રોજ રાત્રે 20 વર્ષની શીતલ શર્મા અમદાવાદમાં ટ્રાફિક સીંગ્નલ પર ભૂખ્યા 400 બાળકોને ખાવાનું આપે છે

ગુજરાતમાં લાખો લોકો ભૂખ્યા પેટે સૂઈ જાય છે. તેમની ચિંતા ના ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને છે, ના આપણને. પરંતુ અમદાવાદની એક વીસ વર્ષની છોકરી શીતલ શર્મા ભૂખ્યા પેટે સૂઈ જતા એ લોકોને ખાવાનું આપી રહી છે. રાત્રે રસ્તા પર સૂઈ જતા 400 બાળકોનું પેટ ભરે છે. અમદાવાદના રસ્તાઓ પર ખુલ્લા આકાશની નીચે સૂઈ જતા ભૂખ્યા બાળકો શીતલની રાહ જોતા હોય છે.

ગુવાહાટીની વતની શીતલ શર્માને લોકોની મદદ કરવાનું પસંદ છે. જ્યારે તે સ્કૂલમાં ભણતી હતી, ત્યારે પોતાની સ્કૂલમાં રસ્તામાં આવતી ઝૂંપડપટ્ટીના બાળકો માટે ભોજન લઈ જતી હતી. તેમને ખવડાવતી હતી. પરિવાર સંપન્ન હોવાને કારણે ક્યારેય પરિવારે તેની આ આદત પર અટકાવી નથી. મોટા થવા પર જ્યારે તે પરિવાર સાથે અમદાવાદ આવી, તો તે અહીં અઠવાડિયામાં એક દિવસ રવિવારે ભૂખ્યા બાળકોને ભોજન ખવડાવતી હતી. શરૂઆતમાં શીતલે પોતાના મિત્રોની સાથે મળીને પૈસા ભેગા કર્યા અને એ પૈસાથી પોતપોતાના ઘરોમાં ખાવાનું બનાવડાવ્યું. ત્યારબાદ તેણે અનાથઆશ્રમ અને રસ્તા પર રહેતા બાળકોને ખાવાનું આપવાનું શરૂ કર્યું. આ રીતે તેનું અભિયાન શરૂ થયું. શીતલ અને તેની ટીમે મનકી તમન્ના નામથી એક અભિયાન શરૂ કર્યું છે.

છાપામાં જાહેરાત આપી. લોકો પોતાના ઘર, રેસ્ટોરન્ટ, હોટેલ અથવા પાર્ટીમાં બચેલા ભોજનને વેસ્ટ કરવા ન માગતા હોય, તો તેનો સંપર્ક કરો. આજે શીતલ અને તેની ટીમ આશરે 400 બાળકોને ભોજન કરાવે છે. તેમાં મોટાભાગના ટ્રાફિક સિગ્નલ પર રહેતા બાળકો છે. તે બાળકોની સાથોસાથ ગર્ભવતી મહિલાઓને પણ ભોજન કરાવે છે. શીતલ રોજ રાત્રે બે વાગ્યે અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં જઈને આશરે 400 બાળકોને ભોજન કરાવે છે. તે પહેલા તે એ બાળકો માટે શહેરની રેસ્ટોરન્ટ્સ, હોટેલ અને અલગ-અલગ હોસ્ટેલ્સમાંથી ખાવાનું ભેગું કરે છે અને તે ભોજનને એક વેનમાં ભરીને આ બાળકોને ખવડાવે છે. 20 વર્ષીય શીતલ શર્મા આ કામ ફીડિંગ ઈન્ડિયાની મદદથી કરી રહી છે.

આ પહેલમાં થતા ખર્ચ અને વેનનો ખર્ચ શીતલ એકલી ઉઠાવી રહી છે. ઠંડીથી બચાવવાનું પણ કામ કરી રહી છે. આ કામ માટે તેની ટીમ લોકોના ઘરે-ઘરે જઈને ગરમ કપડાં, જુના ધાબળા વગેરે માગે છે અને ગરીબોને આપે છે.