સરકાર જે કોઈ નીતિઓ બનાવે છે તેમાં મજૂરોને કોરાણે મૂકી દે છે. મજૂરોની મહેનતથી જ ગુજરાત ગૌરવ પ્રદાન કરી શક્યું છે. મજૂરો કે જ્યાં એક ઓરડામાં દસ લોકો રહે છે. ગુજરાતનો સ્થાપના દિન અને મજૂર દિને રૂપાણી સરકારને એક પત્ર સોશિયલ વોચ દ્વારા લખવામાં આવ્યો છે.
તા. ૨૯-૦૪-૨૦૨૦
પ્રતિ,
શ્રી વિજયભાઈ રૂપાણી,
માન. મુખ્ય મંત્રીશ્રી,
ગુજરાત સરકાર, ગાંધીનગર.
વિષય: ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સર્વાંગી મજૂર નીતિ બનાવવા અંગે.
માનનીય શ્રી વિજયભાઈ
કુશળ હશો.
પહેલી મે ગુજરાત સ્થાપના દિન અને મજૂર દિવસ. ગરવી ગુજરાતનું ગૌરવ તેના મજૂરોથી છે. ખેત મજુર હોય, બાંધકામ મજુર હોય કે ઉદ્યોગોમાં કામ કરનાર મજુર હોય. મજૂરોની મહેનતથી જ ગુજરાત ગૌરવ પ્રદાન કરી શક્યું છે.
ગટરમાં કામ કરતાં ગટર કામદારો હોય કે ઘરે ઘરેથી કચરો ઉઠાવતા મજૂરો હોય તેનાથી ગુજરાત ઊજળું છે
ગુજરાતનો વિકાસ કરનાર ગુજરાતના મજુરોના ભોગે વિકાસ થાય તે જરા પણ ઠીક નથી લોકડાઉન જે ઝડપથી કરવામાં આવ્યું તેનો સૌથી વધુ ભોગ મજૂરો બન્યા. કેમકે, સરકાર જે કોઈ નીતિઓ બનાવે છે તેમાં મજૂરોને કોરાણે મૂકી દે છે. દેશમાં અને ખાસ કરીને મજૂરો સવિશેષ લોકડાઉનની આડ અસરોનો ભોગ બન્યા છે. એક તરફ સરકાર આરોગ્ય સેતુ એપ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવાની વાત કરે છે. પરંતુ, મજૂરોને તો બે ટંકનો રોટલો પણ નથી મળતો.
સરકારે મજૂરોના ખાતામાં 1000 રૂપિયા જમા કરાવવાનું કહ્યું. પરંતુ, મજૂરોની નોંધણી થતી નથી તો કેવી રીતે મજૂરોને આર્થિક સહાય મળશે ? તેમની પાસે રેશનીંગ કાર્ડ નથી. “બે ગજ ની દુરી” કેવી રીતે રાખી શકશે આ મજૂરો કે જ્યાં એક ઓરડામાં દસ લોકો રહે છે.
કામ કરતાં કરતાં કામના સ્થળે મજૂરોના મોત થાય છે. પરંતુ, કોઈ ચોક્કસ નિતિઓને અભાવે આ મૃત મજુરોના વારસદારોને વળતર નથી મળતું. ઉદ્યોગોમાં પણ મજૂરો લેબર કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરે છે. એટલે, સરકારી લાભોથી વંચિત રહી જાય છે. ખેતમજૂરો, બાંધકામ મજૂરો નોંધવામાં સરકાર ઉદાસીનતા સેવે છે. એટલે નામ ન નોંધાયેલા મજૂરોને કોઈ જ પ્રકારના સરકારી લાભો નથી મળતા.
આજે “ગુજરાતનો સ્થાપના દિન અને મજૂર દિન” આ પ્રસંગે સરકાર સમક્ષ માગણી મૂકીએ છીએ કે તમામ ક્ષેત્રના મજૂરોની નોંધણી ફરજિયાત કરો અને જુદાજુદા ક્ષેત્રના મજુર નેતાઓ સાથે મસલત કર્યા પછી સર્વાંગી મજુર નીતિ બનાવો.
આભારસહ,
(મહેશ પંડ્યા)
ગુજરાત સોશિયલ વોચ