પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે.
રાજ્યમાં જ્યાં સંક્રમણ વધુ છે તેવા રેડ ઝોન અને કન્ટેન્ટમેન્ટ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં લોકોને અગવડતા ન પડે તે માટે જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી કરિયાણા, શાકભાજી, ફળફળાદી વગેરે જેવી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ, પ્રતિબંધિત હોય એવી સેવાઓ કે દુકાનો ચાલુ ન રહે તે અંગે પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે તેમ જણાવી ઝાએ કહ્યું કે જાહેર સ્થળ ઉપર લોકો વચ્ચે યોગ્ય અંતર જળવાઈ રહે અને કોઇ અવ્યવસ્થા ન સર્જાય તેવું પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
લૉકડાઉનના અમલ માટેની ચોક્કસ ગાઇડલાઇન્સનું પાલન કરવાની લોકોને અપીલ કરતા શ્રી ઝાએ કહ્યું કે સાંજના સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા દરમિયાન ઇમરજન્સી સેવાઓ સિવાયની તમામ સેવાઓ અને વેચાણ પ્રવૃત્તિઓ બંધ રાખવાની રહે છે તેમ છતાં જ્યાં આવી પ્રવૃત્તિઓ થતી પકડાતા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.
લૉકડાઉનમાં જે સમયે અને સ્થળે છૂટછાટ આપવામાં આવી હોય ત્યાં અને તે સમયે જ છૂટછાટ ભોગવવાની અપીલ કરતા શ્રી ઝાએ જણાવ્યું કે છૂટછાટ સિવાયના સમયે લોકો બહાર ન નીકળે, અને ગાઇડ લાઇનનો ભંગ થતો જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યમાં તમામ સ્થળે ખેતી અને ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓને લૉકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છે જેથી ખેડૂતો રાબેતા મુજબ ખેતીકામ અને ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ વિના રોકટોક ચાલુ રાખી શકે છે તેમ જણાવતા શ્રી ઝાએ વધુમાં કહ્યું કે ખેડૂતો ખેતી કામ માટે તથા ખેત પેદાશોના વેચાણ માટે અવર-જવર કરી શકશે ઉપરાંત જે વિસ્તારોમાં ઉદ્યોગોને લૉકડાઉનમાંથી છૂટછાટ આપવામાં આવી છે તે તમામ ઔધોગિક પ્રવૃત્તિઓ તથા તેની સાથે સંકળાયેલા કર્મચારીઓ અને વાહનોને પોલીસ દ્વારા અટકાવવામાં આવતાં નથી.
લૉકડાઉન દરમિયાન તંત્ર તરફથી આપવામાં આવેલ છુંટછાટનો દુરુપયોગ થાય તે સમાજના હિતમાં નથી. પોલીસ ચેકિંગ દરમિયાન જો આવી મંજુરીઓ કે છૂટછાટનો દુરુપયોગ થતો હોય તેવા કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે. આ પ્રકારના એક બનાવમાં ભુજ શહેરમાં લગ્ન વિધિ માટે ૩૦ વ્યક્તિ હાજર રહે અને સોશિયલ ડિસ્ટ્ન્સિંગનું પાલન કરે તેવી શરતોનો ભંગ કરી પોલીસ ચેકિંગમાં લગ્ન પ્રસંગમાં ૯૦ લોકો હાજર મળ્યાનું તથા લોકો વચ્ચે અંતરનો અભાવ હોવાનું જણાતા પોલીસ દ્વારા આયોજક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમ શ્રી ઝાએ જણાવ્યું હતું.
કોરોના વાયરસના સંક્રમણથી સમાજને બચાવવા સરકારી કર્મચારીઓ કોરોના વોરીયર્સ બનીને રાત-દિવસ ફરજ બજાવી આ મહામારી સામે લડત આપી રહ્યા છે. ડોક્ટર, નર્સ સહિતના મેડિકલ સ્ટાફ, રેવન્યુ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ, સફાઇકર્મીઓ પોલીસ કર્મચારીઓ વગેરે આવશ્યક સેવાઓ પૂરી પાડવાની સાથે લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે કામ કરી રહ્યા છે. તેમના મનોબળને ટકાવી રાખવા તથા તેનું સ્વમાન જાળવવાની અપીલ કરતા શ્રી જાએ કહ્યું કે કોરોના સંક્રમણને અટકાવવાની કામગીરીમાં પરોવાયેલા આ યોદ્ધાઓનું સ્વમાન ભંગ થાય તેમની સામે ગેરવર્તન થાય તેવા બનાવો ચલાવી લેવામા નહીં આવે. સુરત શહેરમાં એક નર્સ સાથે થયેલા એક ગેરવર્તનના બનાવમાં સુરત શહેરના લિંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
શ્રી ઝાએ વધુમાં જણાવ્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૧૮૫ ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૩,૨૩૫ ગુના દાખલ કરીને ૨૩,૮૦૮ લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૧૦૧ ગુના નોંધીને ૧૦૬ લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી ૩,૫૦૪ ગુના નોંધીને ૪,૬૫૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
શ્રી ઝાએ કહ્યું કે, રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે આજદિન સુધીમાં ૭૨૬ ગુનામાં કુલ ૧,૦૦૪ લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ જ રીતે, સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે આજ સુધીમાં ૮૧૦ ગુના દાખલ કરીને ૧,૬૬૬ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા અત્યાર સુધીમાં ૭૭૧ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા વિડિયોગ્રાફી, ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR), કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન તથા PCR વાનના માધ્યમથી ગઇકાલથી આજદિન સુધીના ૨૭૪ ગુના મળી કુલ અત્યાર સુધીમાં ૭,૩૮૮ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
ગઈ કાલથી આજ સુધીમાં જાહેરનામા ભંગના ૧,૮૨૯ ગુના, ક્વૉરન્ટાઇન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ૬૩૫ ગુના તથા અન્ય ૨૯૩ ગુના મળી કુલ ૨,૭૫૭ ગુનાઓ દાખલ કરી કુલ ૩,૨૧૭ આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે ૪,૯૮૭ વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૬૭,૬૨૧ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ગતરોજ ૬,૩૧૪ અને અત્યાર સુધીમાં ૨,૪૭,૫૪૨ ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.