ગુજરાતમાં 2 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે. વરસાદનો બીજો રાઉન્ડ 4 દિવસ પછી શરૂં થઈ રહ્યો છે. ત્યારે 95 ટકા વિસ્તારમાં વાવણી થઈ જાય એવી આશા ખેડૂતોને છે. હાલ તો વાવણી માટે મજૂરોની તંગી છે.
છેલ્લા ચારેક દિવસથી વાગડ વિસ્તારમાં પડી રહેલા વરસાદના ઝાપટાથી જગતના તાત ખેડૂતને નિસર્ગ વાવાઝોડા સાથે વરસાદ પડતાં આશા બંધાઈ હતી ત્યારે ગઈકાલે બપોર બાદ વાગડના રાપર તાલુકાના અનેક ગામોમાં એક થી ત્રણ ઈંચ વરસાદ પડયો હતો જેમાં ગાગોદર, પલાંસવા, કિડીયાનગર, પ્રાગપર, વલ્લભપર, કાનમેર, આડેસર, ભીમાસર, રવ, બેલા, ડાવરી, નિલપર, સઈ સહિતના અનેક ગામોમાં વરસાદ નોંધાયો હતો ત્યારે તાલુકા મથક રાપર ખાતે પણ અડધાથી પોણા ઈંચ વરસાદ પડતા જગતના તાત એ આજે રાપર ખાતે આવેલી બિયારણ ખાતરની દુકાન પર બિયારણ અને ખાતર લેવા માટે ઉમટી પડયા હતા તો ટ્રેક્ટર ગેરેજ ખાતે ટ્રેક્ટરો ને સજ્જ કરવા માંડ્યા હતા જેથી વાવણી અને ખેડાણ કરી શકાય. આજે ખરીદ વેચાણ સંઘ ખાતે મેનેજર હસુભાઈ દોશીએ જણાવ્યું હતુ કે આજે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અઢીસો થી વધુ ખેડુતો ખાતર અને બિયારણ ખરીદી કરવા માટે ઉમટયા હતા જેમાં મગ, મઠ, બાજરી, ગુવાર, કપાસ, એરંડા સહિતના ખરીદી કરી હતી તો અનેક ખેતરોમાં ખેડૂતોએ વાવણી શરૂ કરી હતી. ખેતરોમાં ટ્રેકટર દ્વારા વાવણી કરવાની ખેડૂતોએ શરૂઆત કરી હતી. આમ વરસે તો વાગડ ભલો એ કહેવત અનુસાર મેઘરાજાએ મહેર કરી હતી.