ગાંધીનગર, 28 મે 2020
ગુજરાત વડી અદાલત દ્વારા અમદાવાદની સિવિલ કોવિડ-19 હોસ્પિટલ માટે કરવામાં આવેલા અવલોકનો-રાજ્ય સરકારને અપાયેલી સૂચનાઓ સંદર્ભમાં રાજ્ય સરકારે રજૂ કરેલા અહેવાલની વડી અદાલત સકારાત્મક નોંધ લીધી છે.
વડી અદાલત દ્વારા 22 મે 2020ના રોજ સીવીલ હોસ્પિટલ અમદાવાદમાં કોવીડની સારવાર બાબતે સીવીલ હોસ્પિટલ, અમદાવાદના એક રેસીડેન્ટ ડૉક્ટરની નનામી અરજી અને મેડીકલ ઓફીસરના પત્રના આધારે કરવામાં આવ્યો હતો.
કાયદા રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,
આ પત્ર સોશીયલ મીડીયામાં મે મહીનાની શરૂઆતથી ફરતો હતો. જે કોવિડ સિવિલ હોસ્પિટલની સાચી વિગતો રજૂ કરતા નહોતા. જેથી રાજ્ય સરકારે વડી અદાલતને વિનંતી કરી હતી કે, વ્યાપક જનહિતમાં તાત્કાલીક આ અરજી અંગે સૂનાવણી કરવામાં આવે. જેથી, રાજ્ય સરકારે લીધેલા પગલાં અને સારવારની વિગતો ઝડપથી જાહેર જનતા સમક્ષ રજુ કરી શકાય અને લોકો સમક્ષ સાચી હકીકત મુકી શકાય.
હાઇકોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો છે કે રેસિડેન્ટ ડોકટર કે અન્ય સ્ટાફની કોઇપણ મુશ્કેલીઓને નિવારવા માટે એક સ્વતંત્ર સમિતીની રચના કરવામાં આવે. તેથી રાજ્ય સરકારે આ માટે રાજ્યના ખ્યાતનામ ડોકટરો સર્વ ડો. પંકજ શાહ, ડો. તેજસ પટેલ, ડો. અતુલ પટેલ અને ડો. હરિશ દોષીની સમિતીની તાત્કાલિક રચના કરી છે.
કોવિડ દર્દીઓના 62 ટકા જેટલા લોકો સિવિલ હોસ્પિટલમાં ભરતી થાય છે. સારવાર તદ્દન મફત કરવામાં આવે છે.
એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને ગર્વનમેન્ટ પ્લીડર મનીષા લવકુમાર દ્વારા માનનીય ન્યાયાધિશ જે.બી. પારડીવાલા અને ઇલેશ વોરા સમક્ષ આ વિષયે વિગતવાર રજૂઆતો કરવામાં આવી હતી. અને હાઇકોર્ટે આજે વધુ એક ઓર્ડર આ કેસમાં કર્યો છે.
વિગત ફોટોગ્રાફ, સી.સી.ટીવી નેટવર્ક, મોનિટરીંગ રૂમ,હોસ્પિટલ મેનેજમેન્ટ સીસ્ટમ, નિષ્ણાત ડોકટરોની સેવાઓ અને એઇમ્સના ડિરેકટર ડો. રણદિપ ગુલેરીયાની મૂલાકાત અને તેઓના દ્વારા હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને સારવાર બાબતે વ્યકત કરવામાં આવેલ સંતોષથી પણ વાકેફ કરવામાં આવ્યા છે.
વડી અદાલત દ્વારા કોવીડ સીવીલ હોસ્પિટલ , અમદાવાદને લગતા ૨૨ મુદ્દાના સોશીયલ મીડીયામાં ફરતા પત્રની વિવિધ બાબતો પરત્વે વિગતવાર રીપોર્ટ રજુ કરવા ત્રણ સીનીયર મેડીકલ ઓફીસર્સની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં એસ.વી.પી. હોસ્પિટલના ડૉ.અમી પરીખ અને ડૉ.અદ્વૈત ઠાકોર અને સીવીલ હોસ્પિટલના ડૉ.વિપીન અમીન નો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કમીટી દ્વારા રીપોર્ટ વડી અદાલત સમક્ષ રજુ કરવામાં આવેલો હતો. જેમાં પેશન્ટ મેનેજમેન્ટ અથવા ખાતાકીય કામગીરી બાબતે મેડીસીન વિભાગના વડા સામે કોઈ લેખિત ફરીયાદ રેસીડન્ટ ડૉક્ટરો દ્વારા કરવામાં આવેલી નથી. દવાઓની, અને કન્ઝ્યુમેબલ્સની કોઈ અછત જણાયેલ નથી. કોવીડ હોસ્પિટલ ખાતે ડેડિકેટેડ સ્ટોર્સમાં દરેક વોર્ડ અને આઇ.સી.યુ. માટે 10 દિવસનો સ્ટોક હંમેશા ઉપલબ્ધ રહે છે.
કલીનીકલ અને મેડિકલ મેનેજમેન્ટ અઠવાડિક રોટેશનથી કરવામાં આવે છે. ઇન્સ્ટીટયુશનલ પ્રોટોકોલ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે અને એક્ષપર્ટ કમિટીના સુચનોનું પણ નિયમીત રીતે અમલ કરવામાં આવે છે. ઓન ડયુટી રેસિડેન્ટ અને ડોકટરો જરૂરી ડિસ્ચાર્જ અને મરણ પ્રમાણપત્ર આપે છે. સેમ્પલ કલેકશન માટે પણ પૂરતા પ્રમાણમાં લેબોરેટરી, ટેકનિશીયન ઉપલબ્ધ છે અને નિયમ પ્રમાણે સેમ્પલ લેવામાં આવે છે. દરેક વોર્ડમાં કોમ્પ્યુટર સિસ્ટમ અને પ્રીન્ટર, હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ સહિત કાર્યરત છે અને લેબોરેટરી સાથે જોડાયેલો છે.
આઇ.એન.સી. અને એમ.સી.આઇ. ગાઇડલાઇન્સ પ્રમાણે નર્સોનું પ્રમાણ જાળવવામાં આવે છે. આઇ.સી.યુ.માં 3 બેડ દીઠ એક નર્સ, આઇસોલેશન વોર્ડમાં 15 બેડ માટે 1 નર્સ છે. આઇ.સી.યુ.માં પેશન્ટ મેનેજમેન્ટ માટે વધારાના કર્મચારીઓ પણ હાજર હોય છે.
પી.પી.ઇ કીટની વ્યવસ્થા કરવામાં આવે છે. ઇન્ફેકશન ન ફેલાય તેના માટે પણ પૂરતા પગલાં લેવામાં આવે છે, આ વાતને રેસિડેન્ટ ડોકટર એસોસિએશને પણ સ્વીકારી છે.
દર્દીઓને લાવવા લઇ જવા માટે ડેડિકેટેડ એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. તમામ સ્ટાફને નિયમીતપણે તાલીમ આપવામાં આવે છે.
ભોજનને લગતી તમામ વ્યવસ્થાઓ માટે શરૂઆતથી જ ડેડિકેટેડ ડાયેટિશીયનની નિમણૂંક કરવામાં આવી છે. દર્દીઓને હોટલથી મંગાવીને 8 વખત જમવાનું અને ચા-નાસ્તો આપવામાં આવે છે.
મૃતક દર્દીઓના મૃતદેહ તેમના સંબંધિતોને કોઇપણ જાતની અડચણ વગર સોપવામાં આવે છે. હોસ્પિટલમાં રાઉન્ડ ધી કલોક સિનીયર ડોકટર સહિત તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ઉપર મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ અને ઓ.એસ.ડી. દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. બધી જગ્યાએ સી.સી.ટીવી કેમેરા ગોઠવવામાં આવેલા છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેનું મોનિટરીંગ થાય છે. રેસિડેન્ટ ડોકટરોએ પણ સ્વીકાર્યુ છે કે સિનીયર ડોકટરો પણ દર્દીની સારવારમાં જોડાય છે અને વોર્ડનો રાઉન્ડ પણ લે છે.
કોવિડની કામગીરી સાથે જોડાયેલા ઓન ડયુટી રેસિડેન્ટ ડોકટરોને સારી હોટલમાંથી જમવાનું મંગાવીને આપવામાં આવે છે. અને કોવિડ ડયુટી પર ન હોય તેવા રેસિડેન્ટ ડોકટરોને હોસ્ટેલની મેસમાં વિનામૂલ્યે જમવાનું અપાય છે.
મેડીશીન, એનેસ્થીશીયા, ઇ.એન.ટી, ફેફસા અને ઇમજન્સી મેડિસીનના રેસિડેન્સ ડોકટરો આઇ.સી.યુ. જેવા ક્રીટીકલ એરિયામાં રાઉન્ડ ધી કલોક ફરજ બજાવે છે અને તેમને નર્સીગ કે કલાસ 4 સાથે કોઇ સંકલન કરવાનું રહેતું નથી.
ગુજરાત વડી અદાલત રાજ્ય સરકારે રજૂ કરેલી આ બધી જ હકિકતોની સકારાત્મક નોંધ લીધી છે.