– ઉમંગ બારોટ
અમદાવાદ, 16 એપ્રિલ 2020
અમદાવાદમાં આઈઆઈએમ સામે આવેલી અટીરા – ટેક્સટાઇલ સંશોધન સંસ્થા ભારતની એકમાત્ર સંસ્થા છે જ્યાં N99 માસ્કનું ફિલ્ટર મટીરીયલ તૈયાર કરવામાં આવે છે.
ડી.આર.ડી.ઓ. દ્વારા આ કામ સોંપાયાના દિવસે જ મને રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકિમનો ફોન આવ્યો અને કોઈપણ જરૂરિયાત માટે સંપૂર્ણ સહકારની તત્પરતા દાખવતામાં આવી હતી. G.N.F.C. અને G.S.F.C. એ પણ કાચો માલ અહિં ગુજરાતમાંથી જ મળે તેવા પ્રયાસો કર્યા હતા.
પોલીએમાઇડ-6 પ્રકારનું નાયલોન ફિલ્ટરના ઉત્પાદનમાં વાપરવામાં આવે છે. આ માટેના ગ્રેન્યુઅલ્સ જર્મનીથી તાત્કાલિક લાવવાની જરૂરિયાત પડી હતી. ભારત સરકારના ઉડ્ડયન મંત્રાલય અને વિદેશ મંત્રાલયના સહયોગથી 4 ટન ગ્રેન્યુઅલ્સ પેસેન્જર પ્લેનથી ભારત પહોંચાડવામાં આવ્યું હતું. જર્મનીની એક ખાનગી કંપનીએ માનવતાના આ કામમાં કાચો માલ અટીરાને વિનામૂલ્યે પૂરો પાડ્યો હતો.
ફોર્મિક એસિડનો જથ્થો ખૂટી પડતાં શહેરની એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજના રસાયણ વિભાગના સહયોગથી એસિડનો જથ્થો ખરીદી શકાયો હતો.
‘અટીરા’ના નેનો ટેકનોલોજી વિભાગમાં સાયન્ટિફિક ઓફિસર, રિસર્ચર, પ્રોડક્શન યુનિટ સહિત 15 જેટલા લોકો કામ કરે છે.
N95 માસ્કની ફિલ્ટરેશન કેપેસિટિ (ગાળણ ક્ષમતા) 95% હોય છે. 0.3 માઇક્રોનથી મોટા તમામ કણો (પાર્ટિક્યુલેટ મેટર) N95 માસ્ક 95%ની ક્ષમતા સાથે ફિલ્ટર કરી શકે છે. જ્યારે N99 માસ્કની ગાળણ ક્ષમતા લગભગ 100% હોય છે.
અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ એસોશીએશન (ATIRA) અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના સંયુક્ત ઉપક્રમે હાલ દેશમાં અદ્યતન N99 માસ્કનું ઉત્પાદન WHO ના માપદંડ અનુસાર થઈ રહ્યું છે. ડી.આર.ડી.ઓ. ભારત સરકાર માન્ય માસ્ક ઉત્પાદન એકમ ધરાવે છે.
અટીરા દ્વારા 3.85 લાખ N99 માસ્ક બને તેટલું કાપડ ડી.આર.ડી.ઓ.ને આપવામાં આવ્યું છે. કુલ ઓર્ડર 5 લાખ માસ્ક બને તેટલા કાપડનો છે. ‘અટીરા’ના નેનો વિભાગમાં અદ્યતન નેનો ઈલેક્ટ્રો સ્પિનીંગ મશીન રાજ્ય સરકારના ઉદ્યોગ કમિશનર કચેરીના આર્થિક સહયોગથી ખરીદવામાં આવ્યું છે.
કોટેડ ફાઇબરના ઉપયોગથી N99 માસ્કનું ફિલ્ટર લેયર તૈયાર કરવામાં આવે છે. N99 માસ્કમાં ૫ સ્તર આવે છે જેમાં 3 સામાન્ય સ્તરની વચ્ચે 2 ફિલ્ટર લેયર હોય છે. N99 માસ્ક ભારતમાં ઉપલબ્ધ વિવિધ માસ્કનો સર્વોચ્ચ પ્રકાર છે.
અટીરાના નાયબ નિયામક દિપાલી પ્લાવતના જણાવ્યા અનુસાર N99 માસ્ક ડી.આર.ડી.ઓ દ્વારા એઇમ્સ, સ્વાસ્થ્ય મંત્રાલય અને રક્ષા સંસ્થાનોને ઉપલબ્ધ કરાવાયા છે.
ઉત્પાદન એકમમાં પરિવર્તિત કરવું એક પડકાર હતો. પરંતુ નેનો વિભાગની ટેકનિકલ ટીમ દ્વારા આ કામ પાર પાડવામાં આવ્યું. શરૂઆતમાં અહીં રોજના 10 હજાર માસ્ક માટેનું કાપડ તૈયાર થતું હતું જે ક્ષમતા હવે રોજના 15 હજાર માસ્કના કાપડ સુધી વધારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વિક્રમ સારાભાઇ અને કસ્તુરભાઇ લાલભાઇએ સ્થાપેલી સંસ્થા ‘અટીરા’ની વર્તમાન ઇમારતનો પાયો સરદાર વલ્લભભાઇ પટેલે નાખ્યો હતો. ‘અટીરા’ ઈસરો સાથે મળીને વિવિધ સંશોધન કાર્યો પણ કરી રહી છે. ટેક્સટાઇલ ક્ષેત્રે સંશોધનનો ઉત્કૃષ્ટ વારસો ધરાવતી ‘અટીરા’ કોરોનાની મહામારી સમયે ફરીથી દેશને કાજે આગળ આવી છે.