ભાવનગર, 16 એપ્રિલ 2020
70 વર્ષથી વધુ ઉમર ધરાવતાં સંક્રમિત લોકોને કોરોના – Covid-19 વધુ હાનિ કરે છે. સમગ્ર વિશ્વમાં 70 વર્ષથી વધુ ઉંમર ધરાવનારાઓનું મૃત્યુનું પ્રમાણ ઊંચું છે, પણ ભાવનગરમાં ઉલટું થયું છે. દેશ માટે આ એક અનોખો વિક્રમ છે.
તાળીઓથી વિદાય
ભાવનગરમાં 16 એપ્રિલ 2020માં કોરોના ગ્રસ્ત 3 દર્દીઓ સારા થઈ જતાં સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાંથી તેમને રજા અપાઇ હતી. કોરોનાને પરાસ્ત કર્યાની ખુશીમાં ડોક્ટર અને સહાયક કર્માચારીઓ દ્વારા આ દર્દીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટાફની તાળીઓના ગડગડાટ વચ્ચે તેમને વિદાય આપી હતી.
રજાકભાઈ મજાના
યુવાનોને પણ શરમાવે એવી સ્ફૂર્તિ ધરાવતા ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહેતા 92 વર્ષી ય વૃદ્ધ રજાકભાઈને એકદમ સારું થઈ ગયું છે. સઘન સારવાર, તંત્રની શ્રેષ્ઠ સેવા અને રજાકભાઈના મજબૂત મનોબળ કામ કરી ગયા હતા. તેમને 28 માર્ચ 2020માં દાખલ કરાયા હતા. કોરોના પર વિજય મેળવવામાં સફળતા હાંસલ કરી હતી. 92 વર્ષની ઉંમરે પણ રજાકભાઈમાં યુવાન જેવો તરવરાટ અને સ્ફૂર્તિ જોવા મળે છે.
રજાકભાઈ શેર-શાયરી બોલતા હોસ્પિલટથી નિકળ્યા
રજાકભાઈ સારવાર દરમિયાન પોતાને તથા બીજાને ખુશ રાખવા સતત પ્રયત્નશીલ રહેતા અને નિયમિતપણે યોગ પ્રાણાયામ કરી પોતાના સ્વાસ્થ્યની દરકાર લેતા. તેમના મોં પર ક્યારેય ચિંતા કે ભયની રેખાઓ જોવા મળી ન હતી. એટલે જ રજાકભાઈને જ્યારે હોસ્પિટલમાંથી રજા અપાઇ ત્યારે તેઓ પોતાના આગવા અંદાજમાં શાયરીઓ બોલ્યા હતા અને ત્યારબાદ ઘરે જવા વિદાય લીધી.

શ્રેષ્ઠ સ્ટાફ
પોતાની શ્રેષ્ઠ કાર્યદક્ષતા દ્વારા વિજય મેળવીને ભાવનગરની આરોગ્ય ટીમે ઇતિહાસ સર્જી સાબિત કરી દીધું છે કે સરકારની સ્વાસ્થ્ય સેવાઓ કોરોના સામે લડવા કેટલી સક્ષમ છે. સરકારી હોસ્પિટલના મેડિકલ સ્ટાફ વિશે રજાકભાઈ એ જણાવ્યું હતું કે, અહીંનો તમામ સ્ટાફ ખુબ જ સરળ સ્વભાવનો અને દરેક બાબતે દર્દીને સહાયરૂપ થાય તેવો છે. નાની નાની બાબતોમાં પણ અહીંના મેડિકલ સ્ટાફે મારી શ્રેષ્ઠ કાળજી લીધી છે. જેટલી વાર મને જરૂર પડી તેટલી વાર ડોક્ટરો, નર્સો મારી સેવામાં ખડે પગે હાજર રહ્યા છે. મારા જેવા વૃદ્ધની આટલી બધી દરકાર લેવા બદલ એ સૌનો તથા સમગ્ર તંત્રનો હું આભાર માનું છું.
ગુજરાતી
English




