મોદીની મોબાઈલ ફોનની ટોર્ચની પ્રેરણા હાર્દીક પટેલ – જૂઓ વિડિયો

નવી દિલ્હી 03-04-2020
મોદીએ અગાઉ થાળી, શંખ વગાડવાની સલાહ આપી હતી. પણ હવે તેમણે મોબાઈલ ફોનના ટોર્ચ દ્વારા પ્રદાશ ફેલાવીને એક થવાનું કહ્યું છે. જે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પોતાની જંગી જનસભામાં લોકોને પ્રતિજ્ઞા લેવડાવવા માટે મોટા પ્રમાણમાં ઉપયોગ કરતાં હતા. સભાના હજારો લોકો તેમને અનુસરતાં હતા. ગુજરાતમાં સૌથી મોટો પ્રયોગ હાર્દિક પટેલે કર્યો હતો. જે હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવા જઈ રહ્યા છે. જૂઓ વિડિયો

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે,કોરોના વૈશ્વિક મહામારી સામે દેશવ્યાપી લૉકડાઉનને આજે 9 દિવસ થયા છે. 5 એપ્રિલ, રવિવારના રોજ રાત્રે 9 કલાકે હું આપ સૌની 9 મિનિટ લેવા ઈચ્છું છું. ધ્યાનથી સાંભળજો, 5 એપ્રિલના રોજ રાત્રે 9 કલાકે ઘરની તમામ લાઈટો બંધ કરીને, ઘરના દરવાજા પર અથવા બાલ્કનીમાં ઉભા રહીને 9 મિનિટ સુધી મીણબત્તી, દીવો, ટોર્ચ અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ રાખજો. ચારેય તરફ જ્યારે કોઈ વ્યક્તિ એક- એક દીવો પ્રગટાવશે ત્યારે પ્રકાશની આ મહાશક્તિનો અનુભવ થશે. તેમાં એક જ ઈરાદો છે કે આપણે સૌ લડત આપી રહ્યા છીએ.

થોડીક પળ એકલા બેસીને માઁ ભારતીનું સ્મરણ કરો. 130 કરોડ દેશવાસીઓના ચહેરાની કલ્પના કરો. 130 કરોડ દેશવાસીઓની આ સામુહિકતા, તેની મહાશક્તિનો અનુભવ કરો. તે આપણને સંકટની આ ઘડીમાં લડવાની તાકાત આપશે અને જીતવા માટે આત્મવિશ્વાસ પણ આપશે.

22 માર્ચ અને રવિવારના દિવસે કોરોના વિરૂદ્ધ લડાઈ લડનારા દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો તે આજે તમામ દેશો માટે એક ઉદાહરણ બની ગયું છે.

ઘણાં દેશો તેનું પુનરાવર્તન કરી રહ્યા છે. જનતા કર્ફ્યુ હોય, ઘંટડી વગાડવાની હોય કે પછી તાળી- થાળી વગાડવાનો કાર્યક્રમ હોય તેમાં આજના પડકારયુક્ત સમયમાં દેશે તેની સામુહિક શક્તિનો અનુભવ કરાવ્યો છે. એવો ભાવ પ્રગટ થયો કે દેશ સંગઠીત થઈને કોરોના વિરૂદ્ધ લડાઈ લડી શકે છે. હવે લૉકડાઉનના સમયમાં દેશની, આપ સૌની, આ સામૂહિકતા સાકાર થતી નજરે પડી રહી છે.

આ લૉકડાઉનનો સમય જરૂર છે, આપણે આપણાં પોતાના જ ઘરમાં છીએ, પરંતુ આપણાંમાંથી કોઈ એકલું નથી. 130 કરોડ દેશવાસીઓની સામુહિક શક્તિ દરેક વ્યક્તિની સાથે છે અને દરેક વ્યક્તિ સબળ છે.
કોરોના મહામારીના કારણે ફેલાયેલા અંધકારની વચ્ચે આપણે નિરંતર પ્રકાશ તરફ આગળ વધવાનું છે. સંકટના અંધકારને પડકાર આપવાનો છે. તેને પ્રકાશની તાકાતનો પરિચય કરાવવાનો છે.

આ પ્રકાશમાં, આ રોશનીમા, આ ઉજાસમાં આપણે આપણાં મનમાં એવો સંકલ્પ કરીએ કે આપણે એકલા નથી, કોઈપણ વ્યક્તિ એકલો નથી !!! 130 કરોડ દેશવાસીઓ એક જ સંકલ્પ માટે કટિબદ્ધ છે.

કોઈએ પણ, ક્યાંય પણ, એકઠા થવાનું નથી. રસ્તામાં, ગલીઓમાં, મહોલ્લામાં જવાનું નથી. સામાજિક અંતર- સોશિયલ ડિસ્ટન્સિંગને કોઈપણ હાલતમાં તોડવાનુ નથી. કોરોનાની ચેઈન (કડી) તોડવા માટે આ જ એક રામબાણ ઈલાજ છે.