મોલ, શોપીંગ દુકાનો, રેસ્ટોરા, હોટેલો બંધ રહી, સસ્તુ અનાજ ન મળ્યું

ગુજરાતમાં જનજીવન બંધ રહ્યું છે. દુકાનો, મોલ, રેસ્ટોરા, હોટેલો, જાહેર સ્થળો, શાળાઓ છેલ્લાં બે દિવસથી ઘણાં વિસ્તારમાં બંધ રહેતી હતી. રવિવારે સંપૂર્ણ બંધ રહી છે. ઘરની બહાર લોકો નિકળતા નથી. આવું પહેલાં રોગચાળામાં ક્યારેય જોવા મળ્યું નથી. ગુજરાતમાં મહાગુજરાતના આંદોલન વખતે લોકોએ જાતે જનતા કરફ્યું રાખ્યો હતો ત્યારે આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રોડ, રસ્તા સુમસામ છે.

કોરોના વાયરસની સ્થિતીમાં ગરીબ અને સામાન્ય પરિવારોને ખાદ્ય અને અન્ન પુરવઠો મેળવવામાં અને જીવનનિર્વાહ કોઇ મુશ્કેલી ન રહે તે માટે એ.પી.એલ અને બી.પી.એલ કાર્ડધારકોને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એક માસનું અનાજ એડવાન્સમાં આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના સમાજકલ્યાણ અને મહિલા બાળકલ્યાણ વિભાગની માસિક સહાય-પેન્શન મેળવતા નિરાધાર, વૃદ્ધ, વિધવા માતા-બહેનો અને દિવ્યાંગો વગેરેને એક માસનું પેન્શન એડવાન્સમાં આપવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારની કચેરીઓમાં ર૯ માર્ચ-ર૦ર૦ સુધી પૂર્વઅનુમતિ – એપોઇન્ટમેન્ટ સિવાય અને અગત્યના ન હોય તેવા કામો માટે મુલાકાતીઓને પ્રવેશ અપાશે નહિ. જનસેવા કેન્દ્રો પણ બંધ કરવામાં આવ્યા છે.  રેસ્ટોરન્ટ અને હોટલોમાં ખાવા-પીવાની વસ્તુઓની કાઉન્ટર ડિલીવરી કે ટેક હોમ ડિલીવરી કરવામાં આવશે. આવા રેસ્ટોરન્ટ – હોટલોમાં ત્યાં સ્થળ પર બેસીને ખાન-પાન કરી શકાશે નહિ.
રાજ્યમાં દવાઓ, કરિયાણું અને જીવનજરૂરી ચીજવસ્તુઓના વેચાણ સિવાયની ચીજવસ્તુઓ માટે શોપીંગ મોલ્સ બંધ રાખવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.
ગુજરાતમાં એસ.ટી. બસ સેવાઓ તેમજ નગરો-મહાનગરોમાં સ્થાનિક તંત્ર સંચાલિત શહેરી પરિવહન સેવાઓ, બી.આર.ટી.એસ., એ.એમ.ટી.એસ. વગેરે સવારે ૭ થી રાત્રે ૯ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.