ગાંધીનગર, 12 જૂન 2020
રીંગણ શાકભાજીનો રાજા છે. તેની ખેતી બારે માસ થાય છે. પણ ચોમાસામાં તેનું વાવેતર વધું હોય છે. ગુજરાતમાં તેનું વાવેતર ઝડપથી વધ્યું છે તેનો મતલબ કે લોકો તેનું શાક બનાવવાનું વધું પસંદ કરે છે. તે લીલા શાક ટામેટા પછી સૌથી સસ્તું શાક છે. શાકમાં રીંગણનું વાવેતર ગુજરાતમાં વધું થાય છે. આખી દુનિયા રીંગણ ખાય છે. ભોજનમાં ભરપુર વ્યંજન બનાવવા ઉપયોગ કરવામાં આવે છે. ખાસ બનાવટને કારણે એને શાકભાજીનો રાજા પણ કહેવામાં આવે છે. વર્ષે રૂ.700 કરોડના રીંગણ ખેડૂતો પકવે છે અને ગ્રાહકો વર્ષે રૂ.2000 કરોડના રીંગણ ખાઈ જાય છે. વચ્ચેનો રૂ.1300 કરોડનો નફો વેપારીઓ લે છે. ઋતુ કોઈપણ હોય, આવકનો રાજા રીંગણ છે.
ગુજરાતમાં 70,462 હેક્ટરમાં વાવેતર થાય છે. જેમાં 14.12 લાખ ટન રીંગણ પેદા થાય છે. તમામ શાકમાં 10 ટકા હિસ્સો રીંગણનો છે. 10 વર્ષ પહેલા 2008-9માં 62 હજાર હેક્ટરમાં 10 લાખ ટન રીંગણ પાકતાં હતા. આમ રીંગણમાં 40 ટકા જેવો વધારો થયો છે. ગુજરાતના લોકો સરેરાશ વ્યક્તિ દીઠ 22 કિલો રીંગણ વર્ષમાં ખાઈ જાય છે. મહિને 2 કિલો રીંગણ થાય છે. જે લીલા શાકભાજીમાં સૌથી વધું છે.
મધ્ય ગુજરાતના ખેડૂતો સૌથી વધુ રીંગણ પકવે છે જે લગભગ 30 હજાર હેક્ટર થવા જાય છે અહીં 6 લાખ ટન રીંગણ પાકે છે. જે વડોદરા અને અમદાવાદ શહેરને પૂરા પાડે છે.
વડોદરા રીંગણ માટે જાણીતો જિલ્લો છે. જ્યાં 8 હજાર હેક્ટર ખેતરોમાં 1.65 લાખ ટન રીંગણ પાકે છે. જે ગુજરાતમાં સૌથી વધું છે. બીજા નંબર પર સુરત છે જ્યાં 5500 હેક્ટર ખેતરોમાં 1.15 લાખ ટન રીંગણ પાકે છે. ઉત્તર ગુજરાતમાં 9400 હેક્ટર અને સૌરાષ્ટ્રમાં 14 હજાર હેક્ટરમાં રીંગણા વાવવામાં આવે છે.
10 વર્ષ પહેલાં સમગ્ર રાજ્યમાં જુનાગઢમાં સૌથી વધું એટલે કે 8300 હેક્ટરમાં 1.16 લાખ ટન રીંગણ થતાં હતા. ત્યાર પછી વડોદરા આવતું હતું.
વાવેતરની શરૂઆતમાં ગરમ હવામાન જોઈએ છે એક વખત ઉછેર થઈ ગયા પછી તેને વાતાવરણ નડતું નથી.
સુધારેલી જાતો
ગુજરાતમાં ડોલી-5 અને ગુજરાત સંકર રીંગણ-1 નાના અને થોડા લાંબા હોય છે. દક્ષિણ ગુજરાતનાં વિસ્તાર માટે સુરતી રવૈયા – ગોળ સાવ રીંગણ – હોય છે. સૌરાષ્ટ્ર વિસ્તાર માટે પી.એલ.આર.-1 મધ્યમ નાના અને ગાળ જાતોની ભલામણ કૃષિ વિજ્ઞાનીઓએ કરી છે. ગુજરાત લાંબા રીંગણ – 1 જાતના ફળો આછા ગુલાબી રંગના હોય છે. ગુજરાત લંબગોળ રીંગણ-1ના ફળો કાળા અને ચળકાટ ઘરાવતા, લંબગોળ અને ખૂબ જ આકર્ષક છે. શાક તેમજ ભડથુ, ઓળો, બનાવવા માટે અનુકૂળ છે. ચોમાસામાં ગોળ રીંગણ વધુ ઉત્પાદન આપતી સુરતી રવૈયા અથવા મોરબી-4-2 શ્રેષ્ઠ છે. જૂનાગઢ લોંગ, ગુજરાત રીંગણ-4, જૂનાગઢ રવૈયાં, જૂનાગઢ ઓલબંગ, ભડા, મોરબી-2, જૂનાગઢ સિલેકશન, પુસા પરપલ લોંગ, પુસા પરપલ સાઉન્ડ, પુસા પરપલ કલસ્ટર, જીઓબી -1, પીએલઆર-1, જીજેબી-2-3, જીબીએલ – 1, જેબીજીઆર – 2 તથા પીપીએલ જાતો ગુજરાતમાં ઉગાડાય છે.
કૃષિ વૈજ્ઞાનિકો ડો.એચ.આર.ખેર, ડો.પી.પી.ગોહિલ, ડો.એ.એસ. ભાણવડીયા, મુકેશ ચૌધરી રીંગણમાં સારું એવું જ્ઞાન ધરાવે છે.
દોઢથી બે મહિને રીંગણ ઉતારે અને બેથી ત્રણ મહિના પાક આપે છે. અઠવાડિયામાં બે વખત ઉતરે છે. ચોમાસામાં 25 વખત, શિયાળામાં 20 વખત, ઉનાળામાં 15 વખથ રીંગણની વીણી થાય છે.
હેક્ટરે 300-400 ક્વિન્ટલ ઉત્પાદન મળે છે.
રીંગણના ફાયદા સાથે ગેરફાયદા
રીંગણમાં બધા પોષકતત્વો છે. વિટામીન એ, બી અને સી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શ્યમ, લોહ, ફોસ્ફરસ જેવા તત્વો છે. રીંગણમાં રહેલા વિટામિન ચામડી કોમળ અને રંગ સારો કરે છે. રીંગણ વધું ખાવાથી તે નુકસાન કરે છે. પેટમાં ભાર, અનિદ્રા, મંદાગ્નિ, પથરી, હેડકી, શ્વાસ, પક્ષાઘાત, રાંઝણ, મોચ, ચોટમાં ફાયદો કરે છે. પણ ગર્ભવતી મહિલા, માસિક સમયમાં વધું ખાવાથી ગેરફાયદો કરી શકે છે. રીંગણમાં ઘણા પ્રકારના ફાઈટો હોર્મોન રહેલા હોય છે. એનાથી છોકરીઓને માસિક સમય કરતા પહેલા આવવાની સંભાવના વધી જાય છે. એનાથી એલર્જી વધી શકે. કોઈ રોગની દવા લેતી વખતે રીંગણ ન ખાવા. હરસ-મસામાં રીંગણ ન ખાવા, વધારે રીંગણ ખાવાથી પાઈલ્સ થઈ જાય છે.
ગુજરાતમાં શાકભાજીનું વાવેતર 3.95 લાખ હેક્ટર અને ઉત્પાદન 2008-9માં 74 લાખ મેટ્રીક ટન થાયું હતું. જે 10 વર્ષમાં પોણા બે ગણું વધીને 6.26 લાખ હેક્ટરમાં 125 લાખ ટન થઈ ગયું છે.