ગાંધીનગર, 13 ડિસેમ્બર 2020
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પ્રદેશના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ તેમજ પ્રદેશ અગ્રણી મહેશ કસવાલાની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત આ ચૂંટણીના અનુસંધાને પાંચ પ્રદેશ પ્રવક્તા, ઝોન પ્રવકતાઓ અને ૩૧ જીલ્લામાં જીલ્લા દીઠ બે ઇન્ચાર્જઓની નિમણૂક કરવામાં આવી છે.
ગાંધીનગર ખાતે ૧૨ અને ૧૩ ડિસેમ્બરના રોજ પ્રદેશ ભાજપાની બે દિવસીય ચિંતન બેઠક યોજાઇ હતી. આગામી સમયમાં ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તથા પ્રદેશમાં થનાર વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પેજકમિટીની રચના અંગે વિશેષ ભાર મુક્યો હતો. ગુજરાતમાં ખેડૂત સંમેલનો કરવામાં આવશે.
૨૫ ડિસેમ્બરે ભારતરત્ન, આદર્શ રાજપુરુષ, પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિનને ભાજપા દ્વારા દર વર્ષની જેમ સુશાસન દિન તરીકે ઉજવવામાં આવશે.
51 હજારથી વધુ બુથમાં વાજપેયીજીના જીવન કવન યાદ કરીને અંત્યોદયને લગતી યોજનાઓની માહિતી આપવા અંગેના કાર્યક્રમ ઉપરાંત રક્તદાન શિબિર અને હોસ્પિટલોમાં ફળફળાદી વિતરણ કરવામાં આવશે.
ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સહ-પ્રભારી સુધીર ગુપ્તા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પ્રદેશ ભાજપાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
૧૪ ડીસે., ૨૦૨૦ને સાંજે ૦૭.૦૦ કલાકે પ્રદેશ કાર્યાલય, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ બેઠક યોજાશે. તેમ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું.